મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
શબ્દ જેટલો નાનો લાગે છે એટલો અર્થ વિશાળ છે. બપોરે જમીને દસ મિનિટથી અડધી કલાક લાંબો વાંસો કરવો એટલે કે આંખ બંધ કરી શરીરને ડાબા પડખે આરામ આપવો એવો અર્થશાસ્ત્રમાં ક્યાંક લખ્યો છે, પરંતુ આ વામકુક્ષી અમારે ત્યાં અર્થ નહીં અર્થશાસ્ત્ર બદલી નાખે તેવડી છે.
સૌરાષ્ટ્રમાં અને એમાં પણ રાજકોટ એટલે વામકુક્ષીને રબરની જેમ ખેંચી એક થી ત્રણ કલાકના સમય જેટલી કરી નાખે છે. બપોરે એક થી ચાર ઘરે જમવા જવાનું,ત્યારબાદ બેડરૂમમાં પડદા ઉપર પડદા લગાડી ઘોર અંધારું કરી, કાળો બલ્બ ચાલુ કરી, એસી ઓન કરવાનું.
મોબાઇલ મૌન મોડ પર કે જડબેસલાક બંધ કરી દઈ નસકોરાંની ગાડી ટોપ ગિયરમાં નાખી લાંબા લસ થઈ પડવું એટલે વામકુક્ષી. ચુનિયો જ્યાં જ્યાં નોકરીએ ચડે ત્યાં વામકુક્ષીની શરત મૂકે. ઉપરી અધિકારી બિચારા બેખબર હોય તો નોકરીનાં કલાક કરતાં વધારે ચુનિયો સૂવાનો પગાર મેળવતો.
સરકારી સમય ભલે ૧૦.૩૦થી ૬ હોય. અમારા ગામમાં બપોરના સમયે કોઈ ઓફિસે જાય નહીં, કારણકે પોતે પણ સૂતો હોય. ઓફિસમાં પણ પાંખી હાજરી હોય. જેના ઘરે એસી ન હોય તેવા લોકો જ ઓફિસમાં બેઠા હોય એટલે કે સૂતા હોય. એક માનસિકતા જ થઈ ગઈ છે કે બપોરે તો આરામ કરવાનો જ. અમારે તો સૂવાનું એટલું બધું મહત્ત્વ છે કે જો બપોરે જાગતા હોઈએ તો મતદાર યાદીમાંથી તમારું નામ નીકળી જાય, રેશન કાર્ડમાંથી નામ કમી થઈ જાય. કલેક્ટર ઘરે ઘરે તપાસ કરવા મોકલે કે જો કોઈ જાગતું હોય તેવું લાગે તો તેને ગામ બહાર કરવો. એ તો સારું છે કે તપાસ કરવાવાળા પણ બપોરે સૂઈ જાય છે. અને આદેશ આપનારા પણ બપોરે સૂતા હોય એટલે છૂટક છૂટક જાગવાવાળા બચી જાય છે.
વિદેશમાં વીક એન્ડમાં કામ કરો તો ડોઢો પગાર મળે છે પણ મજૂરમાં ગણતરી કરે તેમ અમારે બપોરે કામ કરવા વાળો મજૂર કહેવાય. નવા ક્ધસેપ્ટ પ્રમાણે ઓફિસમાં એક વામકુક્ષી રૂમ બનાવવામાં આવશે. જેનો વામકુક્ષી રૂમ સારો હશે ત્યાં ઓછા પગારે પણ કામ કરવા અમારો ચુનિયો તૈયાર છે.
મોટાં શહેરોમાં એકાદ રવિવારે જો ભૂલથી પણ એકાદ કલાક સુવાઈ ગયું હોય તો ૧૫ દિવસ તો એ વ્યક્તિ ગામમાં કહેતો ફરે કે “ફલાણા દિવસે તો હું ખાસું સૂઈ ગયો. એક કલાકની નિંદર ખેંચી. અરે ભાઈ સૂવાનું શું કહેવાય તે જાણવું હોય તો આવો અમારા વિસ્તારમાં. રોજ ઢોલ નગારા વગાડો તો પણ બે કલાક પહેલાં ન જ જાગે.
ભર બપોરે તો અમારી શેરીના શ્ર્વાન પણ કોઈ ઓટલા નીચે કે એકલદોકલ પડેલા વાહનની નીચે કે ફળિયાના ખાટલા નીચે અથવા બગીચામાં ઝાડવાના છાયા નીચે નિંદરાધીન જોવા મળે. એમાં પણ જો તમે તેને ડિસ્ટર્બ કરતા નીકળો તો ગુસ્સામાં આંખો ખોલી અને તમારા મુખ દર્શન કરી લે બાકી કરડવાનું કે ભસવાનું નામ નહીં.
