ચમોલી: બદ્રીનાથ હાઇવે પર હેલંગમાં ભૂસ્ખલનને કારણે રસ્તો બંધ થઇ ગયો છે. આ ઘટના બાદ બદ્રીનાથ યાત્રા રોકવામાં આવી છે. અહીંના હાઈ વે નજીક ભૂસ્ખલનને કારણે પોલીસે ગૌચર, કર્ણપ્રયાગ અને લંગાસૂમાં બેરિયર લગાવી બદ્રીનાથ જનારા ભાવિકોને સલામતીના ભાગ રુપે પોત-પોતાની જગ્યાએ રોકાવા માટે કહ્યું છે.
બદ્રીનાથ હાઇવે પરની આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. પહાડ પરથી કાંટમાળ પડતાં હાઇ-વે બંધ થઇ ગયો છે. આ હાઇવે બંધ થવાને કારણે ઘણી જગ્યાએ યાત્રા હાલ પૂરતી રોકવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ હાલમાં રસ્તા પર હજારો ભાવિકો ફંસાયા છે. આ અંગે કર્ણપ્રયાગના સીઓ અમિત કુમારે કહ્યું કે, હેલંગમાં બદ્રીનાથનો રસ્તો ખૂલતાં જ અમે શ્રદ્ધાળુઓને જવા દઇશું. વાહનવ્યવહાર અને સલામતી અંગે પોલીસ સજાગ છે અને સલામતીના ભાગરુપે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
#WATCH | Uttarakhand: Badrinath National Highway blocked near Helang village in Chamoli district due to heavy debris coming down from a hill. pic.twitter.com/hjOuRtpIAH
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 4, 2023
બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હેલંગથી કેટલીક તસ્વીરો સામે આવી છે. વિડીયોમાં દેખાય છે કે પહાડનો કેટલોક ભાગ તૂટીને હાઇવે પર આવીને પડ્યો છે. આ વિડીયો ખૂબ જ ભયાનક છે. વિડીયોમાં ઘટનાસ્થળે હાજર લોકો બૂમાબૂમ કરતા જોવા મળ્યા હતા, જેમાં લોકો દોડાદોડ કરતા હતા. જોકે ભૂસ્ખલનને કારણે લોકો ડરી ગયા હતા, જ્યાં આ ઘટના બની છે ત્યાં યાત્રીઓની ઘણી ગાડીઓ પણ જોવા મળી છે. સદનસીબે લોકોને કે ગાડીઓને કોઇ નુકસાન થયું નથી. ઘટનાસ્થળે ઉપસ્થિત લોકોના કહેવા પ્રમાણે એક મોટી દુર્ઘટના ટળી છે. કેટલાંક ભક્તોએ જણાવ્યું હતું કે ભગવાન બદ્રીનાથની કૃપા તેમના ભક્તો પર છે. તેને કારણે જ દુર્ઘટના ટળી ગઈ હતી પણ જે રીતે ભૂસ્ખલનને જોતાં મોટી દુર્ઘટના થઇ શકી હોત એમ લાગે છે, કારણ કે ઘટના સ્થળેથી હજારો શ્રદ્ધાળુઓની અવર-જવર ચાલી રહી હતી.