વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ખાતે બુધવારે એક સેમિનારનું આયોજન કરવમાં આવ્યું હતું જેમાં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના પ્રોફેસર ઝુબેર મીનાઈ હાજર રહ્યા હતા. આ સેમીનાર દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ત્યાર બાદ બાદ સેમિનાર રદ કરવામાં આવ્યો હતો.
MSUની ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક દ્વારા બુધવારે કેમ્પસમાં ‘ રિસ્પેક્ટિંગ ડાઇવર્સીટી થ્રુ જોઈન્ટ સોશિયલ એક્શન’ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમીનારમાં દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સોશિયલ વર્ક વિભાગના પ્રોફેસર મીનાઈને વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. સેમીનાર શરૂ થયા બાદ તરત જ ABVPના કાર્યકર્તાઓ સેમીનાર સ્થળ પર પહોંચી ગયા હતા અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા લાગ્યા હતા અને સેમીનાર રદ કરવાની ફરજ પાડી હતી.
ABVPના સભ્યોએ સોશિયલ વર્ક ફેકલ્ટીના ડીન ડૉ.ભાવના મહેતાને પણ ધમકાવ્યા હતા. એબીવીપીના એક સભ્યએ ડીનને કહ્યું કે, ‘તેઓએ મીનાઈને શા માટે આમંત્રણ આપ્યું? તેઓ ભારત વિરોધી ટિપ્પણીઓ કરવા માટે જાણીતા છે.’ ત્યારે મહેતાએ કહ્યું કે તેમને વિષયના એક વિદ્વાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ સેમીનારમાં વાઈસ ચાન્સેલર વી.કે.શ્રીવાસ્તવ અને ડાયરેક્ટર સચિન ઓઝા પણ હાજર હતા.
ABVPના એક નેતાએ દાવો કર્યો કે પ્રોફેસર ઝુબેર મીનાઈ સામ્યવાદી છે. ABVPના એક નેતાએ કહ્યું કે ‘ઝુબેર મીનાઈ સામ્યવાદી છે અને ભારત વિરોધી ટિપ્પણી કરવા માટે જાણીતા છે. તેમણે નાનાજી દેશમુખ (આરએસએસ વિચારક) સામે પણ ટિપ્પણીઓ કરી હતી. જે વિષય પર વક્તવ્ય આપવા તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા તે વિષય પર બોલવા માટે ફેકલ્ટીને ગુજરાતમાં કોઈ વિદ્વાન ન મળ્યા? ABVP ભારત વિરોધી માનસિકતા ધરાવતા લોકોને ક્યારેય સહન નહિ કરે,’
ABVPના સભ્યોએ ફેકલ્ટી ડીન ડૉ ભાવના મહેતાને ભવિષ્યમાં આવા લોકોને આમંત્રણ ન આપવા જણાવ્યું હતું. ડૉ.ભાવના મહેતાએ આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.
બાદમાં કેમ્પસની કેન્ટીનમાં આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ સાથે પણ એબીવીપીના સભ્યોએ મારામારી કરી હતી. સયાજીગંજ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ દરમિયાનગીરી કરી ચાર વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.