ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા દરરોજ નવા રાજકીય સમીકરણો બની રહ્યા છે ત્યારે મહેસાણામાં અર્બુદા સેનાના અધ્યક્ષ અને રાજ્યના પૂર્વ ગૃહપ્રધાન વિપુલ ચૌધરીના ચૂંટણી લડવાને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. વિપુલ ચૌધરી ક્યાંથી ચૂંટણી લડશે અને અબુર્દા સેના ક્યાં રાજકીય પક્ષને સમર્થન આપશે એ અંગે ચર્ચાનો માહોલ ગરમ થયો હતો. ત્યારે વિપુલ ચૌધરી ચૂંટણી નહીં લડે એવા અહવાલો મળી રહ્યા છે.
આજે માનસીભાઇ ચૌધરીની જન્મજયંતી નિમિતે માણસાનાં ચરડામાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અર્બુદાસેનાના આગેવાને જણાવ્યું હતું કે, અર્બુદા સેના ચૂંટણીમાં કોઇ રાજકીય પક્ષને સમર્થન નહીં આપે. અર્બુદા સેના માત્ર સામાજિક મુદ્દા ઉપર જ કામ કરશે. આજે સંમેલનમાં કોઇ રાજકીય ચર્ચા થવાની નથી. અર્બુદા સેનાનો કોઇપણ સભ્ય કે પૂર્વગૃહપ્રધાન વિપુલ ચૌધરી ચૂંટણી નહીં લડે. ચૂંટણીમાં જાતિગત સમીકરણોને ધ્યાને રાખેની આ નિર્ણય લેવાયો છે.
નોંધનીય છે કે, છેલ્લાં કેટલાંક દિવસોથી વિપુલ ચૌધરી AAPમાં જોડાઈ ચૂંટણી લડશે અને અબુર્દા સેના પણ AAPને સમર્થન કરશે તેવી ચર્ચાઓ પણ વહેતી થઈ હતી.
અબુર્દા સેના ઉત્તર ગુજરાતમાં ખાસ પ્રભુત્વ ધરાવે છે. ખાસ કરીને મહેસાણા, માણસા, ગાંધીનગર, વિજાપુર, વિસનગર અને ખેરાલુમાં ચૌધરી સમાજના મતદારો પ્રભાવિત થઇ શકે છે. વિપુલ ચૌધરી અર્બુદા સેનાના અધ્યક્ષ છે અને દૂધસાગર ડેરીના અધ્યક્ષ પદે રહેતા થયેલા કથિત 800 કરોડનાં કૌભાંડ મામલે જેલમાં બંધ છે.