Homeદેશ વિદેશગુજરાતમાં વૈશાખ વરસ્યો: કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં માવઠું

ગુજરાતમાં વૈશાખ વરસ્યો: કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં માવઠું

વીજળી પડતા એકનું મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં શુક્રવારે કેટલાક જિલ્લાઓમાં ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જામ્યો હતો. કચ્છ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા ઉપરાંત રાજકોટમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસતા ધરતીપુત્રોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે. ભરઉનાળે વરસાદની સાથે વીજળી પડવાના કારણે પાટણમાં રાણકી વાવ જોવા આવેલા એક પ્રવાસીનું મોત નિપજ્યું હતું.
રાજ્યમાં એક બાજુ ગરમી પડી રહી છે ત્યારે હવામાન વિભાગની વરસાદ વરસવાની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લામાં ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અંજારના રત્નાલ ગામે કરા સાથે પોણો કલાક સુધી વરસાદ ખાબકતા એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં આજે સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. સરસીયા, ગોવિંદપુર, ફાસરીયા સહિત આસપાસનાં
ગામડામાં વરસાદ વરસ્યો હતો. ખાંભાના અનિડા, સમઢિયાળા સહિત ગામડામાં પણ વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે ગામના રસ્તાઓ પર પૂરની માફક પાણી વહેતા થયા હતા. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના વાતાવરણમાં બપોરના સમયે અચાનક પલટો આવ્યો હતો. પવન સાથે કમોસમી વરસાદ વરસતા હારીજ માર્કેટિંગ યાર્ડમાં અફરાતફરી મચી હતી. હારીજ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે આવેલી ૪૫૦૦થી વધુ બોરી એરંડા સહિતના પાકોની આવક થઈ હતી. જેમાં ૨૫૦૦થી વધુ બોરી ધોધમાર વરસાદના કારણે પલળી જતા વેપારીઓ અને ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તેમજ બનાસકાંઠા જિલ્લાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. ધાનેરા, બાપલા, કુંડી, વાછોલ, માંડલ સહિતનાં ગામડાઓમાં ગાજવીજ અને કરા સાથે માવઠું થતા ધરતીપુત્રો ચિંતિત બન્યા હતા. ઉપરાંત મહેસાણાના જોટાણામાં પણ માવઠું થયું હતું. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા. આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદ વરસતા લોકોએ તો ગરમીમાં રાહત અનુભવી હતી. તો બીજી તરફ માવઠાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
રાજસ્થાન પાસે સર્જાયેલા હવાના હળવાં દબાણની અસર હેઠળના વરસાદી માહોલે અકળાવનારા તાપથી તપી રહેલાં કચ્છને ગરમીમાંથી નોંધપાત્ર રાહત અપાવી છે.
બીજી બાજુ અંજાર તાલુકાના મથડા,ચાંદ્રોડા વિસ્તારમાં ઝરમર વરસાદ વરસ્યો હતો તેમજ ભુજના સુમરાસર, ઢોરી સહિતના ભાતીગળ પ્રદેશોમાં વંટોળિયા સાથે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત વાગડ વિસ્તારના ભચાઉ અને રાપર તાલુકાના ગામોમાં પણ ગાજવીજ સાથે માવઠું વરસતાં ગ્રામ્ય માર્ગો પર પાણી વહી નીકળ્યા હતાં.
દર વર્ષે ગરમીના રેકોર્ડ તોડનારા ભુજમાં ૩૭ ડિગ્રી જેટલો ઘટેલો તાપમાનનો પારો અને તડકા-છાંયડાં જેવાં વાતાવરણનાં કારણે શહેરીજનોને ગરમીમાં રાહત થતાં હાશકારો અનુભવ્યો હતો. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે મહત્તમ ૩૫ જયારે લઘુતમ ૨૩ ડિગ્રી સે.પર પહોંચી જતાં ગરમીનો ડંખ ઓછો થયો છે.
બંદરીય કંડલામાં પણ મહત્તમ ૩૬ ડિગ્રી અને લઘુતમ ૨૨ ડિગ્રી તાપમાન સાથે ૭૦ ટકા જેટલાં ભેજના ઊંચા પ્રમાણે જાણે ગરમીને ગાયબ કરી દીધી છે. આગામી બે-ત્રણ દિવસ દરમ્યાન રાજ્યભરમાં છૂટાછવાયા માવઠાં થશે તેવો વર્તારો હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -