બોલ્ડ અને બિન્ધાસ્ત અભિનેત્રીની ઓળખ ધરાવનાર અભિનેત્રી ઓફરનો અસ્વીકાર કરવો આસાન નથી હોતો એ કબૂલે છે
રંગીન ઝમાને -મયુરા શાસ્ત્રી
કલાકારની યાદીમાં રાધિકા આપટેનું નામ દેખાતાની સાથે જ ફિલ્મમાં બોલ્ડ સીન તો જોવા મળશે જ એવી ઈમેજ અભિનેત્રીની બની ગઈ છે એ દલીલ સાથે તો ખુદ રાધિકાએ પણ ગમા કે અણગમા સાથે સહમત થવું પડે એવી પરિસ્થિતિ છે. જોકે, રાધિકાની રિયલ ઈમેજ અને એની આ બની ગયેલી રીલ ઈમેજનો ઝાઝો મેળ બેસતો નથી એ પણ એટલી જ હકીકત છે. પડદા પર બોલ્ડ અને બિન્ધાસ્ત અભિનેત્રીની ઓળખ બનાવનાર રાધિકા વિશે જો તમને કહેવામાં આવે કે તે હિન્દી અને અંગ્રેજી નાટકોમાં કામ કરવાનો અને યાદગાર પરફોર્મન્સ આપી ચુકી છે, કથકની નિપુણ નૃત્યાંગના છે, લંડનમાં તેણે ક્ધટેમ્પરરી ડાન્સની તાલીમ લીધી છે, અંગ્રેજી ઉપરાંત ચાર ભારતીય ભાષા પર પ્રભુત્વ ધરાવે છે વગેરે વગેરે તો આંખો ચોળવી પડે ને! ફિલ્મો ઉપરાંત ઓટીટી પ્લેટફોર્મ્સની વેબ સિરીઝમાં પણ વ્યસ્ત રહેતી આ અભિનેત્રીએ તાજેતરમાં એક એવી વાત કરી છે જે ક્યારેક કલાકાર આડેધડ પ્રોજેક્ટ કેમ સ્વીકારી લેતા હોય છે એનો જાણે કે આડકતરો જવાબ છે.
‘બદલાપુર’, ‘હંટર’, ‘અંધાધુન’ વગેરે ફિલ્મો રાધિકાની અલગ પહેચાન બનાવવામાં નિમિત્ત બની છે. ૨૦૦૫માં ‘વાહ! લાઈફ હો તો ઐસી’માં શાહિદ કપૂરની બહેનના એક નાનકડા રોલથી શરૂઆત કરનાર અભિનેત્રી આજની તારીખમાં સફળ અને વ્યસ્ત અદાકારા છે. અલબત્ત રાધિકા એવી અભિનેત્રી છે જે ‘ક્વોન્ટિટી નહીં ક્વોલિટી’માં વિશ્ર્વાસ ધરાવે છે. આજના ઘણા કલાકારમાં આવો અભિગમ જોવા મળે છે. જોકે, કોઈ પ્રોજેક્ટ માટે ના પાડ્યા પછી ‘વો તો ઐસી ફિલ્મ નહીં કરતા કે નહીં કરતી’ જેવી વાત ફેલાઈ જાય છે કે ફેલાવી દેવામાં આવે છે અને પરિણામે કામ ઓછું મળે એવી પરિસ્થિતિ આવી શકે છે. આ જ કલ્પિત ભય સામે આંગળી ચીંધી રાધિકા કહે છે કે કોઈ રોલ પસંદ ન પડ્યો હોય એટલે ફિલ્મ કરવાની ના પાડવી એ સાલું જોખમી છે. ઑફર કરવામાં આવેલા દરેક પાત્ર ગમી જ જાય, એ કરવા વિશે રોમાંચનો અનુભવ થાય એ જરૂરી નથી. આજકાલ ફિલ્મો, વેબ સિરીઝ અને બીજું બધું એવું ઝડપથી બની રહ્યું છે કે સારી સ્ક્રિપ્ટ શોધવા બિલોરી કાચ લઈને બેસવું પડે એવી હાલત છે. કોઈ રોલ સરસ રીતે લખાયો હોય અને એનો ગ્રાફ આકર્ષે અને કામ કરવાની અદમ્ય ઈચ્છા તરત જાગે એવું ભાગ્યે જ બનતું હોય છે. એક ફ્રીલાન્સ એક્ટરે તો જે કામ મળે એના પર જ નભવાનું હોય છે. એટલે જો આજે બે પ્રોજેક્ટ માટે ના પાડીશ તો આવતી કાલે બીજા બે પ્રોજેક્ટ પણ નહીં મળે એવું તો નહીં થાય ને એવી શંકાનો કીડો મનમાં સળવળવા લાગે છે. ના પાડવી તો કઈ રીતે એ લાખ રૂપિયાનો સવાલ હોય છે.‘જોકે, રાધિકાએ સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં’ એવો ઉપાય ખોળી કાઢ્યો છે. એટલે સાફ ના પાડી દેવાના બદલે હું માત્ર એટલું જ કહું છું કે અત્યારે આ રોલ કરવાની મારી ઈચ્છા નથી એવો રાધિકાનો જવાબ ગોળ ગોળ લાગે પણ આ જવાબ સ્માર્ટ સુધ્ધાં છે. રાધિકા દરવાજો કાયમ માટે બંધ નથી કરી દેતી એવું સિગ્નલ એમાંથી મળે છે. બિઝી હોવાથી કે અન્ય કોઈ કારણસર હમણાં એ ફિલ્મ નથી કરવા માંગતી એવું નિર્માતા માની લે છે અને ફિર કભી એવું કહી પાછો વળે છે. આ ‘ફિર કભી’ મોટી હૈયાધારણ હોય છે કલાકારો માટે.
