Homeઉત્સવબેરોજગારીથી લઈ મોંઘવારી, ગ્લોબલથી લોકલ અનેકવિધ પડકારો

બેરોજગારીથી લઈ મોંઘવારી, ગ્લોબલથી લોકલ અનેકવિધ પડકારો

આવકવેરાની મુક્તિ મર્યાદામાં રાહતની જરૂર ખરી, પરંતુ બજેટ સામે અનેક સવાલો

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

વધતી મોંઘવારી, વધતા ધિરાણના વ્યાજદર, ગ્લોબલ અનિશ્ર્ચિંતતા અને સમસ્યા સામે આ વર્ષે કેન્દ્રના બજેટમાં આવકવેરાની મુક્તિ મર્યાદા વધારીને નાણાપ્રધાન મધ્યમ વર્ગને રાહત આપશે? ડેફિસિટનો શું ઉપાય કરશે? મુડીખર્ચ વધારવા કેવા પ્લાન લાવશે? બેરોજગારીની સમસ્યા સામે લડવા કેવી યોજના જાહેર કરશે? વગેરે જેવા અનેક સવાલ પડકાર બનીને ઊભા છે.
તાજેતરમાં ટ્વિટર પર એક વ્યક્તિએ જાહેર કરેલી વિગતો મુજબ વરસ ૨૦૧૪માં એલપીજીનો ભાવ રૂ. ૪૧૦ હતો, હાલ રૂ. ૧૦૦૦ ઉપર છે, ૨૦૧૪માં ડોલર સામે રૂપિયો ૫૯ હતો, હાલ ૮૦ ઉપર છે, સરકારનું દેવું ૫૬ લાખ કરોડ હતું, અત્યારે ૧૩૯ લાખ કરોડ જેટલું છે, માણસદીઠ દેવું ૪૪ હજાર હતું, હાલ ૧ લાખ ઉપર છે, બેરોજગારીનો દર ૪.૭ ટકા હતો, હાલ ૭.૮ ટકા જેટલો છે,ટ્રેડ ડેફિસિટ ૧૩૫ અબજ ડોલર હતી, હાલ ૧૯૦ અબજ ડોલર આસપાસ છે. આ બધા નકારાત્મક આંકડા સામે ઘણાં સકારાત્મક આંકડા પણ છે. જોકે એ ટ્વીટ કરનાર વ્યક્તિના દિમાગમાં આવ્યા નથી અથવા તેણે એ બતાવવાનું ટાળ્યું છે. જેમને નિંદા કરવી છે તેઓની દ્રષ્ટિ પણ એ તરફ જ જાય છે. હાલ મોંઘવારી ઊંચાઈ પર છે, વ્યાજદર પણ વધારાતરફી છે, કિંતુ એ માત્ર ભારતની વાત નથી, આ બાબતો ગ્લોબલ સમસ્યાઓ પણ છે અને આપના કરતા ઘણી વધુ છે. કોવિડે ઘણી ખાનાખરાબી કરી હતી એ પછી પણ ભારતીય અર્થતંત્ર વિકાસની દોડમાં અન્ય દેશોની તુલનાએ આગળ રહ્યું છે. હાલ ભારતીય ઈકોનોમી ફાસ્ટેસ્ટ ઈકોનોમી છે. આર્થિક સુધારાનો દોર સતત ચાલુ છે. ટેકસ કલેકશન (જીએસટી સહિત) વધ્યું છે. નિકાસમાં સુધારો છે, ઉત્પાદન અને સર્વિસ સેકટરના આંકડા વૃદ્ધિ દર્શાવી રહ્યા છે. અમેરિકા સતત રિસેશનની ચિંતામાં છે, બાકીના વિવિધ દેશો એક યા બીજી આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.
