મુંબઈઃ મુંબઈ રેલવેમાં લોકલ અને લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોની પ્રવાસીઓને ઝડપથી ટિકિટ મળે અને ટિકિટ બારી પરની ભીડ ઘટાડવાના ઉદ્દેશથી મોબાઈલ એપ્લિકેશન મારફત ટિકિટ બુકિંગનો વિકલ્પ પૂરો પાડવામાં આવ્યો હતો, જે ધીમે ધીમે લોકપ્રિય બની રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એપ્રિલથી નવેમ્બર મહિનામાં મોબાઈલ એપ્લિકેશન મારફત 6.39 લાખ પ્રવાસીએ ટિકિટ ખરીદી હતી, જ્યારે તેનાથી રેલવેને 7535 લાખ રુપિયાની આવક થઈ હતી, જે કોવિડ કાર્યકાળમાં 6081 લાખ રુપિયાની તુલનામાં 24 ટકા વધારે છે.
માર્ચ, 2020માં લોકડાઉનને કારણે ઓક્ટોબર, 2021 સુધી કોવિડ-19 મહામારીને કારણે મોબાઈલ એપ્લિકેશન બંધ હતી, પરંતુ ત્યારબાદ ફરી ચાલુ કરવાને કારણે હવે ધીમે ધીમે મોબાઈલ મારફત ટિકિટ બુકિંગમાં વધારો થઈ રહ્યો છે. પ્રવાસીઓની સુવિધા માટે ખાસ કરીને ડિજિટલ ટિકિટિંગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યો છે, જેનાથી પ્રવાસીઓને ટિકિટ બારી પર ઊભા રહેવામાં મુશ્કેલી પડતી નથી. મોબાઈલ ટિકિટિંગથી સેલ્ફ ટિકિટિંગને પ્રોત્સાહન મળશે. મોબાઈલ ટિકિટિંગને પ્રોત્સાહન આપવા માટે સબર્બન અને નોન-સબર્બનમાં મોબાઈલ એપ્લિકેશન મારફત ટિકિટ બુક કરવા માટે અગાઉના પ્રતિબંધોને દૂર કરીને પાંચ કિલોમીટરના અંતર સુધી વધારવામાં આવ્યું છે અને તમામ ઝોનલ રેલવે માટે 20 કિલોમીટર સુધી નિર્ધારિત કર્યો છે. સબર્બનમાં બે કિલોમીટરથી વધારીને તમામ ઝોનલ રેલવેમાં પાંચ કિલોમીટરની કરી છે, જેથી સ્ટેશનથી દૂર રહેનારા પ્રવાસી પણ ઘરે બેઠા ટ્રેનની ટિકિટ ખરીદવાની સુવિધા મળશે, જયારે આર-વોલેટ રિચાર્જમાં ત્રણ ટકા બોનસનો પણ પ્રવાસી ફાયદો ઉઠાવી શકશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.