વિશેષ – રાજેશ યાજ્ઞિક
યાદ છે એ શાળાના દિવસો? જયારે આપણી સાથે ભણતા કોઈ છોકરા કે છોકરીને આપણે, ‘એ જાડા!’ કે ‘એ જાડી!’ કહીને ચીડવ્યા હોય? અથવા તેમને ‘હાથી મેરે સાથી’ કહીને પજવ્યા હોય? રમતગમત કે નૃત્ય કે અન્ય કોઈ શારીરિક શ્રમ માગતી પ્રવૃત્તિઓ આવે ત્યારે પણ આપણે આપણી આસપાસના વધુ વજન ધરાવતી વ્યક્તિને ‘રહેવા દે, તારાથી નહીં થાય.’ કહી દેતા હોઈએ છીએ. એવું નથી કે માત્ર બાળપણમાં કે છોકરમતમાં આવું થાય છે, મોટા થયા પછી પણ સામાન્ય કરતા વધુ વજન ધરાવતા લોકો પ્રત્યે આપણે આપણી મજાક કરવાનું બંધ કરતા નથી. મોટેભાગે સ્થૂળ વ્યક્તિને આપણે એક રૂઢ માન્યતા (સ્ટિરિયોટાઇપ)માં બાંધીને એ તો “ખાઉધરા જ હશે એમ માની લઈને એ પ્રકારની પણ મજાક કરતા રહીએ છીએ. પરંતુ આપણે એક ક્ષણ માટે પણ એવો વિચાર કર્યો છે કે આપણી આવી મજાક કોઈના માટે અપમાનજનક કે તિરસ્કારજનક અનુભવ બની શકે છે?
સ્થૂળતા બાબતે આપણે એટલી બધી રૂઢ માન્યતાઓમાં જકડાયેલા છીએ કે મનોરંજનમાં પણ તેનું પ્રતિબિંબ ઝીલાય છે. પચાસ -સાઈઠના દાયકામાં જન્મેલા લોકોને ‘લોરેલ-હાર્ડી’ની લોકપ્રિયતા યાદ હશે જ. આ બ્રિટિશ-અમેરિકન કોમેડિયન્સમાં પેલો જાડો હાર્ડી પણ યાદ હશે જ. હિન્દી ફિલ્મોની ‘ટુનટુન’ યાદ છે? આટલે દૂર જોવાની જરૂર નથી, અત્યારની ભારતની સૌથી લોકપ્રિય ટીવી સિરિયલ અને આપણા તારક મહેતાની કલ્પનાના પાત્ર ડૉક્ટર હાથી અને તેમનો પરિવાર કેમ ભુલાય? આ બધાં પાત્રો મનોરંજનનું માધ્યમ બનવા પાછળ તેમનો શારીરિક દેખાવ છે. લોકો તેમને જોઈને જ ‘હસતા.’ વિચાર કરો, તમે રસ્તે ચાલતા જતા હો અને કોઈ તમને ઘૂરીઘૂરીને જુએ અને પછી તમારા ઉપર હસે તો તમને કેવી લાગણી થાય? સામે વાળી વ્યક્તિ જે સ્થૂળ હોય છે તેને પણ આવી લાગણીનો અનુભવ આપણે જાણતા કે અજાણતા અનેક વાર કરાવતા હોઈએ છીએ, એ સમજ્યા-વિચાર્યા વિના, કે સ્થૂળતા એ તેમની સમસ્યા છે, તેમની પસંદગી નહીં.
સ્થૂળતા એ એક જટિલ રોગ છે જેમાં શરીરમાં વધુ પડતી ચરબી જામે છે. સ્થૂળતા એ માત્ર શારીરિક દેખાવની સમસ્યા નથી, તે એક તબીબી સમસ્યા છે જે અન્ય રોગો અને સ્વાસ્થ્ય સમસ્યાઓ, જેમ કે હૃદય રોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને અમુક કૅન્સરનું જોખમ વધારે છે.
સ્થૂળ કોને કહેવાય?
સૌથી પહેલા તો એ સમજીએ કે તબીબી દ્રષ્ટિએ કોને સ્થૂળ કહેવાય છે? તબીબી દ્રષ્ટિએ સ્થૂળતાનો માપદંડ બોડી માસ ઈન્ડેક્સ છે. જો તમારો બીએમઆઈ ૩૦ની ઉપર હોય તો તમારું વર્ગીકરણ સ્થૂળ લોકોમાં થઇ શકે.
આપણે વજનના કયા સ્તરે છીએ તે નીચેના કોષ્ટકથી જાણી શકાય.
