તુર્ભેઃ વાશીની એપીએમસી હોલમાર્કેટમાં સ્ટોરેજ માટેના જૂના કાંદાની આવક વધી ગઈ છે અને બીજી બાજું બટેટાની આવકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જેને કારણે કાંદા-બટેટાના દરમાં જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે. પરિણામે કાંદા-બટેટાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એપીએમસીમાં કાંદો પ્રતિકિલો પાંચથી દસ રૂપિયા અને બટેટા સાતથી 13 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.
બેથી અઢી મહિના સુધી રાજ્યમાં પડેલી ઠંડીને કારણે કાંદાના ઉત્પાદન માટે પોષક વાતાવરણ તૈયાર થયું હતું અને તેને કારંણે કાંદાનું ઉત્પાદન વધ્યું છે. નવા કાંદાનો સંગ્રહ કરવા માટે ખેડૂતો પાસે જગ્યાનો અભાવ છે. તેથી સ્ટોરેજમાંનો કાંદો બજારમાં મોટા પ્રમાણમાં આવી રહ્યો છે. પરિણામે બજારમાં કાંદાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
બીજી બાજું આ વખતે બટેટાના ઉત્પાદનમાં પણ વધારો જોવા મળ્યો છે. હાલમાં બજારમાં આવી રહેલા બટેટા પરિપક્વ ના હોઈ તેના ભાવને પણ ઉઠાવ નથી મળી રહ્યો છે. પરિણામે વાશીની એપીએમસી માર્કેટમાં બટેટાના ભાવમાં પણ જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં એપીએમસીમાં બટેટાં સાતથી તેર રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. હજી આગામી પંદરથી વીસ દિવસ પરિસ્થિતિ આવી જ રહેશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.