મોટાભાગના લોકો જાણે છે કે ભારતીયો સાથે પંગા લેવાનું કેટલું ભારે પડી શકે છે. જ્યારે પણ ભારતીય નાગરિકનું મગજ ખરાબ થાય છે ત્યારે તે સામેવાળાને પાઠ ભણાવવા માટે કંઈ એવું કરી બેસે છે કે જેના વિશે કોઈ કલ્પના પણ ના કરી શકે. આવી જ એક ઘટના રાજસ્થાનના ઉદયપુરમાંથી સામે આવી રહે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કારના માલિક નવી ખોટકાઈ ગયેલી ગાડી ગધેડા પાસે ખેંચાવડાવીને શો રૂમ સુધી લઈ ગયો હતો.
સોશિયલ મીડિયા પર હાલમાં આ વીડિયોની ખૂબ જ બોલબાલા જોવા મળી રહી છે. મળી રહેલી માહિતી અનુસાર ઉદયપુરના સુંદરવાસ વિસ્તારમાં રહેતા રાજ કુમાર ગાયરીના કાકા શંકરલાલે તાજેતરમાં જ ઉદયપુરના માદ્રી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાંથી 17 લાખ રૂપિયાની નવી કાર ખરીદી હતી. આ નવી નક્કોર કારમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ જોવા મળી હતી અને તેમના કાકાએ આ બાબતની ફરિયાદ સર્વિસ સેન્ટરમાં કરી હતી. પરંતુ કંપનીની આફ્ટરસેલ્સ સર્વિસ તદ્દન નિરાશાજનક હતી. વારંવાર ડીલર્સનો સંપર્ક કરીને સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેમને કોઈ નિરાકરણ મળતું ન હતું. આ કારને બે વખત સર્વિસ સેન્ટરમાં પણ લઈ જવામાં આવી હતી પરંતુ તેમ છતાં કોઈ ઉકેલ આવ્યો નહોતો.
આગળ રાજ કુમારે જણાવ્યું હતું કે થોડાક દિવસ પહેલાં અમારા ઘરે એક ફેમિલી ફંક્શન હતું અને એ દરમિયાન કાર વારંવાર ખોટકાઈ હતી અને તેને વારંવાર ધક્કો પણ મારવો પડ્યો હતો. આવું થતાં જ મેં સર્વિસ સેન્ટર પર ફોન કર્યો પરંતુ તેઓએ કહ્યું કે કારની બેટરી ડાઉન થવાને કારણે સમસ્યા આવી છે. ત્યાર બાદ એ લોકોએ મને સૂચન કર્યું કે કારને અમુક અંતર સુધી ચલાવવાથી આ સમસ્યા દૂર થઈ જશે. જોકે, આવું કંઈ જ બન્યું નહોતું.
ધીરજનો અંત આવતા આખરે રાજ કુમાર અને તેમના કાકાએ કંટાળીને કારને શોરૂમમાં પરત કરવાનો નિર્ણય કર્યો અને તેને બદલી આપવાની માગણી ડીલર્સ પાસે કરી હતી. કંપનીની ખરાબ આફ્ટર સેલ્સ સર્વિસ વિશે બધાને જણાવવા અને કંપનીને પાઠ ભણાવવા માટે તેમણે ગધેડાની મદદથી કારને શોરૂમ સુધી લઈ જવાની યોજના બનાવી હતી. કારને ગધેડા સાથે બાંધી દેવામાં આવી હતી અને તેની મદદથી તેઓ તેને શોરૂમ સુધી ખેંચી ગયા હતા. આ ઘટનાનોની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.