વિશેષ – સોનલ કારિયા
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ વિશ્ર્વભરમાં વધુને વધુ લોકો વંધ્યત્વનો શિકાર બની રહ્યા છે
—
હજુ હમણાં જ આપણે મધર્સ ડે ઉજવ્યો કેટલાક અપવાદો બાદ કરતા લગભગ દરેક સ્ત્રી માતૃત્વ ઝંખતી હોય છે અને દરેક પુરુષના મનમાં પિતા બનવાના કોડ હોય છે, પરંતુ આધુનિક યુગમાં ઇનફર્ટિલિટી અથવા વંધત્વની બીમારી ખૂબ મોટા પ્રમાણમાં પ્રસરી રહી છે એવું અમે નહીં પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહી રહ્યું છે. તાજેતરમાં વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ આપેલા આંકડાં અનુસાર વિશ્ર્વભરમાં સાડાસત્તર ટકા લોકો વંધ્યત્વનો ભોગ બન્યા છે. જગતની કુલ વસ્તીના સાડા સત્તર ટકા એટલે કે એ સંખ્યા કરોડોમાં છે. જો કે વિશ્ર્વ આરોગ્ય સંસ્થા કહે છે કે ચોક્કસ આંકડો મેળવવો તો મુશ્કેલ છે, કારણ કે કેટલાક દેશોમાં આ પ્રકારના આંકડાઓ ઉપલબ્ધ નથી એટલે જે આંકડાઓ ઉપલબ્ધ છે એના આધારે એક અંદાજ કાઢવામાં આવ્યો છે. હકીકતમાં તો આ સંખ્યા અનેકગણી વધુ હોવાનું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કહે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ વિશ્ર્વની દર છઠ્ઠી વ્યક્તિ નિ:સંતાન છે અને તેમાંના મોટા ભાગના સંતાન ઝંખી રહ્યા છે.
આ પ્રકારનો અહેવાલ તૈયાર કરવા પાછળનો આશય એ હોય છે કે કેટલા લોકો વંધ્યત્વથી પીડાઈ રહ્યા છે એના આંકડાનો અંદાજ આવે તો એ અનુસાર સર્વસામાન્ય લોકોને એ માટેની સારવાર પરવડે એવી કિંમતમાં ઉપલબ્ધ કરી આપવા અંગે વિચારી શકાય. આ સિવાય કયા પ્રકારના ઉપચાર અને સારવાર ઉપલબ્ધ છે એની માહિતી પણ લોકો સુધી પહોંચાડી શકાય. દાખલા તરીકે આઈવીએફ જેવી ઉપચાર પદ્ધતિઓ વિશે આપણા દેશમાં જ નહીં વિશ્ર્વભરમાં અપૂરતી જાણકારી અથવા ગેરસમજ છે. ઉપરાંત આ પ્રકારની ઉપચાર પદ્ધતિઓ સામાન્ય લોકોની પહોંચની બહાર હોય છે તો એને સામાન્ય લોકો સુધી પરવડે એટલી કિંમતે કઈ રીતે ઉપલબ્ધ કરી શકાય એની વિચારણા અને એ મુજબનાં પગલાં લઈ શકાય.
આપણા દેશમાં અને ખાસ તો શહેરોમાં નિ:સંતાન દંપતીઓની સંખ્યા ઘણા મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. દરેક વિસ્તારમાં ઇન્ફર્ટિલીટીની સારવાર કરતા ક્લિનિક અને હોસ્પિટલો જોવા મળે છે તે એ વાતનો પુરાવો છે કે આ સમસ્યા ભારતમાં પણ મોટા પાયે છે.
