મુંબઈઃ બેંક લોન છેતરપિંડી પ્રકરણે સીબીઆઈ દ્વારા કાર્યવાહી કરીને આજે સવારે વીડિયોકોનના માલિક વેણુગોપાલ ધૂતની ધરપકડ કરી હતી. આ પ્રકરણે સીબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ એમડી ચંદા કોચર અને તેમના પતિ દિપક કોચરની ધરપકડ કરી હતી. દરમિયાન ચંદા કોચર, દિપક કોચર અને વેણુગોપાલ ધૂતને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. એ વખતે ધૂતે ચહેરો છુપાવવા માટે જે યુક્તિ લડાવી એની ચર્ચા અત્યારે ચારે બાજુ થઈ રહી છે.
દેશમાં ફરી એક વખત કોરોનાનું જોખમ વધી રહ્યું છે એટલે કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોને તકેદારીના પગલાં તરીકે માસ્ક પહેરવાની ભલામણ કરવામાં આવી છે. ધૂત કોર્ટમાં લઈ જવામાં આવ્યા એ વખતે માસ્ક પહેરીને આવ્યા હતા, પણ તેમણે આ માસ્કથી નાક નહીં પણ આંખને ઢાંકી હતી.

ધૂતની આ નવી સ્ટાઈલની ચર્ચા ચારેબાજુ થઈ રહી છે અને ધૂતે કોરોનાથી બચવા માટે માસ્ક પહેર્યો છે કે ચહેરો છુપાવવા માટે માસ્ક પહેર્યો છે એ ખબર જ નથી પડતી એવી ચર્ચા પણ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે. કેટલાક લોકોએ આ ધૂત સ્ટાઈલ હોવાની કમેન્ટ પણ કરી છે.