Homeઉત્સવવિશ્ર્વના વીર યોદ્ધા: રાજૌરી બાદ પૂંચ જીત્યું નલવા સેનાએ

વિશ્ર્વના વીર યોદ્ધા: રાજૌરી બાદ પૂંચ જીત્યું નલવા સેનાએ

વિશ્ર્વના યુદ્ધવીર – પ્રફુલ શાહ

હિન્દુ અને ખાલસા સેનાના સદૈવ સફળ સર-સેનાપતિ સરદાર હરિસિંહ નલવાના લશ્કરી જીવનમાં વધુ મહત્ત્વનો તબક્કો નજીક આવી રહ્યો હતો.
રાજ કાકના મોઢેથી કાશ્મીરી હિન્દુઓની વિતક કથા સાંભળીને મહારાજા રણજીતસિંહ માત્ર વ્યથિત ન થઈ ગયા પણ એમનું લોહી ઉકળી ઉઠ્યું: કાશ્મીરના અફઘાન શાસકોને બરાબરનો પાઠ ભણાવવાનો સમય આવી પહોંચ્યો છે એવું તેમને લાગ્યું. આ ઉપરાંત કાશ્મીરનું લશ્કરી દૃષ્ટિએ વ્યૂહાત્મક મહત્ત્વથી તેઓ પૂરેપૂરા વાકેફ હતા. તેમણે આદેશ આપ્યો અને સેના ઇ. સ. ૧૮૧૯ની ૨૦મી ફેબુ્રઆરીએ કાશ્મીર માટે રવાના થઈ ગઈ.
ખાલસા સેના વઝિરાબાદ પહોંચી ત્યારે મહારાજાએ સરદાર હરિસિંહ નલવા, સરદાર ફુલાસિંહ અકાલી અને રાજકુમાર ગંગાસિંહને કાશ્મીર પર આક્રમણ કરવાનો સંદેશો મોકલાવ્યો.
આમાંથી નલવા પોતાની સેના સાથે સૌ પ્રથમ રાજૌરી પહોંચી ગયા. તેમણે રાજૌરી પર એેવી ચીલ ઝડપે હુમલો કર્યો કે એના શાસક અગર ખાન પાસે જીવ બચાવવા માટે ભાગી છૂટવા સિવાયનો વિકલ્પ જ ન રહ્યો, પરંતુ પોતાના લશ્કરી વ્યૂહમાં ઓચિંતા હુમલાનું પત્તુ ઉતારતા નલવાએ સંભવિત પ્રતિસાદની ગણતરી ય માંડી રાખી હતી. તેઓ માનતા હતા કે અગર ખાન ભાગી છૂટવાના ફાફા મારશે જ. એટલે તેને આંતરીને ક્યાં-કેવી રીતે પકડી શકાય એની ગણતરી માંડીને ચોક્કસ વ્યવસ્થા ય કરી રાખી હતી. બધુ એમની ધારણા મુજબ જ થયું. અગર ખાનને પકડીને કેદી તરીકે લાહોર રવાના કરી દેવાયા.
રાજૌરી પર જીત બાદ આગામી ધ્યેય હતું પૂંચ. અહીં રાજૌરીથી એકદમ વિપરિત સંજોગો અને પ્રતિકાર નલવા સેનાની રાહ જોઈ રહ્યાં હતા. પૂંચનો નવાબ જબરદસ્ત ખાન પોતાના નામને શોભાવે એ રીતે લડ્યો. ખૂબ લડ્યો. હરિસિંહના લશ્કરે સુરંગની મદદથી જબરદસ્ત ખાનના કિલ્લાની ભીંતો તોડી પાડી પછી એકદમ સીનારિયો બદલાઈ ગયો.
હવે જબરદસ્ત ખાનના જોશ અને વીરતાનું ઝાકળની જેમ બાષ્પીભવન થઈ ગયું. આમેય ખાલસા સેના અને નલવાની વીરગાથા એણે બહુ સાંભળી હતી. ‘જાન હૈ તો જહાં હૈ’ને વહાલું કરીને એ જીવ બચાવવા ભાગવા ગયો પણ ઝાઝો દૂર ન જઈ શક્યો. એ ખાલસા સેનાનો બંદી બની ગયો.
આ સાથે જબરદસ્ત ખાનની સેના લડવાની ઇચ્છા સાવ ખોઈ બેઠી. રાજૌરી બાદ પૂંચ પણ જીતી લેવાયું. કાશ્મીરના અનેક સ્થળ પર ખાલસા સેના વિજયપતાકા ફરકાવી રહી હતી. વચ્ચે બહિરામ ગલે નામના સ્થળ પર ખાલસા સેના થોડા સમયના વિરામ માટે રોકાઈ ગઈ.
