નવી દિલ્હીઃ ભારતનાં જાણીતા મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. વિનેશ ફોગાટે બ્રિજ ભૂષણ શરણ સિંહ પર કુસ્તીબાજ મહિલા ખેલાડીઓનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ભારતીય કુસ્તીબાજો દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટનું નામ સામેલ છે. આ તમામ ભારતીય રેસલિંગ ફેડરેશન સામે વિરોધ કરી રહ્યા છે. ખેલાડીઓનો આરોપ છે કે ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ મનફાવે તેમ વર્તી રહ્યા છે.
મીડિયા સાથે વાત કરતા બજરંગ પુનિયાએ કહ્યું કે અધ્યક્ષ અપશબ્દો બોલે છે. તે થપ્પડ પણ મારે છે. ટોક્યિો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર બજરંગે કહ્યું હતું કે સ્પોન્સરના પૈસા ફેડરેશન ઊઠાવી લે છે. ખેલાડીઓને તેમાંથી કશું મળતું નથી. રિયો ઓલિમ્પિકમાં મેડલ જીતનારી સાક્ષી મલિકનું કહેવું છે કે ફેડરેશન ટૂર્નામેન્ટમાં પોતાના પૈસા પર રમવાનું કહે છે. જે ખેલાડી તેવું માનતો નથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.
એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતનાર વિનેશ ફોગાટે મોટો આરોપ લગાવતા કહ્યુ હતું કે હું ડરીને અહીં પહોંચી છું. વિનેશ ફોગાટે બ્રિજભૂષણ શરણ સિંહ પર મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે તેમના લોકો ફોન પર તેને મારી નાખવાની ધમકી આપે છે. મને ખબર નથી કે અધ્યક્ષ દ્વારા કેટલી છોકરીઓનું જાતીય શોષણ કરવામાં આવ્યું છે.
દરમિયાન ફોગાટે કહ્યું હતું કે, ટોકિયો ઓલિમ્પિક પછી મેં પીએમને ફરિયાદ કરી હતી, તેમણે કહ્યું હતું કે, તને કંઈ નહીં થાય પરંતુ ત્યાર બાદ એસોસિએશન મને જ સસ્પેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
અહીંના વિરોધ પ્રદર્શનમાં બજરંગ, સાક્ષી અને વિનેશ ઉપરાંત, વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા સરિતા મોર, સંગીતા ફોગાટ, સત્યવર્ત મલિક, જિતેન્દ્ર કિન્હા અને કોમનવેલ્થ ગેમ્સ મેડલિસ્ટ સુમિત મલિક સહિત 30 કુસ્તીબાજો જોડાયા હતા.