બીએમઆઈ ૧૮.૫ કરતાં ઓછું – ઓછું વજન
૧૮.૫ – ૨૪.૯ વચ્ચે – સામાન્ય વજન
૨૫.૦ – ૨૯. ૯ વચ્ચે – વધુ વજન
૩૦.૦ થી વધારે – સ્થૂળતા
જે શારીરિક સ્થિતિ કેટલાક લોકો માટે માત્ર મજાક અને કોઈને ઉતારી પાડવાનો મુદ્દો છે, તે હકીકતમાં કેટલી મોટી સમસ્યા છે એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા જોઈએ ત્યારે સમજાય. આ આંકડા આપણી આંખો ઉઘાડનારા જ નહીં, આંખો ફાટી જાય એવા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના માત્ર ૨૦૧૬ સુધીના આંકડા મુજબ,
૨૦૧૬ માં, ૧૮ વર્ષ અને તેથી વધુ વયના ૧.૯ અબજ કરતાં વધુ પુખ્ત વયના લોકોનું વજન વધારે હતું. આમાંથી ૬૫૦ મિલિયનથી વધુ પુખ્ત વયના લોકો મેદસ્વી હતા.
૨૦૧૬ માં, ૧૮ વર્ષ અને તેથી વધુ વયના ૩૯% પુખ્ત વયના લોકો (૩૯% પુરુષો અને ૪૦% સ્ત્રીઓ) વધારે વજન ધરાવતા હતા.
એકંદરે, ૨૦૧૬ માં વિશ્ર્વની લગભગ ૧૩% પુખ્ત વસ્તી (૧૧% પુરુષો અને ૧૫% સ્ત્રીઓ)
મેદસ્વી હતી.
૧૯૭૫ અને ૨૦૧૬ ની વચ્ચે સ્થૂળતાનો વિશ્ર્વવ્યાપી વ્યાપ લગભગ ત્રણ ગણો વધી ગયો હતો.
વિશ્ર્વની મોટાભાગની વસ્તી એવા દેશોમાં રહે છે જ્યાં ઓછા વજનના કરતાં વધુ વજન અને સ્થૂળતાના કારણે મૃત્યુ દર ઊંચો છે.
૨૦૨૦ માં ૫ વર્ષથી ઓછી ઉંમરના ૩૯ મિલિયન બાળકો વધુ વજનવાળાં અથવા મેદસ્વી હતાં.
૨૦૧૬ માં ૩૪૦ મિલિયનથી વધુ બાળકો અને ૫-૧૯ વર્ષની વયના કિશોરો વધુ વજનવાળા અથવા મેદસ્વી હતા.
૫-૧૯ વર્ષની વયનાં બાળકો અને કિશોરોમાં વધુ વજન અને સ્થૂળતાનો વ્યાપ ૧૯૭૫માં માત્ર ૪% થી નાટ્યાત્મક રીતે વધીને ૨૦૧૬માં માત્ર ૧૮% સુધી પહોંચ્યો હતો. આ વધારો છોકરાઓ અને છોકરીઓ બંનેમાં સમાન રીતે જોવા મળ્યો હતો: જેમાં ૨૦૧૬માં ૧૮% છોકરીઓ અને ૧૯% છોકરાઓનું વજન વધારે હતું.
જ્યાં ૧૯૭૫માં ૫-૧૯ વર્ષની વયના માત્ર ૧% બાળકો અને કિશોરો મેદસ્વી હતાં, ત્યાં ૨૦૧૬માં વધુ ૧૨૪ મિલિયન બાળકો અને કિશોરો (૬% છોકરીઓ અને ૮% છોકરાઓ) મેદસ્વી હોવાનું જોવાયું હતું.
જો ભારતની વાત કરીએ તો, ભારતમાં ૩૦ મિલિયનથી વધુ મેદસ્વી લોકો છે, અને સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. એક સમયે શ્રીમંત રાષ્ટ્રોની આરોગ્ય સમસ્યા ગણાતી સ્થૂળતા હવે ભારતમાં પણ ઝડપથી રોગચાળાના પ્રમાણમાં પહોંચી છે. ૨૦૧૫-૧૬ નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં જાણવા મળ્યું છે કે:, ભારતમાં ૨૧% મહિલાઓ વધારે વજન ધરાવતી અથવા મેદસ્વી હતી અને ૧૯% પુરૂષો વધારે વજન ધરાવતા અથવા મેદસ્વી હતા. આ સમસ્યા પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધુ તીવ્ર છે. આઈસીએમઆર-ઇન્ડિયાએબી દ્વારા ૨૦૧૫ માં થયેલા અભ્યાસ મુજબ ભારતમાં સ્થૂળતાનો એકંદર પ્રસાર દર ૧૧.૮ – ૩૧.૩% જેટલો છે.
કેટલાક અપવાદોને બાદ કરતા સ્થૂળતા કે મેદસ્વિતાની સમસ્યાને સદભાગ્યે નિયંત્રણમાં રાખી શકાય છે, તેનાં લક્ષણો પણ સ્વાભાવિક રીતે દેખાય તેવા હોય છે, પરંતુ મુશ્કેલી એ છે કે, મેદસ્વિતા, સ્વયં તો એક સમસ્યા છે જ, પણ સપરિવાર આવતા મહેમાનની જેમ તે પોતાની સાથે અનેક આરોગ્ય વિષયક સમસ્યાઓને નોતરું આપે છે. આપણે આગળ તેની ચર્ચા ચાલુ રાખીશું.