વડોદરા નજીક હાઈવે પર જરોદ ચોકડી પાસે આજે વહેલી સવારે એક SUV કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ અકસ્માતના મૃતકો માટે શોક વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા જ્યારે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની જાહેરાત કરી છે.
ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. NDRFની ટીમે ઘાયલો અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ઘાયલ 5 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માતગ્રસ્ત SUV કારમાં 8 બાળકો સહીત કુલ 11 લોકો સવાર હતા. મળતીમાહિતી અનુસાર મૂળ રાજસ્થાનનો અને હાલમાં સુરતમાં રહેતો પરિવાર પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો ત્યારે તેને વડોદરા નજીક જરોદ ચોકડી પાસે અકસ્માત નડ્યો હતો.
ટક્કર એટલી ભયંકર હતી કે SUV કારનો કચ્ચઘાણ નીકળી ગયો હતો. અકસ્માતને લઇને હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસ સમગ્ર ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે. કાર અને ટ્રક વચ્ચે અકસ્માત કેવી રીતે સર્જાયો, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.