વિશ્ર્વના યુદ્ધવીર – પ્રફુલ શાહ
(૩૧)
કાબુલનો સુલતાન મોહમ્મદ અઝીમખાન બારકજાઈને હાથમાં એટલી ચળ આવતી હતી કે એ મહારાજા રણજિતસિંહની સામે નિર્ણાયક યુદ્ધ આદરવાની તૈયારીમાં મચી પડ્યો હતો. રણજીતસિંહે વિશ્ર્વાસુ સરદાર હરિસિંહ નલવા સાથે ચર્ચા કરી. પરંતુ યુદ્ધને ધર્મ અને યુદ્ધભૂમિને પ્રેમિકાની જેમ પ્રેમ કરનારા હરિસિંહ ઝાઝી ચર્ચાને બદલે સીધો ધડાકો કર્યો કે એના આક્રમણની રાહ જોવા કરતા આપણે તૈયારીઓ આદરી દઈએ.
આ એકદમ અલગ પ્રકારની લડાઈ સાબિત થવાની હતી. અહીં પરંપરાગત યુક્તિ, શસ્ત્ર અને વ્યૂહમાં ફેરફાર જરૂરી હોવાનું નલાવાને લાગ્યું. મહારાજા સાથે વિગતવાર ચર્ચા કરીને હરિસિંહ એકદમ કામે લાગી ગયા. આ મુજબ લશ્કરનો થોડો ભાગ હઝારામાં રહેવા દેવાનો હતો. સમય આવ્યે ફુલાસિંહ અકાલી જેવા કાબેલ સેનાપતિને પણ તૈયાર રહેવા માટે કહી દેવાયુું. હઝારામાં કોઈપણ મુશ્કેલીને પહોંચી વળવાની પૂરેપૂરી તૈયારી કર્યા બાદ મોટી સંખ્યામાં સૈનિકો લઈને નલવા નીકળ્યા અટક જવા માટે. આ યુદ્ધમાં અટક નદી અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવી શકે એમ હતી. તેમણે એક તરફ અટક નદી પરના પુલનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ પર લીધું. તો બીજી બાજુ શકય એટલી હોડીઓ ભેગી કરવાની કવાયત આદરી દીધી. માત્ર યુદ્ધની જ નહીં, પ્રજા માટે ખાદ્યન્નની અછત ન સર્જાય એ માટે તેમણે હઝારા, હરિપુર અને આસપાસ વિસ્તારોના શાહુકારોને સત્વરે અનાજના ભંડારો ભરી દેવાની સુચના આપી દીધી.
સ્વાભાવિક છે કે મહારાજા રણજીતસિંહની છાવણી આટલી વધી તૈયારીઓ કરતી ત્યારે શત્રુ હાથ પર હાથ મૂકીને બેઠો ન રહે. અટક, મુંધેર, હઝારા અને મુલતાન પામી લેવાનો મનસુબો ધરાવનારો મોહમ્મદ આઝીમખાન બારકજાઈ પણ જરાય ઓછી માયા નહોતો.
તેણે કાબુલથી પેશાવર જવાનો વ્યૂહ અપનાવ્યો. પેશાવરમાં અઝીમખાનનો નાનો ભાઈ યાર મોહમ્મદ ખાન બારકજાઈનું રાજ હતું પરંતુ તેમણે મહારાજા રણજીતસિંહને કર ચુકવવો પડતો હતો. સાદી ભાષામાં કહી શકીએ કે એ રણજીતસિંહને આધિન ખંડિયો રાજા હતો. વાયા ખૈબર થઈને અઝીમખાન બારકજાઈ પેશાવર ગયો તો ધારણાથી વિપરીત આસાનીથી પ્રવેશ મળી ગયો. એ દિવસ હતો ઈ.સ. ૧૮૨૩ની ૧૨મી ફેબ્રુઆરી.
પેશાવરમાં આસાન પ્રવેશથી અઝીમખાન અભિમાનમાં આવી ગયો. એને એમ લાગ્યું કે ખાલસા રાજ હેઠળનું પેશાવર મેળવીને પોતાની ફતેહની શરૂઆત થઈ ગઈ. વ્યૂહના ભાગરૂપે તેણે ભાઈ યાર મોહમ્મદખાન પાસે અભિમાનમાં આવીને એક લાંબોલચક પત્ર લખાવીને મહારાજા રણજીતસિંહને પહોંચાડાવ્યો. આમાં જણાવાયું કે અઝિમખાનનું તોતિંગ લશ્કર જોઈને અમારા માટે સામનો કરવાનું મુશ્કેલ હતું. એટલે નાછૂટકે પેશાવર છોડીને જતાં રહેવું પડ્યું.