કાશ્મીરમાં ઠેર ઠેર જીત મેળવીને ખાલસા સેના આગળ વધતી હોવાના માઠા વાવડ કાશ્મીરના નવાબ મોહમ્મદ જબાર ખાન સુધી પહોંચી રહ્યા હતા. નવાબે વિચાર્યું કે ખાલસા સેના પોતાના સુધી આવે એની રાહ જોવાને બદલે સામેથી જઈને હુમલો કરવામાં વધુ વ્યૂહાત્મક મળી શકે. એક, ખાલસા સેનાને વધુ વિસ્તાર જીતતા રોકી શકાય. બે, અણધાર્યા આક્રમણથી એમને કદાચ ઊંઘતા ઝડપી શકાય.
પરંતુ નવાબને સરદાર હરિસિંહ નલવા અને ખાલસા સેનાના જોશ-જુસ્સાની પૂરેપૂરી ક્યાં ખબર હતી. નવાબ મોહમ્મદ જબાર ખાન વિશાળ સેના લઈને આક્રમણ કરવા પોતાની તરફ ધસી રહ્યો છે એવી માહિતી ગુપ્તચરોએ આપી. આ સાથે નલવાએ આરામ-વિરામ ભૂલીને સામા જવાનો નિર્ણય લઈ લીધો.
ઇ. સ. ૧૮૧૯ની ફેબ્રુઆરીથી લાહોરથી નીકળેલી સેના ખૂબ લડી હતી, ઘણી જીત મેળવી હતી અને જુલાઈ સુધીમાં થોડો ઘણો થાક લાગે, કુટુંબીજનોની યાદ સતાવે એ માનવસહજ ગણાય. પરંતુ અલગ જ માટીના બનેલા નલવાના પ્રેરક નેતૃત્વે બધાના પગામાં જોમ, હાથમાં જોશ અને આંખમાં ચમક લાવી દીધી. વધુ માહિતી આવી કે નવાબનું લશ્કર સીપિર્યાંના મેદાનમાં તંબુ ખોડીને પડ્યું છે.
બસ પછી તો પૂછવું જ શું? નલવા સેના ય સીપિર્યાં પહોંચી ગઈ. નવાબનો દાવ એની સામે જ વાપરતા નલવાએ સીધો હુમલો કરી દીધો. એ દિવસ હતો. ઇ. સ. ૧૮૧૯ની ત્રીજુ જુલાઈનો. બન્ને પક્ષ જાણે યુદ્ધની રાહ જોતા હોય એમ એકમેકનો જબરદસ્ત સામનો કર્યો. બેમાંથી કોઈ જરાક મચક આપવા તૈયાર નહોતા. પહેલા દિવસની લડાઈ બન્ને બાજુ થોડી-ઘણી ખુવારી સાથે પૂરી થઈ. પલડું કંઈ બાજું નમશે એનો હજી અંદાજ આવે એય નહોતો.
સૂર્યાસ્ત બાદ દિવાનચંદ મિશ્રની આગેવાની હેઠળની ખાલસા સેના આદેશનું પાલન કરીને કૂચ કરવા માંડી. પરંતુ ન જાણે આગોતરી ખબર મળી હોય કે યોગાનુયોગ બન્યો હોય એમ જંગલ તરફથી આવીને અફઘાન લશ્કરે ખાલસા સેના પર હુમલો કરી દીધો. રાતના અંધારામાં દિવાનચંદ મિશ્ર અને અફઘાન સેનાપતિ શેરદિલ ખાનની ટુકડી જીવ સટોસટના યુદ્ધમાં જોતરાઈ ગઈ.
આ જાણકારી સરદાર હરિસિંહ નલવા સુધી પહોંચી. એક પળનોય વિચાર કર્યા વગર નલવાએ પણ સૈન્ય સાથે ધસી જઈને શેરદિલ ખાનની સેના પર આક્રમણ કરી દીધું. હવે અફઘાન સેના પર બે બાજુથી ભીંસ વધી ગઈ. (ક્રમશ:)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -