ઔરંગાબાદ: નાગપુર-મુંબઇ સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર અકસ્માતો રોકવા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરવા માટે વાહનચાલકોનું કાઉન્સેલિંગ કરવા વિવિધ પોઇન્ટ્સ પર આરટીઓની ટીમો તહેેનાત કરવામાં આવી છે. હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે નાગપુર-મુંબઈ સમૃદ્ધિ એક્સપ્રેસવૅ શિર્ડી સુધી શરૂ કરવામાં આવ્યો છે.
અમે સમૃદ્ધિ એક્સપ્રેસવૅ પર અકસ્માતો અને મૃત્યુની સંખ્યા અટકાવવા માગીએ છીએ. આથી સાત ઇન્ટરચેન્જ પર ટીમો ગોઠવવામાં આવી છે. વાહનના પ્રવેશનો સમય નોંધવામાં આવી રહ્યો છે એ જો વાહન મુકરર સમય પૂર્વે નિર્ધારિત એક્ઝિટ પોઇન્ટ પર પહોંચે તો તેને ટોલનાકા નજીકના બેરિયર પર રોકવામાં આવે છે અને લગભગ 30 મિનિટ સુધી ડ્રાઇવરનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે, એમ આરટીઓ (મહારાષ્ટ્ર)ના ડેપ્યુટી કમિશનર ભરત કળસકરે જણાવ્યું હતું.
કારના ટાયરોમાં ઘસારો પડ્યો છે કે તે તપાસવા માટે સાધનોનો ઉપયોગ કરાય છે. ખરાબ ટાયરની સ્થિતિ જોતા 80 વાહનને એક્સપ્રેસવૅ પર પ્રવેશની મનાઇ કરવામાં આવી હતી.
આરટીઓની ટીમોને અમરાવતી, નાગપુર, ઔરંગાબાદ, વાશિમ, બુલઢાણા, જાલના, શ્રીરામપુરમાં ગોઠવવામાં આવી છે. આરટીઓ દ્વારા આપવામાં આવેલી આંકડાવારી અનુસાર કમસેકમ 1,269 વાહનો સામે ખરાબ ટાયરની સ્થિતિને લઇ કાર્યવાહી કરવામાં આવી હતી. વધુ પડતી સ્પીડ માટે 65 વાહનને રોકવામાં આવ્યાં હતાં. 105 વાહનને લેન-કટિંગ માટે, 55 વાહનને રિફલેક્ટર્સ સંબંધી ઉલ્લંઘન માટે રોકવામાં આવ્યાં હતાં. આ પહેલ મહિના પૂર્વે શરૂ કરાઇ છે અને છ મહિના સુધી ચાલશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)