પાંચ વર્ષના ગાળા પછી આગામી વર્ષે જાન્યુઆરી મહિનામાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) યોજાવા જઈ રહી છે. આ મુખ્ય સમિટ પહેલા ગુજરાત સરકાર રાજ્યમાં ‘મિની’ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવા જી રહી છે, જેની યોજના તૈયાર કરી લેવામાં આવી છે. જેથી મેઈન સમિટ પહેલા સ્થાનિક ઉદ્યોગને આગળ વધારી શકાય.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ મુખ્ય સમિટના થોડા અઠવાડિયા પહેલા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એમ ચાર મિની સમિટ યોજાશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ મીની સમિટ વાઇબ્રન્ટ ગુજરાતના તર્જ પર તૈયાર કરવામાં આવશે અને સંબંધિત ઝોનના અગ્રણી ઉદ્યોગપતિઓ દ્વારા તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવશે. આ મીની સમિટમાં ટ્રેડ શો અને પ્રદર્શનું આયોજન કરવામાં આવશે, ઉપરાંત ઉદ્યોગો માટેની તમામ સરકારી યોજનાઓ આ મીની સમિટમાં પ્રદર્શિત કરવામાં આવશે.
ગુજરાત સરકારની ફ્લેગશિપ ઇન્વેસ્ટમેન્ટ સમિટ VGGS પાંચ વર્ષના ગાળા બાદ 11 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાય તેવી શક્યતા છે. છેલ્લી VGGS 2019 માં યોજાઈ હતી, જે દરમિયાન લગભગ 28,360 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રૂ.1 લાખ કરોડ કરતા વધુના એમઓયુનો સમાવેશ થાય છે.
મેગા-ઇન્વેસ્ટમેન્ટ સમિટની 10મી આવૃત્તિમાં ભાગ લેવા માટે તમામ મુખ્ય અર્થતંત્રોનો સંપર્ક કરવામાં આવશે. VGGS 2024ના પ્રમોશન માટે રાજ્ય સરકારે રૂ. 127 કરોડનું બજેટ નક્કી કર્યું છે.