Homeવીકએન્ડવાણી જયરામ: મધુર સ્વરથી માધવની ભક્તિ

વાણી જયરામ: મધુર સ્વરથી માધવની ભક્તિ

કવર સ્ટોરી -અભિમન્યુ મોદી

વાણી, ઈશ્ર્વરનું અનુપમ સર્જન છે. પરમાત્માએ સંગીતના સાત સૂર તો બનાવ્યા તેની સાથે આ સાતેય સૂરોને સ્વરબદ્ધ કરી શકે તેવા મધમીઠ્ઠા કંઠની પણ રચના કરી. આધુનિક યુગમાં માનવીનો સ્વર તેના વ્યક્તિત્વનો એક ભાગ બની ગયો છે, પરંતુ વાણી તો વ્યક્તિ ઓળખ છે. વાણી જેટલી મધુર તેમાંથી નીકળતો શબ્દ પણ તેટલો જ ગળ્યો. અલબત્ત આજના યુગમાં ઉત્તમ વાણી સાથે પણ લોકો કટુતા મિશ્રિત કરીને વાતાવરણ કલુષિત કરી નાખે છે. ત્યારે ભારતમાં એક એવાં ગાયિકા થઈ ગયાં જેમણે કલુષિત વાતાવરણમાં પોતાની મીઠ્ઠી વાણી થકી પ્રેરણાનો સંચાર કરી દીધો. જેમણે માધવની ભક્તિમાં ઓળઘોળ થઇને માનવની પહાડ જેવી સમસ્યાને પળવારમાં ભાંગી નાખી. વાત થઈ રહી છે ત્રણ વખત રાષ્ટ્રીય પુરસ્કારથી પણ સન્માનિત અને પદ્મભૂષણ વિજેતા દિવંગત વાણી જયરામની..
ફિલ્મ બનાવવી એટલે દીકરીના લગ્ન કરવા કરતાં પણ કઠિન કામ. દીકરીના લગ્નમાં કોઈ સમસ્યા ઉત્પન્ન થાય તો સગા-સંબંધીના સાથ સહકારથી તેને નિવારી શકાય પરંતુ ફિલ્મમાં એક સમસ્યા આખા શેડ્યુલને તોડી નાખે છે. ઇતિહાસની અટારીયે પ્રત્યેક ભાષામાં એવી અનેક ફિલ્મો મળશે જેમાં હીરો-હિરોઈન કે ગાયક કલાકારે કામ કરવાનો ઇન્કાર કર્યા બાદ ફિલ્મના પાટિયા ઊઠી ગયા હોય. ૧૯૭૫માં પણ એવી જ દુર્ઘટના ઘટવાની હતી જયારે લતા મંગેશકરે ગુલઝારના દિગ્દર્શનમાં તૈયાર થનાર ફિલ્મ ‘મીરા’નાં ગીતોને સ્વરબદ્ધ કરવાનો ઇન્કાર કર્યો. જો કે મીરા ફિલ્મ રિલીઝ થયા બાદ અને તેના પ્રત્યેક ગીતો હિટ થયા બાદ લતા દીદીએ એવી ચોખવટ પણ કરેલી કે તેમણે તેમના ભાઈ હૃદયનાથ મંગેશકરના ઓડિયો આલ્બમ ‘ચલા વહી દેશ’માં મીરાના બે ભજનને સ્વરબદ્ધ કર્યા હતા. એટ્લે ‘મીરા’ને રિજેક્ટ કરી હતી, પરંતુ જયારે તેમણે મીરાના એક ગીતમાં ઉધરસ ખાવાની પણ મનાઈ ફરમાવી ત્યારે પ્રોડ્યુસર પ્રેમજીનું ડાયાબિટીઝ વધી ગયું હતું. ફિલ્મના ટાઇટલ રોલમાં હેમા માલિનીને ફાઇનલ કરી લીધા બાદ લેખક-ડિરેક્ટર ગુલઝાર અને પ્રોડ્યુસર પ્રેમજીને વિશ્ર્વાસ હતો કે લતા દીદી આ ક્લાસિક ફિલ્મનાં ગીતોને પૂરતો ન્યાય આપશે, પરંતુ દીદીના જક્કી વલણથી ફિલ્મ અટકી પડી.