એટલે કે બપોરના સમયમાં અમારા શ્ર્વાન પણ તમને ડાહ્યા લાગે. ભિખારીઓ પણ પોતાના વાટકા ઊંધા કરી અને સાઈડમાં ડુ નોટ ડિસ્ટર્બનું બોર્ડ મારી એકથી ચાર કોઈએ ચિલ્લર ફેંકી અને અવાજ કરી ઊંઘમાં ખલેલ ન પડે તે માટે સૂચના લખી
હોય છે.
રાજકોટમાં કોઈએ ઘર જબરજસ્તી કબ્જામાં લીધું હોય તો કાયદા દ્વારા કે પોલીસતંત્ર કે બીજા કોઈ રસ્તા દ્વારા તે ખાલી ન પણ થાય, પરંતુ અમારા ચુનિયાએ ધડાધડ એક સાથે ૧૦ આવા ગેરકાયદે દબાણવાળાં મકાનો ખાલી કરાવી અને એક વર્ષની આમદાની સાથે ધાક જમાવી દીધી છે. તેનું બિઝનેસ સિક્રેટ એ જ છે કે જો કોઈ મકાન ખાલી ન કરતો હોય તો બપોરે એકથી ચાર દરમિયાન તેના ઘરના દરવાજે ના આવડતું સંગીતનું વાજિંત્ર લઈ અને ધારદાર અવાજમાં સતત ત્રણ કલાક ગાયનનો રિયાઝ કરે. એકાદ બે દિવસ ઊંઘ બગડે તો ચલાવી લેવાય, પરંતુ રોજ મોજ બગડે તો ન ચાલે. થર્ડ ડિગ્રી ટોર્ચર કરતાં પણ ભયંકર ટેકનિકથી ચુનિયો આ ધંધામાં સફળતા પામેલો.
બહારગામથી આવેલો વેપારી જો બપોરે બાર વાગે ગામમાં આવ્યો હોય તો જમી ખાઈ પી અને મેટેની શોમાં પિક્ચર જોવા બેસી જાય. ચાર વાગે ચા પાણી પી અને પછી પેઢી કે દુકાને ધંધાની વાત કરવા જાય. બાકી શટર પડતું હોય ત્યારે લાખ રૂપિયા રોકડા આપીને વસ્તુ માગો તો પણ અડધી ઊંઘ સાથેની આંખો સાથે માફી માગી લે અને ચાર વાગે આવવાનું કહે. અરે દુકાનમાં થડા ઉપર જ સૂતો હોય અને તમે કોઈ વસ્તુ માગો તો તમે એની ઊંઘ બગાડી એટલે બાપે માર્યા વેર હોય તેવું મોઢું બગાડી વસ્તુ સામે દેખાતી હોય તો પણ તમને કહેશે કે ‘મારી પાસે નથી બાજુની દુકાનમાંથી લઈ લેજો’ એક કાંકરે બે પક્ષી મારે. એક તો તમને ના પાડી દે. અને બીજું મારી ઊંઘ બગડી તો બાજુવાળાની પણ થોડી બગડે. અને મેં જે મનમાં દીધી એ કદાચ તમને મોઢા મોઢ સાંભળવા પણ મળે.
અમારી સૌરાષ્ટ્રની દીકરીઓ બપોરે વામકુક્ષીથી ટેવાયેલી હોય છે. તે પરણીને મુંબઈ આવે ત્યારે શરૂઆતમાં બહુ તકલીફ પડે, કારણ કે ધરખમ ફેરફાર કરવો પડે. કેટલું પરિવર્તન લાવવું પડે. બહુ તકલીફ પડે, પરંતુ ગમે તેમ કરી અને તે સાસરામાં ગોઠવાઈ જાય. અમારી દીકરીઓ મહેનતુ હોય છે. એટલે તેના વખાણ તો કરવા જ પડે. જીવનશૈલી બદલાવવી તે બહુ મોટું કામ છે અને તે દિલથી કરે. સાસરામાં પ્રિય થવાનો પ્રયત્ન પણ કરવાનો હોય. આ બધી જ મહેનત બાદ સફળતા પણ મેળવે. અને એક દિવસ સાસુ, સસરા, વર, નણંદ, જેઠ, જેઠાણી બધા જ બે કલાક સુધી તમને વામકુક્ષી કરતા દેખાય. આ છે અમારી દીકરીઓની તાકાત.
જોકે હવે તો ઘણું પરિવર્તન આવ્યું છે.માત્ર રિટાયર્ડ માણસો જ લાંબી ઊંઘ ખેંચે છે. બાકી તો બે છેડા ભેગા કરવામાં રાત પાળી પણ કરવી પડે છે.
વિચારવાયુ
તમારે સારું છે કે બૈરીની જીકજીક સાંભળવામાં બપોરે બે કલાક શાંતિ મળે.
ભાઈ, રાત્રે બે કલાક ઓવર ટાઈમ કરી લે છે.
Best unic topic .. best humours