શું મહારાષ્ટ્રની સ્કૂલોના 24 લાખ 60 હજાર વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાશે? શું તેઓ શિક્ષ્ણ વિહોણાં રહી જશે? અને શું તેને કારણે 60 હજાર શિક્ષકો ફાજલ જાહેર થશે? આવો પ્રશ્ન હાલમાં ઉપસ્થિત થયો છે. વાત એમ છે કે શિક્ષણ વિભાગ દ્વાર શૈક્ષણિક વર્ષ 2022-23 માટે સંચ માન્યતાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત રાજ્યના વિદ્યાર્થીઓના આધાર કાર્ડ ચકાસવામાં આવે છે. અત્યાર સુધી આ પ્રક્રિયા અંતર્ગત રાજ્યના 1 કરોડ 91 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ ચકાસવામાં આવ્યા છે.
આ 1 કરોડ 91 લાખ વિદ્યાર્થીઓમાંથી 24 લાખ 60 હજાર વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અમાન્ય સાબિત થયા છે. તેથી સંચ માન્યતા પ્રક્રિયાના નિયમ મુજબ આ તમામ વિદ્યાર્થીઓને અનુદાન અને સરકારની શૈક્ષણિક યોજનાઓનો લાભ મળી શકશે નહિ.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2022-23 માટે સંચ માન્યતા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તે માટે તમામ ગ્રાન્ટેડ સ્કૂલોના વિદ્યાર્થીઓના આધાર કાર્ડ ચકાસવામાં આવી રહ્યાં છે. 10મી મે સુધીની માહિતી મુજબ 1 કરોડ 91 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ UIADIએ ચકાસ્યા હોવાથી તેમાંથી 1 કરોડ 68 લાખ વિદ્યાર્થીઓના આધાર કાર્ડ માન્ય થયા છે, જ્યારે 24 લાખ 60 હજાર વિદ્યાર્થીના આધાર કાર્ડ અમાન્ય થયા છે. તેથી સંચ માન્યતાના નિયમ મુજબ આ 24 લાખ 60 હજાર વિદ્યાર્થીઓ ફાજલ સાબિતી થઇ શકે છે. જો આમ હશે તો માત્ર માન્ય આધાર કાર્ડવાળા 1 કરોડ 68 લાખ વિદ્યાર્થીઓની સંખ્યા જ માન્ય રહેશે.
જેને કારણે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાંથી લગભગ 60 હજાર શિક્ષકો ફાજલ હોવાની શક્યતાઓ વર્તાઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર રાજ્ય શિક્ષણ સંસ્થા મહામંડળે આ તમામ પ્રક્રિયા સામે તીવ્ર આક્ષેપ કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 30 હજાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા ટાળવા માટે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ ચકાસી પહેલાં વિદ્યાર્થીઓને બોગસ અને ત્યાર બાદ શિક્ષકોને ફાજલ સાબીત કરવાની રમત રમાઇ રહી છે એવો આક્ષેપ મહામંડળ દ્વારા કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર ઓગષ્ટ 2023માં થનાર શિક્ષકોની ભરતી પ્રક્રિયા આગળ ધકેલવા માંગે છે તેવો આક્ષેપ પણ મહામંડળ દ્વારા કરવામાં આવ્યો હતો.
નવેસરથી અનુદાન મેળવનાર સ્કૂલો અને મહાવિદ્યાલયોને વેતન અનુદાન માટે સંચ માન્યતા પ્રક્રિયા પૂરી કરવી આવશ્યક છે. તે માટે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અપડેટ કરવા પણ આવશ્યક છે. આ ડેટાને આધારે જ વિદ્યાર્થીઓને અનુદાન આપવામાં આવશે. આ પ્રક્રિયાના ભાગ રુપે જ આધાર કાર્ડની ચકાસણી થઇ રહી છે. તેથી સરકારની વિવિધ શૈક્ષણિક યોજનાઓનો લાભ જે વિદ્યાર્થીઓને મળતો હોય છે તેમના આધાર કાર્ડ અપડેટ કરવા ફરજીયાત છે. જે વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અપડેટ હોય છે તેમને જ સ્કૂલ યુનિફોર્મ, પુસ્તકો તથા અન્ય સરકારી શૈક્ષણિક યોજનાઓનો લાભ આપવામાં આવે છે.