‘મીરા’માં કુલ ૧૨ ભજનો હતાં. એ પણ લોકજીભે ચડેલા!, લતા દીદી વિના એવી કોઈ ગાયિકા ખરી કે જેમનો સ્વર લતા દીદી કરતાં પણ મધુર હોય આમ તો આજે પણ એવી કોઈ ગાયિકા અસ્તિત્વમાં નથી જેમની સરખામણી લતા મંગેશકર સાથે થઈ શકે તો સીત્તેરના દાયકામાં ક્યાંથી હોય જયારે લતા દીદીનો સૂરજ બોલીવુડમાં તપતો હતો. એવા સમયે લતાજી ન હોવાને કારણે લક્ષ્મીકાંત-પ્યારેલાલે ફિલ્મ છોડી દીધી. પ્રેમજી અને ગુલઝારને આ બીજો આંચકો લાગ્યો. ગુલઝારે રાહુલ દેવ બર્મનને સંગીત નિર્દેશન માટે લેવાની ઇચ્છા વ્યક્ત કરી, તો બર્મને પણ લતાજી ના અભાવે હાથ ઊંચા કરી દીધા અન્ય કોઇ વિકલ્પ ન મળતાં ગુલઝારે ગીત શૂટ કરવાને બદલે સીન શૂટ કરવાનું નક્કી કર્યું, કારણ કે હેમા માલિનીએ તો શૂટિંગ માટેની તારીખો ફાળવી દીધી હતી, જે કોઇ પણ સંજોગોમાં કેન્સલ કરવાનું મૂર્ખતાભર્યું પગલું ગણાય. આ દરમિયાન અમિતાભ બચ્ચનને રાજા ભોજના પાત્ર માટે સાઇન કરવામાં આવ્યા, પરંતુ જયારે તેમને સંગીતના સંકટની જાણ થઈ તો બચ્ચન પણ પતલી ગલીથી નીકળી ગયા. હેમા માલિનીએ પણ ફિલ્મ સાથે છેડો ફાડવાનું મન બનાવી લીધું, પરંતુ ગુલઝારે યુક્તિ કરીને હેમા માલિનીને એવું જણાવ્યું કે ફિલ્મનું સંગીત પંડિત રવિશંકર તૈયાર કરશે. એકમાત્ર આ આશા સાથે હેમા માલિની ફિલ્મમાં બરકરાર રહ્યા કે પંડિત રવિશંકર લતા દીદીને મનાવી લેશે.
ગુલઝારથી કહેતા તો કહેવાય ગયું પરંતુ એ સમયે પંડિત રવિશંકરે ભારત છોડી દીધું હતું અને અમેરિકામાં રહેતા હતા. એમની પ્રસિદ્ધિ સાતમા આસમાને હતી અને તેઓ એટલા વ્યસ્ત હતા કે એ ક્યાં છે, તેની જાણકારી મેળવવી પણ ખૂબ મુશ્કેલ હતી. સતત પ્રયત્નો કર્યા બાદ માત્ર એટલી ખબર પડી કે રવિશંકર ત્રણ દિવસ માટે લંડનમાં પ્રવાસ કરવાના છે. ગુલઝારે લંડનમાં પોતાના સોર્સનો ઉપયોગ કરીને સીધા રવિશંકરનો સંપર્ક કર્યો અને તેમને સઘળી સ્થિતિ સમજાવી ફિલ્મનું સંગીત તૈયાર કરવા રાજી કર્યા, પરંતુ લતાજીનું શું કરવું! એ વખતે પંડિત રવિશંકરે બોલીવુડ નવી સવી ગાયિકા વાણી જયરામનું નામ સૂચવ્યું જેમણે આગળ જતા તમિળ, તેલુગુ, કન્નડ, મલયાલમ, હિન્દી, ગુજરાતી, ઉર્દૂ, મરાઠી, બંગાળી, ભોજપુરી, તુલૂ અને ઉડિયા સહિતની ૧૯ ભાષાઓમાં ૧૦ હજાર ગીતોને પોતાના મધુર કંઠે સ્વરબદ્ધ કર્યા.
