બે દિવસ પહેલાં જ આપણે છાતી પર તિરંગો લગાવીને ગણતંત્ર દિવસની ઉજવણી કરી. દુનિયાની સૌથી મોટી લોકશાહી તરીકે ઓળખાતા ભારતમાં જન્મ મળ્યો હોવાનો ગર્વ દરેક ભારતીયને છે. પરંતુ એક ભારતીય તરીકેની ઓળખ આપતા આપણે દેશ પ્રત્યેની આપણી ફરજો પૂરી કરીએ છીએ કે એનો વિચાર કરવો પણ જરુરી છે અને આ સવાલ અત્યારે થવાનું કારણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો એક ફોટો છે. વાઈરલ થઈ રહેલો આ ફોટો જોઈને તમને તમે એક ભારતીય છો એ વાત માટે શરમ આવવા લાગશે.
“We The People.”
Pic: Vande Bharat Express pic.twitter.com/r1K6Yv0XIa
— Awanish Sharan (@AwanishSharan) January 28, 2023
આ ફોટો છે વંદે ભારત એક્સપ્રેસનો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ટ્રેનનું લોકાર્પણ કરવામાં કરવામાં આવ્યું હતું. વંદે ભારત એક્સપ્રેસનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં એક સફાઈ કર્મચારી એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસીઓએ કરેલો કચરો સાફ કરતો દેખાય છે. પ્રવાસીઓ દ્વારા ફેલાવવામાં આવેલી આ ગંદકીને જોઈને નેટીઝન્સ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને લોકોએ એક ભારતીય તરીકે આ ફોટો જોઈને પોતાનું માથું શરમથી ઝૂકી ગયું હોવાનું જણાવ્યું હતું. આઈએએસ અધિકારી અવનિશ શરન દ્વારા ટ્વીટર પર આ ફોટો શેયર કરવામાં આવ્યો છે. આ ફોટોમાં પ્રવાસીઓએ ટ્રેનમાં પાણીની બાટલી, ખાવાના કન્ટેનર્સ, પ્લાસ્ટિકની થેલીઓ વગેરે એમને એમ ફેંકી દીધી હતી. અવનિશે આ ફોટો શેયર કરીને તેના પર વી ધ પીપલ એવી કેપ્શન આપી છે.
સોશિયલ મીડિયા પર આ ફોટો શેયર થયા બાદ તે ટૂંક સમયમાં જ વાઈરલ થઈ ગયો હતો અને લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. એ યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે સર આપણે ત્યાં લોકોને કર્તવ્યનું ભાન નથી, પણ હક્કની વાત હશે તો તરત જ તેમની અંદર રહેલો નાગરિક જાગૃત થઈ જાય છે. સ્વચ્છતા માટે લોકોએ જાતે આગળ આવવું પડશે. બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે આપણે હંમેશા સારી સુવિધાની વાતો કરીએ છીએ, પણ શું એ સુવિધાનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની કેળવણી આપણને મળી છે ખરી?
આ મહિનાની શરુઆતમાં સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદેભારત એક્સપ્રેસ ટ્રેનમાં કચરો જોવા મળતા રેલવે દ્વારા પ્રવાસીઓને સ્વચ્છતા જાળાવવાની વિનંતી કરવામાં આવી હતી. સ્વચ્છતા એ આપણી પોતાની અને આપણા આસપાસના પરિસરને સ્વચ્છ રાખવાની પ્રક્રિયા છે. આપણો પરિસર સ્વચ્છ રાખવાની જવાબદારી નાગરિકોની પણ છે. એ તમારી પણ માલમત્તા છે, એવું રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.