એક આખો દાયકો મરાઠી, હિન્દી, બંગાળી, તમિળ અને તેલુગુ ફિલ્મોમાં સંઘર્ષ કર્યા પછી ૨૦૧૫નું વર્ષ રાધિકા આપટે માટે ગેમ ચેન્જર સાબિત થયું. એ વર્ષે તેની છ હિન્દી અને બે સાઉથની એમ કુલ આઠ ફિલ્મ રિલીઝ થઈ. એમાંય ‘બદલાપુર’ અને ‘હંટર’માં તેના બોલ્ડ, બેધડક અને બિન્ધાસ્ત પાત્ર દર્શકો અને ફિલ્મમેકરોને પસંદ પડ્યા અને રાધિકાની ગાડી પાટા પર સડસડાટ દોડવા લાગી. જોકે, આ બે ફિલ્મની સફળતાનો લાભ થયો એમ થોડો ગેરલાભ સુધ્ધાં થયો, કેમ કે રાધિકા એટલે બોલ્ડ અભિનેત્રી એવું સમીકરણ બની ગયું. હિન્દી ફિલ્મોમાં બોલ્ડ એટલે સેક્સી કેરેક્ટર એવું અનેક ફિલ્મમેકર અને ખાસ તો દર્શકો માની બેઠા છે. એટલે જ કદાચ સાચા અર્થમાં બોલ્ડ કહેવાય એવું ‘થપ્પડ’નું તાપસી પન્નુનું કેરેક્ટર અનેક લોકો હજમ નથી કરી શક્યા. પરિણામે ’બદલાપુર’ અને ‘હંટર’ની રાધિકા યાદ રહી ગઈ, પણ
કેતન મહેતાની ‘માંઝી – ધ માઉન્ટન મેન’ની દશરથ માંઝી (નવાઝુદ્દીન સિદ્દીકી)ની પત્ની ફગુનિયા કે આર. બાલ્કીની ‘પેડ મેન’માં અક્ષય કુમારની પત્ની ગાયત્રી ચૌહાણ દમદાર પરફોર્મન્સ છતાં એ લોકોના સ્મરણપટ પર ઝાઝો સમય ટકી નહીં. દર્શકોને અને પરિણામે ફિલ્મમેકરોને ‘પેડ મેન’ આવી એ જ વર્ષે રિલીઝ થયેલી ’અંધાધુન’ અને ‘લસ્ટ સ્ટોરીઝ’ની સેક્સી રાધિકા વધુ યાદ રહી ગઈ. જીવનમાં કેટલીક કડવી વાસ્તવિકતા સ્વીકાર્યા વિના ક્યારેક છૂટકો જ નથી હોતો. રીલ અને રિયલ લાઈફના ફરકને મોટાભાગના લોકો તારવી નથી શકતા અને એને કારણે ક્યારેક કેવું ભોગવવું પડે છે એનો ખુલાસો ખુદ રાધિકાએ જ એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. ‘ક્લીન શેવન’ના શૂટિંગ દરમિયાન રાધિકાની એક સેક્સી ક્લિપ લીક થઈ વાયરલ થઈ હતી એ વિશે રાધિકાએ જણાવ્યું હતું કે ‘હું ક્લીન શેવન’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે એના કેટલાક બોલ્ડ સીન વાયરલ થયા અને મને સોશિયલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી જેનો મને બહુ માનસિક ત્રાસ થયો હતો. ઘણા દિવસો સુધી ઘરની બહાર જ
નીકળી નહોતી. એ ક્લિપ વાયરલ થઈ એટલે મારો ડ્રાઈવર, અમારા બિલ્ડિંગનો વોચમેન વગેરે મને અચાનક ઓળખવા લાગ્યા.’ કરુણ પણ કડવી વાસ્તવિકતા તે આનું નામ.
હિન્દી ફિલ્મો ઉપરાંત વિદેશી ફિલ્મોમાં પણ અભિનય કરતી રાધિકાને જોકે હિન્દી ફિલ્મો માટે વધુ લગાવ છે. એ તો નિખાલસપણે કહે છે કે હિન્દી ફિલ્મોમાં ડાન્સ કરવાની અને દુર્ગા જેવા વધુ રોલ કરવાની મારી અદમ્ય ઈચ્છા છે. કાશ, મારી આ વાત ફિલમેકરો સાંભળે અને એના પર વિચાર કરે. વિદેશમાં કામ કરવું આસાન નથી. મેં તાજેતરમાં બ્રિટિશ ફિલ્મ ‘સિસ્ટમ મિડનાઈટ’ પૂરી કરી અને એક અમેરિકન ફિલ્મ વિશે વાતચીત ચાલી રહી છે. જોઈએ, વાત આગળ કેટલી વધે છે. અલબત્ત મને ભારતીય અને ખાસ કરી હિન્દી ફિલ્મોમાં કામ કરવાની વધુ ઈચ્છા છે.’ તાજેતરમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી ‘મિસિસ અંડરકવર’માં રાધિકા (દુર્ગા)ના પરફોર્મન્સ બદલ તારીફના પુલ બાંધવામાં આવ્યા છે. આ સ્પાય કોમેડી મુવીનું ટ્રેલર જોતા રાધિકાનો રોલ સેક્સી ટોનનો હોય એવું લાગતું તો નથી. આશા રાખીએ કે કાલિંદી (લસ્ટ સ્ટોરીઝ)ને યાદ રાખતા દર્શકો ગાયત્રી ચૌહાણ (પેડ મેન) અને દુર્ગાને પણ યાદ રાખે. કલાકારનો એ જ સૌથી મોટો શિરપાવ હોય છે.