ફિલ્મ ‘મીરા’ના સંગીતને સ્વરબદ્ધ કરવું એ વિષપાન સમાન જ હતું કારણ કે વાણીજી મુખ્યત્વે દક્ષિણ ભારતીય ફિલ્મોના ગાયિકા. તેમણે ૧૯૭૧માં હૃષિકેશ મુખર્જીની જયા ભાદુરી અભિનિત ફિલ્મ ‘ગુડ્ડી’માં પ્રથમ વાર હિન્દી ગીતને પોતાનો કંઠ આપ્યો. જેમાંથી ‘હમકો મન કી શક્તિ દેના’ અને બોલે રે પપીહરા’ અત્યંત લોકપ્રિય થયેલા, પરંતુ આ ગીતનો ઢાળ અને રાગ સરળ હતા એટલે ભાષાના બંધન બહુ નડ્યા નહીં, પરંતુ ‘મીરા’ ફિલ્મના ગીતમાં ખમાજ ઠૂમરી રાગ હતો. તેમાંય ‘મેરે તો ગીરધર ગોપાલ’ હોય કે ‘એ રી મે તો પ્રેમ દિવાની’. આ બંને ગીતમાં સંગીતની ઊંડી સમજ અને રાગનો ઉત્તમ ઉપયોગ કરવો અનિવાર્ય હતો. આ પડકારને ઝીલીને વાણીજીએ ખાસ રાજસ્થાની ભાષા શીખી અને ભાતીગળ શબ્દોની તાલીમ મેળવી.
‘મીરા’ના ગીત પ્રથમ વાર સાંભળનાર વ્યક્તિ એમજ કહેશે કે આ અવાજ લતા મંગેશકરનો છે. કારણ કે દુનિયાનો વણલેખ્યો નિયમ છે. સુપરસ્ટાર ફાટેલું ટી-શર્ટ પહેરે તો એ ફેશન ગણાય છે અને સામાન્ય નાગરિકના કપડાંમાં છિદ્ર હોય તો તેને ગરીબની ઉપમા અપાય છે. વાણી જયરામ સાથે પણ એવું જ બન્યું તેમણે નવ દિવસમાં રાજસ્થાની ઢાળમાં નિર્માણ પામેલા ૧૨ ભજનોને સ્વરબદ્ધ કર્યા અને એવા કર્યા કે જૂના સંગીતને વિસરીને લોકો નવા ભજનને શબ્દ દેહ આપવા લાગ્યા. વાણીજીના કંઠે ગુલઝાર-પ્રેમજીની પહાડ જેવી સમસ્યાને પળવારમાં ભાંગી નાખી હતી.
‘મીરા’ના ભજન માટે વાણીજીને શ્રેષ્ઠ ગાયિકાનો ફિલ્મફેર ઍવોર્ડ પણ મળ્યો છતાં સિનેજગત તેમને લતા મંગેશકરના સ્વરની નકલ તરીકે જ નવાજતું રહ્યું અનેક લેખકો માહિતીના અભાવે એવું લખી કાઢે છે કે વાણી જયરામને બોલીવુડના
અન્ય સંગીતકારોએ બ્રેક નથી આપ્યો. તાજેતરમાં જયારે સરકારે તેમને પદ્મભૂષણ એનાયત કરવાની જાહેરાત કરી એ સમયે આ અફવાનું ખંડન કરતા વાણી જયરામે એક તેલુગુ ચેનલને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે તેમણે સ્વૈચ્છાએ જ બોલીવુડને અલવિદા કરી દીધું હતું. ગુજરાતી પ્રજા પણ એ વાતથી અજાણ હશે કે વાણીજીએ ગુજરાતી ફિલ્મો માટે અનેક ગીતોને સ્વરબદ્ધ કયા૪ં હતાં. તેમાંય હિટ ગીતોની વાત કરીએ તો ‘ઓઢું તો ઓઢું’ (ફિલ્મ: ઘૂંઘટ’), ‘વેરણ વાંસળી વાગી’ (સતી જસમા ઓડણ), ‘શ્યામ પૂછો એક વાત’ (બાલ કૃષ્ણ લીલા’), ‘જળ કમળ છાંડી જાને બાળા’ (‘બાલ કૃષ્ણ લીલા’) વગેરેનો સમાવેશ થાય છે. ૧૯૭૫માં ‘ઘૂંઘટ’ ફિલ્મ માટે વાણી જયરામને બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરનો ઍવોર્ડ એનાયત થયો હતો.
