પર્સનલ હાઈજિન એ આપણે ત્યાં જરા દુલર્ક્ષિત રહેલો વિષય હતો, પણ કોરોના મહામારી દરમિયાન લોકો પર્સનલ હાઈજિનનું મહત્ત્વ ખૂબ જ સારી રીતે સમજી ગયા અને એટલું જ નહીં તેમણે આ પર્સનલ હાઈજિનને પોતાના રોજિંદા જીવનમાં મહત્ત્વનું સ્થાન પણ આપી દીધું.
આજે આપણે અહીં વાત કરીશું એક એવા મુદ્દા પર કે જેના પર કદાચ અત્યાર સુધી વાત થઈ જ નથી, પણ આ મુદ્દે વાત થવી જરૂરી છે. આપણે બધા જ હાથ, પગ અને મોં ધોયા બાદ કે સ્નાન કર્યા બાદ શરીરને લૂંછવા માટે ટોવેલનો ઉપયોગ કરીએ છીએ. પણ આ ટોવેલને કેટલા સમયે ધોવા નાખવો જોઈએ એ ચર્ચાનો મુદ્દો છે.
કેટલાક લોકો દરરોજ તેમના ટુવાલ ધોતા હોય છે. જ્યારે, કેટલાક લોકો અઠવાડિયામાં એક કે બે વાર. પણ આ બધા વચ્ચે લાખ રૂપિયાનો સવાલ એ છે કે આખરે ટોવેલ ધોવાની સાચી રીત શું છે અને કેટલા સમય સુધી ઉપયોગમાં લીધા બાદ તેને ધોવા નાખવો જોઈએ? આવો જાણીએ એ વિશે-
ટોવેલથી શરીરને લૂંછ્યા બાદ શરીર પરથી તો બેક્ટેરિયા દૂર થઈ જાય છે પણ ટોવેલના રૂંછામાં આ બેક્ટેરિયા ફસાયેલા જોવા મળે છે. ટોવેલમાં રહેલા ભેજને કારણે બેક્ટેરિયાઓની ઉત્પતિ માટે અનુકૂળ વાતાવરણ નિર્માણ થાય છે. આવી સ્થિતિમાં, જો તમે ટુવાલને ધોયા અને સૂક્યા વિના વારંવાર ઉપયોગ કરો છો, તો બેક્ટેરિયા તમારી ત્વચા, નાક દ્વારા તમારા શરીરમાં પહોંચે અને તમને બીમાર પાડે છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા ત્રણ ઉપયોગમાં લીધા બાદ ટોવેલને ધોવામાં નાખવો જોઈએ. જો તમે દિવસમાં એકવાર સ્નાન કરો છો, તો ત્રીજા દિવસે તેનો ઉપયોગ કર્યા પછી તમારા ટુવાલને ધોઈ લો.
આપણે બહાર જઈએ છીએ ત્યારે બેક્ટેરિયા, ફંગલ અથવા વાયરસ આપણા હાથ સહિત શરીરના વિવિધ અવયવો સુધી પહોંચે છે. જ્યારે આપણે ઘરે આવીને સ્નાન કરીએ છીએ, ત્યારે સ્નાન કર્યા બાદ પણ કેટલાક બેક્ટેરિયા આપણી ત્વચા પર જ રહે છે. જે શરીર લૂંછ્યા બાદ ટોવેલ પર પણ આવે છે. આવી પરિસ્થિતિમાં, ગંદા ટોવેલનો ફરીથી ઉપયોગ કરવામાં આવે તો તે ફરી વખત આપણી ત્વચા પર પાછા ફરે છે.
ધોયા વગર ગંદા ટોવેલનો વારંવાર ઉપયોગ કરવાથી ચામડીના રોગો અને ખીલ જેવી સમસ્યા પણ થઈ શકે છે. આટલું જ નહીં, ગંદા ટોવેલનો ઉપયોગ કરવાથી ખરજવું, દાદ અથવા ફોલ્લીઓ જેવી ત્વચાની ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એકંદરે, આપણે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત તો ટોવેલ ધોવા નાખવા જ જોઈએ.