આ સમસ્યાના ઉકેલ માટે વધ્યંત્વ શાને લીધે થાય છે એના કારણો જાણવા. ઇન્ફર્ટિલિટી અથવા વંધ્યત્વનું મુખ્ય કારણ છે કે અગાઉ લોકો જે ઉંમરે લગ્ન કરતા એનાથી મોટી ઉંમરે લગ્ન કરે છે. આ સમસ્યા વિશ્ર્વભરમાં જોવા મળી રહી છે. આધુનિક સમયમાં શિક્ષણ પૂરું થતાં જ વીસ-પચ્ચીસ વર્ષ થઈ જાય છે. ત્યારબાદ નોકરી, ધંધા કે વ્યવસાય માટેની તાલીમ અથવા એમાં સેટલ થવામાં સમય લાગે છે. ઘણા લોકો જ્યાં સુધી આર્થિક રીતે સધ્ધર ન થાય ત્યાં સુધી પરણવાનું અને જો પરણી ચૂક્યા હોય તો બાળક વિશે વિચારતા નથી. હવે મહિલાઓ પણ નોકરી, વેપાર કે વ્યવસાય કરવા માંડી છે અને તેથી પરણવાની અને બાળક પ્લાન કરવાની ઉંમર વધતી ગઈ છે. તબીબો કહે છે કે સ્ત્રીઓમાં ત્રીસ વર્ષ બાદ સંતાન ઉત્પન્ન કરવાની ક્ષમતા ઘટતી જાય છે. પુરુષોમાં આ ઉંમર ચાળીસની કહેવામાં આવે છે, પરંતુ આજના જમાનામાં આ ઉંમર સુધી તો સફળતા મેળવવાની સ્પર્ધામાં વ્યસ્ત સ્ત્રી-પુરુષો મોડેથી સંતાન વિશે વિચારે છે અને ત્યાં સુધીમાં ઘણા સ્ત્રી-પુરુષોની પ્રજનન ક્ષમતામાં ઘટાડો આવી ગયો હોય છે અથવા તેઓ કુદરતી રીતે અને સહજતાથી સંતાન પ્રાપ્તિ કરી શકવા માટે સક્ષમ રહ્યા હોતા નથી.
આ ઉપરાંત જીવનશૈલીમાં આવેલા પરિવર્તનને પણ ઇન્ફર્ટિલીટી માટેનું મહત્ત્વનું કારણ માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જે હવા, પાણી અને ખોરાક આપણે લઈ રહ્યા છે એ પ્રદૂષિત હોય છે અને વધુને વધુ પ્રદૂષિત થઈ રહ્યા છે. પેસ્ટીસાઇડ એટલે કે ખેતીમાં વપરાતી જંતુનાશક દવાઓ સ્ત્રી-પુરુષ બન્નેની પ્રજનન ક્ષમતા પર ખૂબ જ ખરાબ રીતે અસર કરી રહી છે એવાં સંશોધનો થયાં છે. આપણા ભોજનમાં અને જે પ્રવાહી આપણે લઈએ છીએ એ બધામાં પ્લાસ્ટિકના કણો દાખલ થઈ ચૂક્યા છે. શરીરમાં પહોંચી રહેલું આ પ્લાસ્ટિક પણ સંતાન ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં ખતરનાક અવરોધ પેદા કરી રહ્યું હોવાનું મેડિકલ ક્ષેત્રે ચર્ચાઈ રહ્યું છે.
આ સદીના લગભગ દરેક રોગ કે શારીરિક ખામીઓમાં તનાવ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યું છે. પગલીનો પાડનાર ને ખોળાનો ખૂંદનાર સંતાન ઘરમાં નથી તો તે દંપતીમાં માનસિક તનાવની માત્રા વધુ હોય એવી સંભાવના બહુ મોટી છે. આજના જમાનામાં માનસિક તનાવને કારણે સ્ત્રી-પુરુષ વચ્ચેના શારીરિક સમાગમ પર પણ અસર પડી છે. દંપતીઓ એટલા વ્યસ્ત હોય છે કે એ અંગત પળો માટે પણ તેમની પાસે સમય નથી અથવા તનાવ અને ભાગદોડને કારણે માનસિક અને શારીરિક થકાવટનો ભોગ બન્યા હોય છે કે તેમના જાતીય સંબંધો પર બહુ જ ગહન પ્રભાવ પડી રહ્યો છે. આના પરિણામે ઘણા દંપતીઓ ઇચ્છતા હોવા છતાં માતૃત્વ કે પિતૃત્વના સુખથી વંચિત રહી જાય છે.
