ઉત્તરાખંડના એક બીજેપી નેતાએ હિન્દુત્વવાદી સંગઠનોના દબાણ બાદ મુસ્લિમ યુવક સાથે નક્કી થયેલા પોતાની દીકરીના લગ્ન રદ કર્યા છે. તેમની દીકરીના લગ્ન 7 દિવસ પછી એટલે કે 28 મેના રોજ થવાના હતા.
પૌડી નગરપાલિકાના પ્રમુખ યશપાલ બેનમે દીકરીની ઈચ્છાને ધ્યાનમાં લઇને તેના લગ્ન મુસ્લિમ છોકરા સાથે કરાવવા માટે સંમતિ આપી હતી અને લગ્નનીઓ તૈયારીઓ પણ શરુ કરી દીધી હતી. લગ્નના કાર્ડમાં વરરાજા તરીકે મુસ્લિમ યુવકનું નામ વાંચતા જ ભાજપના કાર્યકરો ઉપરાંત હિન્દુત્વવવાદી સંગઠનોએ વિરોધ ઉઠાવ્યો હતો. હિન્દુત્વવાદી સંગઠનના સભ્યોએ આ લગ્ન રદ કરવા બંને પરિવારો પર દબાણ કર્યું હતું. જેને લઈને આ લગ્ન રદ કરવામાં આવ્યા છે.
લગ્ન રદ કર્યા બાદ ભાજપના નેતા યશપાલ બેનમેં જણાવ્યું કે લગ્ન બંને પરિવારોની સંમતિથી ગોઠવવામાં આવ્યા હતા, પરંતુ કેટલીક બાબતો સામે આવ્યા પછી લગ્ન રદ કરવા પડ્યા છે. મારી દીકરીના લગ્ન મુસ્લિમ યુવક સાથે થવાના હતા. બાળકોના સુખ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને બંને પરિવારોએ તેમના લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો, જેના માટે કાર્ડ પણ છપાવીને વહેંચવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર વાયરલ થયું ત્યારે વાંધાઓ ઉઠવા લાગ્યા હતા.
તેમણે કહ્યું કે જેવું વાતાવરણ સર્જાયું છે તે જોઈને બંને પરિવારોએ સાથે બેસીને નિર્ણય લીધો કે જનપ્રતિનિધિ હોવાને કારણે પોલીસ સુરક્ષા હેઠળ લગ્ન કરવા યોગ્ય નથી. વાતાવરણ અનુકુળ ન હોવાને ધ્યાનમાં રાખીને અને લોકોની કાળજી લેતા બંને પરિવારોએ 26, 27 અને 28 મેના રોજ યોજાનાર લગ્નના કાર્યક્રમો નહીં યોજવાનું નક્કી કર્યું છે. હું જન ભાવનાઓનું સન્માન કરું છું.
આ અંગે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસના નેતા રશીદ અલ્વીએ કહ્યું, “તે તેમનો અંગત મામલો છે. તેના પર કોઈ ટિપ્પણી કરી શકાય નહીં. પરંતુ જો યુવતી સંમતિથી મુસ્લિમ વ્યક્તિ સાથે લગ્ન કરતી હોય તો મને કંઈ અયોગ્ય લાગતું નથી.”