બેંગ્લોરની એક ખાનગી યુનિવર્સીટીમાં ફેરવેલ પાર્ટી દરમિયાન વડોદરાના એક વિદ્યાર્થીની હત્યાની ઘટના બનતા ચકચાર ફેલાઈ ગઈ છે. બેંગલોરની રેવા યુનિવર્સીટીમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહેલા વડોદરાના ભાસ્કર જેટ્ટીની ચપ્પુના ઘા મારીને નિર્મમતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી
ભાસ્કર જેટ્ટી 4 વર્ષ પહેલાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા બેંગલોરની રેવા યુનિ.માં ગયો હતો. અભ્યાસ પૂર્ણ થયા બાદ યુનીવર્સીટીમાં ફેરવેલ પાર્ટી રાખવામાં આવી હતી જેમાં એક હજાર જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ ભાસ્કર પર ચપ્પુ વડે ઘાતક હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ભાસ્કર જમીન પર ઢળી પડ્યો હતો, લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલ લઇ જવાયો હતો. હોસ્પીટલમાં ફરજ પર હાજર તબીબે ભાસ્કરને મૃત જાહેર કર્યો હતો. તેને પેટના ભાગે ચપ્પુના ઊંડા ઘા વાગ્યા હતા.
ઘટનાની જાણકારી મળતા વડોદરાના વારસિયા વિસ્તારના ગોસાઇ મહોલ્લામાં રહેતા ભાસ્કરના પરિવારમાં શોકની લાગણી ફરીવળી છે. જેટ્ટી પરિવાર બેંગલુરુ જવા રવાના થયો હતો અને ત્યાં ભાસ્કરના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતક યુવાનના પિતા સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે, અને માતા ખાનગી કંપનીમા નોકરી કરે છે. નાની બહેન શાળામાં અભ્યાસ કરે છે. ભાસ્કરનો મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો અને પરિવારજનોના જણાવ્યા પ્રમાણે લંડનમાં નોકરી પણ મળી ગઈ હતી.
હત્યા રાત્રે 9.30 વાગ્યાના અરસામાં થઈ હતી. બેંગલુરુ નોર્થ-ઈસ્ટ ડિવિઝન પોલીસે આરોપીને પકડવા માટે કવાયત શરૂ કરી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે કે જેટ્ટીને છાતી અને હાથ પર ચાકુ મારવામાં આવ્યું હતું જેના પરિણામે તેમનું મૃત્યુ થયું હતું. અમે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને આરોપીઓની ઓળખ કરી લીધી છે. અમે ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરીશું.
આ હત્યાની ઘટના બનતા અન્ય વિદ્યાર્થીઓમાં ભય ફેલાયો છે. રાજ્ય બહાર અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના પરિવારો પણ ચિંતામાં મુકાયા છે.