સ્વાભાવિક છે કે પોતે હજી મહારાજા રણજીતસિંહને વફાદાર હોવાનો એ ઢોંગ કરતો હતો. એના ભાઈ અઝીમખાન જૂનું અને જાણીતું પત્તું ઉતર્યો. તેણે બધા મુસ્લિમ વિસ્તારોમાં ગાઝી અને મૌલવીઓને મોકલીને ઉશ્કેરણી શરૂ ફરી કરી દીધી. રણજીતસિંહની હિન્દુ સેના વિરુદ્ધ ઝેર ઓકીને નફરત – રોષની લાગણી જન્માવીને એ એક – એક મુસલમાનને સૈનિક તરીકે યુદ્ધના મેદાનમાં ઉતારવાનો ભૂંડો મનસુબો ધરાવતો હતો.
જેહાદના ગાઝી સેનાનું કદ સતત વધ્યા માંડ્યું. આ આંકડો પહોંચી ગયો ૪૫ હજાર સુધી. હવે સવાલ એ આવ્યો કે યુદ્ધ અગાઉ આ ટોળાંને રાખવા ક્યાં? આ માટે નૌશહરા ક્ષેત્ર પર પસંદગી ઉતારાઈ. આનું એક માત્ર કારણ એ કે ત્યાં કાબુલ નદીમાં પીવા લાયક પાણી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હતું. સાથોસાથ રહેવા માટે વિશાળ જગ્યા હતી. યુદ્ધના સમયમાં પર્વતની ઓથ મળી રહે એમ હતી.
આ જોઈને મોહમ્મદ અઝીમખાન બારકજાઈની હિમ્મત ખૂબ વધી ગઈ. તેણે પોતાના બે ભત્રીજા ખબાસખાન અને મોહમ્મદ જમલ ખાનને ગાજીઓનાં મોટાં ટોળાં સાથે રવાના કરીને આદેશ આપ્યો કે રણજીતસિંહના લશ્કરને અટક પાસે જ રોકી દેજો. આ આદેશ તો એ રીતે આપ્યો કે ચણા-મમરા ફાંકવાનું કામ સોંપ્યું હોય!
સામાન્ય સંજોગો, તર્ક અને આંકડાની દૃષ્ટિએ જોઈએ તો મોહમ્મદ અઝીમખાન બારકજાઈનો પ્લાન લગભગ પરફેકટ હતો. એના અમલ માટેની વ્યવસ્થા પર્યાપ્ત હતી. પરંતુ સામે સૌથી મોટા વિઘ્નનું નામ હતું સરદાર હરિસિંહ નલવા. શત્રુના સૈન્યબળ, શસ્ત્રબળ સામે એની પાસે હતા ગજબનાક સ્વબળ, મનોબળ અને અખંડ – અમાપ વફદારી, છોગામાં શૌર્ય, બુદ્ધિચાતુર્ય, હિમ્મત અને કાબેલ સેનાની અને સૈનિકો.
મોહમ્મદ જમાનખાન અને ખબાસ ખાનના તથાકથિત લડવૈયાઓના ટોળેટોળા ઉમટી પડ્યાં એ જોઈને લેશમાત્ર ચિંતિત થયા વગર નલવા એકદમ સક્રિય થઈ ગયા. તેમણે ખાલસા સેનાને મિશન સોંપી દીધું કે ગાઝીઓને અટકથી તગેડી મૂકવા માંડો. તેઓ જાણતા હતા કે સામે મુસલમાનોની સંખ્યા પોતાના લશ્કર કરતા ચારગણી હતી છતાં વિશ્ર્વાસ ૪૦૦ ગણો વધુ હતો. ગાજીઓને પાછા ભગાવવાનું સરળ નહોતું પણ નલવાને પડકાર ગમતા, ખૂબ ગમતા હતા.
ખાલસા સેના પોતાની તરફ ધસી આવી રહી હોવાની જાણકારી મળી એટલે તે પોતાના સૈન્યને લઈને આગળ વધવા માંડ્યો. પરંતુ લડવા માટે નહીં. તેના મનમાં કંઈક અલગ જ વિચારો હતા, જેથી નલવાના પ્લાનને એકદમ નિષ્ફળ બનાવી શકાય. (ક્રમશ:)ઉ