વંધ્યત્વ પાછળનું એક મહત્ત્વનું કારણ વ્યસન પણ છે. સિગારેટ, શરાબ કે કેફી દ્રવ્યોનું સેવન પ્રજનન ક્ષમતા પર વિપરીત અસર કરે છે એ હવે બહુ જ જાણીતી બાબત છે. આધુનિક સમયમાં ફક્ત પુરુષોમાં જ નહીં પણ મહિલાઓમાં પણ આ બધા વ્યસનોનો વ્યાપ વધી રહ્યો છે. જેને કારણે અનેક દંપતીઓ માટે સંતાન પ્રાપ્તિ મુશ્કેલ અથવા અસંભવ બની રહી છે.
મેડિકલ જગતમાં થઈ રહેલાં સંશોધનો એક બહુ જ ચોંકાવનારી બાબત પર પણ ધ્યાન દોરી રહ્યા છે. આજકાલ પાતળી કમર કે સુંદર દેહની લાહ્યમાં લોકો જાતભાતના ડાયેટ પ્લાન કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર જાતભાતના ડાયેટ પ્લાન ફરી રહ્યા છે. એમાંના ઘણા બધા ડાયેટ પ્લાન અણઘડ અને શરીરશાસ્ત્ર કે આહારશાસ્ત્ર અથવા તો શરીરના પોષણ વિશે કશુંય ન જાણતા લોકો દ્વારા આપવામાં આવી રહ્યા છે. કેટલાક લોકો આવા ડાયેટ પ્લાનનો આડેધડ અમલ કરે છે જેને કારણે શરીરમાં અમુક ધાતુ અને તત્ત્વોની ઊણપ સર્જાય છે. જેને લીધે ગર્ભાધાન
મુશ્કેલ બને છે. આવા રાષ્ટ્રિય કે આંતરરાષ્ટ્રિય ડાયેટ પ્લાન અમલમાં મૂકતા પહેલાં નિષ્ણાત ડૉક્ટરો કે ન્યુટ્રિશ્યનિસ્ટની સલાહ લેવી જોઈએ એવું લગભગ તમામ સમજદાર ડૉક્ટરો કહી રહ્યા છે. વ્હોટસ અપ, યુટ્યુબ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર મૂકવામાં આવતા આધારવિહોણા ડાયેટ પ્લાનનો અમલ કરવાથી અને એના વિપરીત પરિણામોથી સંભવ છે કે દંપતી નિ:સંતાન રહી જાય.
આયુર્વેદના ગ્રંથોમાં તો સંતાન ઇચ્છુક દંપતીએ શું ખાવું અને ન ખાવું, શું પીવું અને ન પીવું તેમ જ તેમના આચાર, વિચાર, વ્યવહાર કેવા હોવા જોઈએ એની વિગતવાર સમજણ આપી છે. સંતાન ઝંખતા દંપતીએ પોતાની જીવનશૈલી કેવી રાખવી જેથી શરીર અને મનથી સ્વસ્થ એવા ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થઈ શકે એ વિશે વિસ્તારપૂર્વક વાત કરી છે.
આધુનિક વિજ્ઞાને નિ:સંતાન દંપતીઓ સંતાનપ્રાપ્તિ કરી શકે એ માટેની અનેક ઉપચાર પદ્ધતિઓ વિકસાવી છે. જરૂર પડ્યે એનો લાભ લઈ શકાય, પરંતુ એના કરતાં પણ કુદરતી રીતે પ્રજનન થઈ શકે એ માટેના પ્રયાસો દ્વારા સંતાનપ્રાપ્તિ કરવી વધારે હિતાવહ છે. આધુનિક ઉપચાર પદ્ધતિઓ કેટલાક લોકોને અને ખાસ કરીને સ્ત્રીઓના શરીરને અને મનને નુકસાન પહોંચાડતી હોય છે.