આંધ્ર પ્રદેશમાં રેલવે પોલીસે તાજેતરમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરનાર ત્રણ કિશોરો સહિત છ લોકોની ધરપકડ કરી હતી. પથ્થરમારાને કારણે ટ્રેન ચાર કલાક મોડી પડી હતી.
વિશાખાપટ્ટનમથી સિકંદરાબાદ જતી ટ્રેનમાં લગાવવામાં આવેલા સર્વેલન્સ કેમેરાના સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે ચોક્કસ સ્થળની ઓળખ કરી હતી જ્યાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. શુક્રવારે સવારે 7:30 વાગ્યાની આસપાસ ડિવિઝનલ રેલવે પોલીસ કંટ્રોલ રૂમને માહિતી મળી હતી કે પીઠાપુરમ અને સમરલાકોટા વચ્ચે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો એમ દક્ષિણ મધ્ય રેલવે (એસસીઆર) ઝોનના વિજયવાડા વિભાગે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.
તરત જ રાજમહેન્દ્રવરમ અને સમરલાકોટાથી રેલ્વે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી પરંતુ આરોપીઓને શોધી શકી ન હતી. જો કે ફૂટેજ તપાસતા પોલીસને પીઠાપુરમ અને સમરલાકોટા રેલ્વે સ્ટેશન વચ્ચે છ યુવાનો જોવા મળ્યા હતા. તેઓ અપરાધીઓમાંના એકને અને તેના દ્વારા અન્ય તમામને ઓળખવામાં સફળ થયા હતા જેના પગલે તમામ છ સામે રેલ્વે અધિનિયમની કલમ 153 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
સગીરોને બાદ કરતાં અન્ય ત્રણને વિજયવાડાની રેલવે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેણે તેમને 16 મે સુધીના રિમાન્ડ પર મોકલ્યા હતા. જ્યારે સગીરોને રાજમહેન્દ્રવરમમાં જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને બાળ ગૃહમાં મોકલી દેવામાં આવ્યા હતા.