બાળકલાકારથી કરી હતી કારકિર્દીની શરૂઆત
મુંબઇ: પીઢ અભિનેત્રી તબસ્સુમનું નિધન થયું છે. તેના પુત્ર હોશાંગ ગોવિલે આ દુ:ખદ સમાચારની પુષ્ટિ કરી હતી. શુક્રવારે સાંજે અઢાર નવેમ્બરના રોજ કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું નિધન થયું હતું. તેમના અવસાનથી પરિવારને આઘાત લાગ્યો છે, કારણ કે તેઓ એકદમ સ્વસ્થ હતા, એવો દાવો તેમના પુત્રએ કર્યો હતો
ગઈ રાત્રે ૮.૪૦ વાગ્યાની આસપાસ હૉસ્પિટલમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું અવસાન થયું છે. તે એકદમ સ્વસ્થ હતા. અમે અમારા શો માટે દસ દિવસ પહેલાં શૂટિંગ કર્યું હતું અને આવતા અઠવાડિયે ફરીથી શૂટિંગ કરવાના હતા. આ અચાનક બન્યું છે. તેને ગૅસ્ટ્રોની સમસ્યા હતી. તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં સ્વસ્થ થયા પછી તેમને હૉસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી, પરંતુ ગઈકાલે ફરીથી તેમને દાખલ કરવામાં આવ્યા હતા. તેમને બે મિનિટમાં બે કાર્ડિયાક અરેસ્ટ આવ્યા હતા, એમ તેમના દીકરાએ જણાવ્યું હતું.
તબસ્સુમે ૧૯૪૭માં બાળકલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ૧૯૭૨થી ૧૯૯૩ સુધી દૂરદર્શનના લોકપ્રિય સેલિબ્રિટી ટોક શો ‘ફૂલ ખીલે હૈં ગુલશન ગુલશન’ને હોસ્ટ કર્યો હતો અને ઘરેઘરમાં જાણીતા થયા હતા. તબસ્સુમે બાળકલાકાર તરીકે નરગિસ સાથેની ફિલ્મથી શરૂઆત કરી હતી અને ‘મેરા સુહાગ’ (૧૯૪૭), મઝધાર (૧૯૪૭), બારી બહેન (૧૯૪૯), દીદાર (૧૯૫૧) અને તેમની છેલ્લી ફિલ્મ સ્વર્ગ (૧૯૯૦) સહિત ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ગયા વર્ષે કોરોનાનું નિદાન થયા બાદ પીઢ અભિનેત્રીએ હૉસ્પિટલમાં દસ દિવસ વિતાવ્યા હતા. તેમને અલ્ઝાઇમર રોગ હોવાનું નિદાન થયું હોવાની પણ અફવા હતી, પરંતુ તેના પુત્રએ એ અફવાને ફગાવી દીધી હતી. તેણે કહ્યું હતું કે હું નારાજ છું કે લોકો તેમના વિશે આવી અફવા ફેલાવે છે કે તમને અલ્ઝાઇમર છે. આ વાત તદ્દન ખોટી છે.