આઈટી મુક્તિ મર્યાદામાં રાહતની આશા
ભારતનું બજેટ જાહેર થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વખતે તેમાં આવકવેરાની મર્યાદામાં રાહત આવવાની મોટી આશા જાગી છે. મોંઘવારી સામે પ્રજા લડી શકે, જેને લીધે વપરાશી ચીજોની માગ વધે. વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળે એવા વિવિધ લક્ષ્ય સાથે બજેટની જાહેરાતો અપેક્ષિત છે. દરેક વર્ષના કેન્દ્રીય બજેટની રજૂઆત પૂર્વે એવી ધારણા મૂકવામાં આવતી હોય છે કે આવકવેરાની મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવશે પરંતુ એમ થતું નથી અને દર વખતે કરદાતાઓને નિરાશા જ મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મધ્યમ વર્ગના પગારદાર કરદાતાઓને ખૂબ જ જરૂરી રાહત આપવા માટે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ કેન્દ્રીય બજેટ ૨૦૨૩માં આવકવેરાની મૂળભૂત મુક્તિ મર્યાદા રૂ.૨.૫ લાખથી વધારીને રૂ.૫ લાખની કરી શકે છે, એમ નિષ્ણાતો માને છે. આ વર્ષે સરકાર નિરાશ નહિ કરે એવું વેપાર ઉદ્યોગના નિષ્ણાતો પણ કહી રહ્યા છે. અત્યારે, આવકવેરાની જૂની અને નવી પ્રણાલી હેઠળ વ્યક્તિગત કરદાતાઓ માટે મૂળભૂત આવકવેરા મુક્તિ મર્યાદા રૂ.૨.૫ લાખની છે. વધુમાં આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૮૭એ હેઠળ રૂ.૫ લાખ સુધીની વાર્ષિક કરપાત્ર આવક ધરાવતી વ્યક્તિ રૂ.૧૨,૫૦૦ની આવકવેરાની છૂટ માટે પાત્ર છે. આ બંને જોગવાઈઓ આવકવેરા પ્રણાલી હેઠળ ઉપલબ્ધ છે એનો અર્થ એ છે કે રૂ.૫ લાખ સુધીની ચોખ્ખી કરપાત્ર આવક ધરાવતી વ્યક્તિઓને આવકવેરામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે છે. યાદ રાખો કે જૂની કર પ્રણાલી હેઠળ મૂળભૂત કરમુક્તિની મર્યાદા કરદાતાની ઉંમર અને નિવાસી તરીકેના દરજ્જા પર આધારિત છે.
ગ્રાહક માગ વધારવાનો માર્ગ
નિષ્ણાતો કહે છે કે વપરાશી માગમાં વધારો કરવા અને અર્થતંત્રને વેગ આપવા કેન્દ્ર સરકાર આવકવેરાની મર્યાદા રૂ.૨.૫ લાખથી વધારીને રૂ.૫ લાખની કરશે. એસોચેમના જનરલ સેક્રેટરી દીપક સૂદ કહે છે કે જો આવકવેરાની મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવશે તો ગ્રાહકોના હાથમાં અધિક નાણાં બચશે અને તેને પગલે માગમાં વધારો થશે એવી દલીલને આધારે કેન્દ્ર સરકાર પાસે માગણી કરાઈ રહી છે કે કરમુક્તિની મર્યાદામાં વધારો કરવામાં આવે. કરમુક્તિની મર્યાદા વધારવાથી વપરાશી માગમાં વધારો થશે અને તેને પરિણામે અર્થતંત્રને બળ મળશે.
મોંઘવારીનો સામનો કરવા
કરદાતાની કુલ વાર્ષિક આવક રૂ.૫ લાખથી અધિક ન હોય તેમને વેરામાંથી મુક્તિ સેક્શન ૮૭એ હેઠળ મળે જ છે. એક વાર બેઝિક મુક્તિ મર્યાદા બધા કરદાતાઓ માટે વધારાય તો જેમની આવક રૂપિયા પાંચ લાખથી અધિક છે તેમને પણ તેનો લાભ મળી શકે. છેલ્લે દસ વર્ષ પૂર્વે બેઝિક મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો. ઊંચા ફુગાવાને સરભર કરવા ફરી તેમાં વધારો કરવાનું આવશ્યક છે.
કોવિડ-૧૯ મહામારી બાદ અને ઊંચા ફુગાવાને કારણે થોડાં વર્ષોમાં મધ્યમ વર્ગની વાસ્તવિક આવકમાં મોટું ગાબડું પડ્યું છે. વેરામુક્તિ મર્યાદા વધારવામાં આવે તે નીચલા મધ્યમ વર્ગના લોકોને રાહત આપવા માટેનું શ્રેષ્ઠ સાધન છે, કારણ કે વેરાની આવક પર તેની બહુ મોટી અસર નહિ થાય. વેરાની મોટા ભાગની આવક ઊંચી આવકવાળા લોકો પાસેથી થાય છે અને થવી જ જોઈએ તેમ જ વધવી જોઈએ.
