Homeતરો તાજાનમકને સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે

નમકને સ્વાદ જ નહીં સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે

વિશેષ – સોનલ કારિયા

‘અયોગ્ય આહારને કારણે દર વર્ષે જેટલા મૃત્યુ થાય છે એમાંના૧.૮૯ મિલિયન મૃત્યુ વધુ પડતું સોડિયમ (નમકમાંના સોડિયમ) ખાવાને કારણે થાય છે…’ આવું વિશ્વ આરોગ્ય સંસ્થાનું કહેવું છે.
દરરોજના ખોરાકમાં સાકરની માત્રા અંગે લોકોમાં થોડીક જાગરૂકતા આવી છે. સાકર ખાવાથી વજન વધવાની સમસ્યાની સાથે શરીરને અન્ય નુકસાન પણ થઈ શકે છે એવી જાણકારીને પગલે ઘણા લોકો સાકરના ઉપયોગ અંગે સજાગ થયા છે, પણ મોટા ભાગના લોકો નમક એટલે કે મીઠું ખાતી વખતે ખાસ વિચાર કરતા નથી. જ્યારે હકીકત એ છે કે નમકને ફક્ત સ્વાદ સાથે જ નહીં સ્વાસ્થ્ય સાથે સીધો સંબંધ છે. વધુ પડતું મીઠું ખાવાને કારણે હાઇ બ્લડપ્રેશર જ નહીં અન્ય પણ ઘણા રોગ થઈ શકે છે. વધુ પડતું મીઠું હૃદયને પણ નુકસાન પહોંચાડી શકે છે એ અંગે મોટા ભાગના લોકોમાં જાણકારીનો અભાવ જોવા મળે છે.
યુ.એન. આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના સૌ પ્રથમ રિપોર્ટ પ્રમાણે ૨૦૨૫ સુધીમાં સોડિયમ ખાવાનું પ્રમાણ ૩૦ ટકા જેટલું ઓછું થાય એ જરૂરી છે. આ રિપોર્ટ દર્શાવે છે કે લોકો ખોરાકમાં સોડિયમ એટલે કે મીઠાનો ઉપયોગ ઓછો કરે એ પ્રકારની નીતિઓ હિંદુસ્તાન સહિત મોટા ભાગના દેશોએ ઘડવાની જરૂરી છે, કારણ કે મીઠાના વધુ પડતા વપરાશને કારણે હાર્ટ એટેક, સ્ટ્રોક તેમ જ અન્ય શારીરિક બીમારીઓ થવાની સંભાવના રહેલી છે.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ અનુસાર વિશ્ર્વભરમાં સોડિયમ સભર મીઠાનો ઉપયોગ વધી રહ્યો છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના સૂચન મુજબ વ્યક્તિ દીઠ દરરોજ ૫ ગ્રામ એટલે કે ૧ ટી-સ્પૂન જેટલું કે એનાથી પણ ઓછું મીઠું ખાવું જોઈએ એને બદલે સામાન્યત: લોકો ૧૦.૮ ગ્રામ કે એનાથી વધુ મીઠું આરોગી જાય છે.
યુ.એન.ની આરોગ્ય સંસ્થાનું કહેવું છે કે જો સ્વાસ્થ્ય સુધારવું હોય કે જાળવી રાખવું હોય તો અને રોગમુક્ત રહેવું હોય તો ભોજનમાં મીઠાનો ઉપયોગ ઘટાડી નાખવો જોઈએ.
જો કે આનો અર્થ એવો પણ નથી કે મીઠું ખાવાનું સદંતર બંધ જ કરી નાખવું જોઈએ. દિલ્હીના મેક્સ હોસ્પિટલના ડૉ. રોમેલ કહે છે કે શરીરની નસો અને સ્નાયુઓ સારી રીતે કાર્ય કરી શકે એના માટે નમક ખાવું જરૂરી છે. શરીરના પ્રવાહીઓનું સંતુલન રાખવાનું કાર્ય, શરીરમાં બ્લડપ્રેશરનું નિયંત્રણ કરવાનું કામ પણ નમક કરે છે, પરંતુ જ્યારે આપણે સીધી કે આડકતરી રીતે એટલે કે પ્રોસેસ્ડ ફૂડ થકી નમક ખાવાનું પ્રમાણ વધારી દઈએ છીએ ત્યારે ઘણી બધી સમસ્યાઓની શરૂઆત થાય છે. આમાં ફેરફાર લાવવાની જરૂર છે.
તબીબો કહે છે કે દરેક વ્યક્તિનું શરીર અલગ છે અને નમક ખાવાની અસર કોના પર કેવી થશે એ પણ અલગ-અલગ હોય છે. જેમને હાઇ બ્લડપ્રેશર, ડાયાબિટીઝ હોય, કિડનીના રોગ હોય કે વૃદ્ધ વ્યક્તિઓ માટે સોડિયમની ખરાબ અસર વધુ માત્રામાં થાય છે. ઘણા લોકોને નમકીન ખાવાનો એટલો ચટાકો હોય છે કે તેઓ વાનગીઓમાં ઉપરથી મીઠું ભભરાવતા રહેતા હોય છે. સામાન્ય રીતે આપણે વાનગીઓમાં સ્વાદ અનુસાર મીઠું નાખવું એવું કહેતા હોઈએ છીએ પણ હકીકતમાં ફક્ત સ્વાદ જ નહીં સ્વાસ્થ્યની સ્થિતિ અનુસાર સોડિયમનું સેવન કરવું જોઈએ. તબીબો કહે છે કે વધુ પડતું મીઠું ખાવાથી હાઇ બ્લડપ્રેશર થવાની સંભાવના બહુ મોટા પ્રમાણમાં હોય છે. તબીબો એવી સલાહ આપે છે કે જો હાઇ બ્લડપ્રેશરથી બચવું હોય તો તમારા ડાઇનિંગ ટેબલ પરથી મીઠાની બાટલીને હટાવી દો એટલે કે ઉપરથી મીઠું ભભરાવવાનું સદંતર બંધ કરો.
આધુનિક સમયમાં મીઠું ફક્ત આપણા પકાવેલા ભોજનમાંથી જ નથી આવતું પણ બજારમાં મળતા રેડીમેડ ફૂડ્સ એટલે કે બ્રેડ, બિસ્કીટ, ચટપટા નમકીન નાસ્તાઓ, ચિપ્સ, ડબ્બાબંધ ખોરાક, જાતભાતના સોસ વગેરેમાં પણ સોડિયમ ભરપૂર માત્રામાં હોય છે જે આપણે વગર વિચાર્યે પેટમાં પધરાવતા રહીએ છીએ.
શરીરમાં જરૂર કરતાં વધુ મીઠું જવાથી પેટમાં ગેસ થવો, વધુ પડતી તરસ લાગવી, હંગામી સ્તરે બ્લડ પ્રેશરનું અચાનક વધી જવું જેવી તકલીફો પણ થઈ શકે છે. કેટલાંક કિસ્સાઓમાં હાયપોનિટ્રિમિયા એટલે કે રક્તમાં સોડિયમનું પ્રમાણ વધી જવા જેવી ગંભીર સ્થિતિ પણ પેદા થઈ શકે છે. વધુ પડતું સોડિયમ બ્લડ પ્રેશર વધારે છે કારણ કે એને કારણે શરીરમાં પ્રવાહીનું સંતુલન ખોરવાઈ જાય છે અને પરિણામે હૃદય પર વધુ પ્રેશર નિર્માણ થાય છે.
જરૂર કરતાં ઓછું મીઠું ખાવું પણ એવી સ્થિતિ નિર્માણ કરે છે જેમાં બ્લડપ્રેશર નીચું જાય છે. જેને કારણે સુસ્તી તેમ જ ગભરામણનો પણ અનુભવ થાય છે. જો સોડિયમનું પ્રમાણ વધુ પડતું ઘટી જાય તો ક્રેમ્પસ આવવા, ઉબકા આવવા, ઉલ્ટી થવી, ચક્કર આવવા જેવાં લક્ષણો પણ જોવા મળે છે. સોડિયમનું સ્તર અત્યંત ઘટી જવાથી વ્યક્તિ કોમામાં પણ સરકી શકે છે.
શરીરમાં સોડિયમનું સ્તર જાળવી રાખવા માટેનો શ્રેષ્ઠ રસ્તો તાજા ફળો અને શાકભાજી ખાવાનો છે જેમાં કોઈ પણ પ્રકારના પ્રિઝર્વેટિવઝ કે કેમિકલ ઉમેરવામાં ન આવ્યા હોય.
વિશ્ર્વ આરોગ્ય સંસ્થા કહે છે કે જો હૃદય સંબંધિત રોગમાંથી બચવું હોય તો શરીરમાં સોડિયમનું સ્તર સંતુલિત રાખવું જરૂરી છે. આધુનિક સમયમાં આપણી જે પ્રકારની ખાણીપીણી છે એમાં મોટા ભાગે સોડિયમનું પ્રમાણ વધુ જ હોય છે. આ માટે વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ સૂચન કર્યું છે કે ખોરાકમાંથી સોડિયમનું પ્રમાણ ઘટાડવું. એ ઉપરાંત ખાદ્યપદાર્થોના પેકેટ્સ પર એકદમ ધ્યાનમાં આવે એ રીતે એમાં સોડિયમ કેટલી માત્રામાં છે એની જાણકારી મૂકવા કંપનીઓને ફરજ પાડવી જોઈએ. આ સિવાય સોડિયમના વધુ પડતા વપરાશ અંગે લોકોમાં જાગરૂકતા પણ ફેલાવવી જોઈએ.
આપણે ત્યાં આહારશાસ્ત્રમાં બધા પ્રકારના રસનું સેવન કરવાનું કહેવાયું છે અને ખારા એટલે કે નમકીન રસનો પણ એમાં સમાવેશ કરાયો છે, પરંતુ આજના જમાનામાં આપણે નમકીન અને મધુર રસનું સેવન જ વધારે માત્રામાં કરીએ છીએ અને પરિણામે સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી બેસીએ છીએ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -