ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના ડેપ્યુટી ચીફ મેડિકલ ઓફિસર(Dy CMO)નીં લાશ એક હોટલના રૂમમાંથી મળી આવતા દોડધામ મચી જવા પામી છે. સોમવારે પ્રયાગરાજના સિવિલ લાઈન્સ વિસ્તારમાં કોફી હાઉસ નજીક હોટલ વિઠ્ઠલ ઈન્ટરનેશનલમાં ડો. સુનીલ સિંહે કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ ઘટનાની જાણકારી આપી હતી.
પોલીસે મીડિયાને જણાવ્યું કે સોમવારે સવારે 9.30 વાગ્યે અમને માહિતી મળી કે ડોક્ટર સુનિલ કુમાર સિંહ હોટલ વિઠ્ઠલના રૂમનો દરવાજો ખોલી રહ્યા નથી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બળપૂર્વક દરવાજો ખોલ્યો ત્યારે ડૉ. સુનીલ (51)નો મૃતદેહ સીલિંગ ફેન સાથે લટકતો જોવા મળ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યાનો મામલો હોય તેવું લાગી રહ્યો છે. પોલીસે લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ડૉક્ટર સુનીલના ડ્રાઈવરે જણાવ્યું કે ડો. સુનીલ પોતાના વાહનમાં વારાણસીથી ડ્યુટી કરવા માટે આવતા હતા. સોમવારે સવારે તેની પત્નીએ ફોન કરીને જણાવ્યું કે ડોક્ટરના બંને મોબાઈલ ફોન સ્વીચ ઓફ છે. હું સવારે 9.30 વાગે હોટલના રૂમમાં ગયો હતો અને દરવાજો ખટખટાવ્યો હતો, પરંતુ કોઈ જવાબ ન મળતા મેં હોટલ સ્ટાફને જાણ કરી હતી.
હોટલના કર્મચારીએ બારીમાંથી જોયું ડૉક્ટર સુનીલનો દેહ સીલિંગફેન વડે લટકતો જોવા મળ્યો હતો. આ પછી, આ ઘટનાની માહિતી તાત્કાલિક પોલીસને આપવામાં આવી હતી.