લોકપ્રિયતા અને આદર બન્ને અલગ અલગ છે. લતા મંગેશકરે તેમના સમગ્ર જીવનકાળ દરમિયાન ભારત અને દુનિયામાં વસતા ભારતીયોના હૃદયમાં જે આદર પ્રાપ્ત કર્યો એ એક ઉચ્ચ દરજ્જાના કલાકાર જ પ્રાપ્ત કરી શકે એવો છે. તેમની ચિર વિદાય સાથે ભારતીય સંગીત જગતમાંથી સ્વરકોકિલાએ અનંતભણી ઉડ્ડયન કરી લીધું છે, પરંતુ વાણી જયરામ પણ તેમના જેટલા જ સક્ષમ હતાં અલબત્ત સરખામણીની માનસિકતાથી કંટાળીને વાણીજીએ પોતાની ‘વાણી’ને હિન્દી ગીતોમાં વિરામ આપ્યો અને દક્ષિણ ભારતમાં તેમનાં ગીતોએ ધૂમ મચાવી. વિધિની વક્રતા કેવી! તેમની ૫૦ વર્ષની કારકિર્દીમાં ઇલૈયારાજા, આર. ડી. બર્મન, મદન મોહન, ઓ.પી. નૈયર, કે.વી. મહાદેવન જેવા ધરખમ સંગીતકારો સાથે કામ કર્યું હતું. છતાં તેઓ પોતાના નામે નહિ, પરંતુ સાઉથના લતા મંગેશકર તરીકે ઓળખાયા. આ વાતનો પણ તેમને રંજ હતો તેવું અંતિમ ઇન્ટરવ્યૂમાં વાણીજીએ જણાવ્યું હતું.
વાણી જયરામ અમૂલ્ય અને અતુલ્ય બિન ફિલ્મી ગીતોનો વિરાટ વારસો અને વૈભવ ભારતને સોંપતા ગયાં છે. એમના અવાજમાં નાનપણથી જ અજબ પ્રકારનો જાદુ હતો. કેટલાક મહેનત કરતા પરિશ્રમી કલાકારોને પણ વિવિધ પ્રકારની વિદ્યાઓ સિદ્ધ થાય છે, પરંતુ કુદરત જન્મજાત જેમને સિદ્ધિ આપે છે એનો પ્રભાવ જ અલગ હોય છે. વાણીજી પાસે એવો પ્રકૃતિદત્ત અવાજ હતો કે જેમના અવાજમાં હૃદયના અંતરંગ ભાવની અભિવ્યક્તિ સાવ સહજ રીતે થતી.
તેઓ જ્યારે ધારે ત્યારે રાજકુમારી જેવી પ્રિયતમાના અલ્લડ તોફાની અવાજમાં ગીત ગાઈ શકતાં હતાં અને ધારે ત્યારે ભારતમાતાનો વિકલ્પ બની ગયા હોય એવી પોતાના સંતાનની પ્રતીક્ષા કરતી અશ્રુભીની આંખ ધરાવતી માતાની વેદના પણ તેમના કંઠમાંથી નીકળતી હતી. વાણીજીનાં યુગલ ગીતોમાં જે પ્રેમ અને પ્રસન્ન દામ્પત્યના ભાવવાહી પ્રવાહો ઝંકૃત થયેલા છે તે યુગયુગો સુધી યાદગાર રહેશે. તેમના અવાજમાં તમામ સાંગિતિક અલંકારોનો ખજાનો છે. તેમને સાંભળતી વખતે શ્રોતાઓ રીતસર દંગ રહી જાય છે. તેમનો પોતાનો એક અલગ વિશાળ ચાહક વર્ગ છે.
