મુંબઈ: ભારતના વિવિધ રાજ્યમાં ચાલુ કરાયેલી વંદે ભારત એક્સપ્રેસને પ્રવાસીઓ તરફથી નાધપત્ર પ્રતિભાવ મળી રહ્યો છે, જેમાં આગામી દિવસોમાં નોર્થ ઈસ્ટ (રાજ્યમાં)માં પણ વંદે ભારત એક્સપ્રેસ દોડાવાશે. જોકે મઝાની વાત એ છે મધ્ય રેલવે ઝોનમાં મુંબઈ ડિવિઝનની
મુંબઈ શિરડી અને મુંબઈ સોલાપુર વંદે ભારત એક્સપ્રેસમાં એક લાખથી વધારે પ્રવાસીએ મુસાફરી કરી લીધી હોવાનું મધ્ય રેલવેએ જણાવ્યું હતું.
૩૨ દિવસમાં આ બંને ટ્રેનમાં અંદાજે એક લાખથી વધારે પ્રવાસીએ મુસાફરી કરી છે, જેનાથી રેલવેને ૮.૬૦ કરોડ રૂપિયાની આવક થઈ છે, જે ઝોનમાં દોડાવાતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો વિક્રમ કહી શકાય, એવો અધિકારીએ દાવો કર્યો હતો.
આ બંને ટ્રેનોને ૧૦મી ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી હતી. મુંબઈ સાઈનગર શિરડી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન (૨૨૨૨૩)માં ૩૨ દિવસમાં ૨૩,૨૯૬ પ્રવાસીએ મુસાફરી કરી હતી, જ્યારે સાઈનગર શિરડી મુંબઈ વંદે ભારતમાં ૨૩,૪૧૫ પ્રવાસીએ ટ્રાવેલ કર્યો હતો. એ જ રીતે મુંબઈ-સોલાપુર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં પણ કુલ મળીને પંચાવન હજારથી વધારે પ્રવાસીએ પ્રવાસ કર્યો હતો..
વંદે ભારત એક્સપ્રેસ એકદમ આધુનિક અને સેમી હાઈ સ્પીડ ટ્રેન દેશના તમામ મહાનગરોની વસ્તીને ઝડપથી ટ્રાવેલ કરવાની સુવિધા પૂરી પાડવાનાં ભાગરૂપે ચાલુ કરવામાં આવી છે. અલબત્ત, મુંબઈથી શિરડી અને સોલાપુર એમ એકસાથે બે વંદે ભારત એક્સપ્રેસ ચાલુ કરીને દેશને નવમી અને દસમી ટ્રેનની ભેટ આપી હતી.
મુંબઈ (મુંબઈ અને ગાંધીનગર સિવાય)થી બે વંદે ભારત એક્સપ્રેસ ચાલુ કરવામાં આવેલી આ બંને વંદે ભારત ટ્રેનની સ્પીડ કલાકના 160 કિલોમીટરની ઝડપની છે. આ ટ્રેનને 100 કિલોમીટરની સ્પીડ પકડવા માટે 52 સેકન્ડનો સમય લાગે છે, જ્યારે ટ્રેનના દરવાજા ઓટોમેટિક છે. એની સાથે એક્ઝક્યુટિવ કોચની સીટ 180 ડિગ્રીએ ઘૂમી શકે છે, જ્યારે ટ્રેનમાં સીસીટીવી કેમેરા, વેક્યુમ ટોઈલેટ, પાવર બેકઅપ, જીપીએસ આધારિત ઈન્ફર્મેશન સિસ્ટમ સહિત અન્ય આધુનિક ટેક્નોલોજીને ઈન્સ્ટોલ છે.