મધ્યમ વર્ગ સામે વિવિધ પડકાર
અત્યારે મધ્યમ વર્ગનો કરદાતા વિવિધ પડકારોનો સામનો કરી રહ્યો છે. ફુગાવો તેની બચતને ઘસડી રહ્યો છે. રેપો રેટમાં એક પછી એક કરાયેલા વધારાને કારણે ઘરની અને અન્ય લોનોના માસિક હપ્તા વધી ગયા છે અને ઈંધણના વધી ગયેલા ભાવને કારણે તેનું બજેટ ખોરવાઈ ગયું છે. કરદાતાની આ મુશ્કેલીઓ જોતાં હવે
એ સમય પાકી ગયો છે કે કરમુક્તિની મર્યાદામાં વધારો કરવામાં આવે. બેઝિક લિમિટ રૂ. ૫ લાખની કરવામાં આવે અને આવકવેરાનો સર્વોચ્ચ સ્લેબ રૂ.૨૦ લાખનો કરવામાં આવે. વેરાની બચતનાં નાણાં દ્વારા કરદાતાઓ વપરાશ અને મૂડીરોકાણ વધારી શકશે, જેને પગલે અર્થતંત્રની વૃદ્ધિ થશે. એક એવી સંભાવના છે કે સરકાર વેરામાં સીધો કાપ મૂકવાને બદલે મુક્તિ મર્યાદામાં વધારો કરે. એનાથી સરકારને બે લાભ થશે. એક તો કરદાતાઓને વેરાની રાહત પણ આપી શકાશે અને બીજી તરફ કરદાતાની સંખ્યામાં પણ ઘટાડો નહિ થાય.
વરિષ્ઠોનો વિચાર પણ કરો
કેન્દ્ર સરકાર વરિષ્ઠોને પણ કેટલીક કરરાહતો આપી શકે છે. ફુગાવાની સૌથી વધુ અસર સિનિયર સિટિઝન્સને થઈ છે. ફુગાવાને કારણે તેમની ફિક્સ્ડ ડિપોઝિટ્સના વાસ્તવિક મૂલ્યમાં સૌથી મોટો ઘટાડો થયો છે. જો આવકવેરાની મુક્તિ મર્યાદામાં વધારો કરવામાં આવશે તો અંગત વપરાશની ચીજોની માગ વધશે જેનો દેશના જીડીપીમાં ૬૦ ટકાથી અધિક હિસ્સો છે. મોંઘવારીમાં વિવિધ ચીજો અને સર્વિસીસ પર ઊંચા જીએસટીનો ભાર પણ છે. સરકાર જીએસટી વિશે એવા કોઈ વ્યવહારું નિર્ણય લે જેનાથી પણ પ્રજાને અને બિઝનેસ વર્ગને રાહત થાય એવી અપેક્ષા રખાય છે. જોકે આમ તો આ મામલો જીએસટી કાઉન્સિલને સોંપાયેલો છે. તેમ છતાં સરકાર ધારે તો ઘણા રાહતદાયી પગલાં ભરી શકે છે. ૨૦૨૪માં જનરલ ઈલેકશનને ધ્યાનમાં રાખીને પણ સરકાર આ વખતે બજેટને આકરું ન રાખે એવી અપેક્ષા અસ્થાને નથી.
———-
અતિ ઊંચી આવક અને અતિ નીચો ટેક્સ
સવાલ માત્ર આવકવેરાની મુકિત મર્યાદાનો નથી. થોડો સમય પહેલાં વડા પ્રધાનની એક સ્પીચનો વિડીયો વાઈરલ થયો હતો, જેમાં તેમણે કહ્યું છે કે આપણા દેશમાં કરદાતાઓની સંખ્યા બહુ જ ઓછી છે, તેમાં પણ આ કરદાતાઓમાં કરોડ ઉપરની આવક બતાવનારા બહુ જ ઓછાં છે, જયારે કે આ સંખ્યા ઘણી મોટી હોઈ શકે. તેમનો ઈશારો કરચોરી પુરજોરમાં ચાલી રહી છે એ તરફ હતો. અમારું માનવું છે કે સરકાર નાના વર્ગને રાહત આપી આ મોટા કરદાતાઓ અથવા ઊંચી આવક સામે નીચો વેરો ભરનારાઓને જાળમાં લઈ વધુ કર વસૂલે તો નાના વર્ગ પાસેથી જે કરની આવક થાય છે તેના કરતા અનેકગણી વધુ રેવન્યૂ સરકારને મળી શકે. નાના વર્ગ આમ પણ એક સાંધે ને તેર તૂટેમાંથી પસાર થતો હોય છે. તે જીએસટી મારફત ચિક્કાર પરોક્ષ ટેકસ તો ભરે જ છે, જેમાં તેમની પાસે કોઈ છટકબારી નથી. આવકવેરાની મુક્તિ મર્યાદા વધારવાની વાત કે જાહેરાત હવેના સમયમાં આઉટડેટેડ થતી જાય છે. સરકાર સામે ફિસ્કલ ડેફિસિટ, મૂડીખર્ચ વધારવો, બેરોજગારીની સમસ્યા, વગેરે જેવા અનેક સવાલ પડકાર બનીને ઊભા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -