રાજકોટ: છેલ્લા ત્રણ ચાર દિવસથી વેરાવળના જાણીતા તબીબ ડો.અતુલ ચગ ના આત્મહત્યા કેસ બાબતે આજરોજ લોહાણા મહાજન તથા રાજવંશી સમાજ એ રાજકોટ કલેકટરને ન્યાય માટે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી છે.
વેરાવળમાં જાણિતા ડૉ.અતુલ ચગની આત્મહત્યાનો મામલો ઉકેલાતો જ નથી. ચગની આત્મહત્યા મામલે ફરિયાદ આપી હોવા છતાં પોલીસ તંત્ર એફ આઈ આર નોંધતી નથી. મૃતકના પરિવારજનોએ લેખિત અરજી આપ્યા બાદ પણ હજુ ફરિયાદ નોંધાઈ નથી. ડૉ.અતુલ ચગના પુત્રએ પોલીસમાં આપેલી અરજી બાદ પણ હજુ સુધી ફરિયાદ ન નોંધાતા અનેક તર્ક વિતર્ક શરૂ થયાં છે. અરજી આપ્યાના ૨-૩ દિવસ બાદ પણ ફરિયાદ ન નોંધવામાં આવતા પરિજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા અને પિતા નારણ ચુડાસમા સામે ફરિયાદ નોંધવા પરિવારની માંગ છે. પોલીસ સ્યુસાઈડ નોટના FSL રિપોર્ટની રાહ જોતી હોવાની ચર્ચા શરૂ થઈ છે. ત્યારે આજે રઘુવંશી સમાજ રાજકોટમાં મેદાને ઉતર્યો છે.અને દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટેની માંગ કરી છે.
લોક મુખે ચર્ચાઈ રહ્યું છે કે સરકાર ખરેખરી ભીંસમાં આવી છે.કારણ કે રાજેશ ચુડાસમા એ કોળી સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને ભાજપના નેતા છે, સંસદ સભ્ય છે. જ્યારે ડો. ચગ લોહાણા અગ્રણી હતા. અને રઘુવંશી સમાજ તેના સમર્થનમાં મેદાનમાં આવ્યો છે.એટલે જો એફ.આઇ.આર. સ્વીકારવામાં આવે તો કોળી સમાજ નારાજ થાય અને જો એફ.આઇ.આર. સ્વીકારવામાં નહીં આવે તો લોહાણા સમાજ નારાજ થશે.આવા સંજોગોમાં પોલીસ તંત્ર શું ગતિવિધિ કરશે તેના તરફ લોકો મીટ માંડી અને બેઠા છે.