વાણીજીના સ્વરમાં શાસ્ત્રીય સંગીતની અદભુત સમજનો આવિષ્કાર હતો. છતાં તેઓ જ્યારે અભિવ્યક્ત થતાં ત્યારે તેમની દરેક પંક્તિ પર લોકાભિમુખતાની એક એવી સોનેરી કિનાર લાગતી જે તેમને કરોડો ભારતીયોના હૃદય પર કલાત્મક રીતે પ્રસ્થાપિત કરતી. સ્વરની બાબતમાં તો તેઓ લગભગ સરસ્વતીના સમાસને જ સન્માન પ્રાપ્ત કરતા હતા. એમાં પણ જે ગીતોમાં વિશેષ લયકારી હોય એટલે કે આરોહ અને અવરોહમાં નિશબ્દ રીતે સ્વરલતાનો સ્વૈરવિહાર હોય એમાં તો વાણીજી સોળે કળાએ ખીલતા હતાં. દેશની અનેક ફિલ્મોમાં વાણીજીના અવાજે પ્રાણતત્ત્વ જેવું કામ કર્યું છે. તેમનો સૌથી મહત્ત્વનો ગુણવિશેષ એ છે કે તેઓ અભિનેત્રી અને ગીત જે વાતાવરણમાં રજૂ થવાનું છે એ પરિસ્થિતિનું પણ પોતાના અવાજમાં અદભુત રીતે આકલન કરતાં હતાં. એને કારણે એમનાં તમામ ગીતોનું ફિલ્માંકન એક અદ્વિતીય ઊંચાઈને સ્પર્શી શકતું હતું. એટલે જ ‘મીરા’ ફિલ્મમાં જાણે હેમા માલિની પોતાના કંઠે ગીત રજૂ કરતા હોય તેવી પ્રતીતિ થતી હતી.
વાણીજીએ પોતાના અવાજમાં રહેલી કમાલને સ્વયં બહુ વહેલા ઓળખી લીધા પછી તેઓએ પોતાનું સમગ્ર જીવન કંઠના કામણને કેળવવામાં જ સમર્પિત કરી દીધું હતું. અનેક સન્માનથી કે અપ્રતિમ લોકપ્રિયતાથી તેમના વિવેકમાં કદી ઓટ આવી ન હતી. જીવનભરના તેમના ચેરિટી ઉપક્રમોનો તો એક અલગ જ અધ્યાય છે. કલાકાર હોવા સિવાય પણ તેમના મનુષ્યત્વની ઊંચાઈ ખૂબ હોવાને કારણે સંગીતકારો અને દિગ્દર્શકો પણ તેમને હૃદયથી આધીન રહેતા હતા. સ્વરસાધનાને કારણે એમણે જીવનમાં કદી પણ તીખા તમતમતા કે સ્વાદિષ્ટ આહાર લીધા ન હતા. તેમનું ભોજન આજીવન નીરસ રહ્યું હતું, પરંતુ એ દ્વારા કંઠની વિશેષ સંભાળ લઈને તેમણે શ્રોતાઓને જિંદગીના વિવિધ રસની ધારાઓ પીરસી છે. તેમની તપશ્ર્ચર્યાનો જ એક ભાગ તેમનું ભોજન હતું.
વાણીજીનું જીવન ખુલ્લી કિતાબ જેવું અને એક સામાન્ય નાગરિક જેવું સુગમ અને સરળ રહ્યું. સમાજનાં વિવિધ ક્ષેત્રોના આકર્ષણ તરફ પણ તેઓ કદી લુબ્ધ ન થયા અને ગાયનના એક જ પંથને પરમ ચાહતથી વળગી રહ્યાં. વાણીજી પોતાના મૌલિક અને નિતાંત રમણીય અવાજથી આજે પણ વિશ્ર્વમાં ગુંજી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -