વિનોદ ખન્ના… ઈન્ડસ્ટ્રીનું એક એવું નામ કે જેનો ખુદનો એક સમય હતો અને તે પોતાના સમયના સુપરસ્ટાર હતા. આ એક્ટરના કરિયરમાં એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે અમિતાભ બચ્ચનની ચમક પણ આ એક્ટરે ઝાંખી કરી નાખી હતી.
એક પછી એક સતત સુપરહિટ ફિલ્મ આપનાર વિનોદ ખન્નાના જીવનમાં બધું જ બરાબર ચાલી રહ્યું હતું, પણ માનસિક અશાંતિને કારણે પરિવારને છોડીને ઓશોનું શરણ સ્વીકારી સંન્યાસના માર્ગે ચાલી નીકળ્યા હતા. આ એક્ટરને અત્યારે અહીં યાદ કરવાનું કારણ એટલું જ કે આજના દિવસે જ એટલે કે 27મી એપ્રિલના આ સ્ટારે દુનિયાને અલવિદા કહ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જણાવી દઈએ કે, વિનોદ ખન્ના તેમની કારકિર્દીની ટોચ પર હતા એ જ સમયે તેમની માતાનું નિધન થયું હતું. માતાના નિધનથી વિનોદ એટલા બધા તૂટી ગયા કે તેઓ ઈન્ડસ્ટ્રીમાં બધાથી અલગ અલગ રહેવા લાગ્યા હતા અને આખરે પરિવાર છોડીને ઓશોના આશ્રય હેઠળ અમેરિકા જતા રહ્યા હતા. એક્ટરમાંથી સાધુ બનનાર વિનોદની લવલાઈફ વિશે વાત કરવાની થાય તો બાળપણમાં જ તેમને તેમનો જીવન સાથી મળી ગયો હતો. જેના પ્રેમમાં પડ્યા હતા એને જ તેમણે પોતાનો જીવનસાથી બનાવી. ગીતાંજલિ સાથે લગ્ન કર્યા અને બંનેને બે બાળકો અક્ષય ખન્ના અને રાહુલ ખન્ના હતા. એવું કહેવાય છે કે ગીતાંજલિથી અલગ થવાનું કારણ વિનોદ ખન્નાનું સંન્યાસી બની જવું જ હતું.
વિનોદ ખન્ના પાછા લાવવા માટે ગીતાંજલિ તેના પ્રેમ દુહાઈ પણ આપતી હતી. પત્ની અને બે નાના નાના બાળકો વિનોદ ખન્નાની સામે રડતાં રહ્યા પણ વિનોદ ખન્ના સંન્યાસના રસ્તેથી પાછા ફરવા તૈયાર ન હતા. વૈભવી જીવન જીવતા વિનોદ ખન્ના ત્યાં રહીને માળીથી માંડીને શૌચાલય સાફ કરવાનું સુધ્ધા કામ કરતા હતા અને આ બધામાં જ તેમને સંતોષ મળતો હતો. અહીં પાંચ વર્ષ ગાળ્યા પછી જ્યારે તેઓ ભારત પાછો આવ્યો ત્યારે તેણે ગીતાંજલિથી છૂટાછેડા લઈ લીધા અને ફરી એક વાર પોતાનું જીવન શરૂ કરવાનો પ્રયાસ કર્યો અને ફરી એકવાર પોતાનું ઘર વસાવ્યું હતું.
એક્ટિંગની સાથે સાથે વિનોદ ખન્નાએ રાજકારણમાં પણ હાથ અજમાવ્યો હતો, જેમાં તેઓ સફળ પણ રહ્યા હતા. 1997માં તેઓ ભાજપમાં જોડાયા અને લાંબા સમય સુધી તેઓ સાંસદ રહ્યા હતા. પણ એ પહેલાં તેમણે વર્ષ 1990માં કવિતા સાથે લગ્ન કર્યા હતા અને તેમને આ બીજી પત્નીથી એક પુત્રી અને પુત્ર થયા હતા.
ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે વિનોદ ખન્નાએ 1968માં ‘મન કા મીત’થી બોલીવૂડમાં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્યાર બાદ તેમણે ‘આન મિલો સજના’, ‘પૂરબ ઔર પશ્ચિમ’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘સચ્ચા જૂથા’ અને ‘મસ્તાના’ જેવી ઘણી ફિલ્મોમાં નેગેટિવ રોલ કર્યા હતા. 1971માં વિનોદ ખન્નાએ ‘હમ તુમ ઔર વો’માં મુખ્ય અભિનેતા તરીકે કામ કર્યું હતું અને બસ આ જ ફિલ્મ પછી હીરો તરીકે તેમનું નસીબ ચમકી ઉઠ્યું.
27મી એપ્રિલ 2017ના રોજ વિનોદ ખન્નાએ બ્લડ કેન્સરને કારણે દુનિયાને અલવિદા કહી દીધું. અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેતાએ લાંબા સમય સુધી પોતાની આ બીમારીને પરિવારથી છુપાવી રાખી હતી. જર્મનીમાં છ વર્ષ સુધી તેની સારવાર કરવામાં આવી અને સર્જરી પણ કરવામાં આવી, પરંતુ આ બધાથી પણ તેમનો જીવ બચી શક્યો નહીં અને આખરે તેઓ પરલોક સિધાવ્યા.