અમેરિકામાં નાગરિકો પર ગોળીબારની ઘટના અટકવાનું નામ નથી લઇ રહી. મિશિગન સ્થિત સ્ટેટ યુનિવર્સિટી કેમ્પસમાં ગોળીબાર થયો છે. આ ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલાખોર એકલો હતો જે હાલ ફરાર છે, જેને પકડવા માટે પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
ઘટના સોમવાર રાતની છે. બીજી તરફ યુનિવર્સિટી પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર બે સ્થળોએ થયો હતો. ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોળીબાર સમયે હુમલાખોરે માસ્ક પહેરેલું હતું અને ફાયરિંગ કર્યા બાદ તે સ્થળ પરથી ભાગી ગયો હતો.
આ ઘટનાને કારણે યુનિવર્સિટીના તમામ વર્ગો આગામી 48 કલાક માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. ગોળીબારમાં મૃતકોની સંખ્યા વધીને ત્રણ થઈ ગઈ છે. પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયાના સમાચાર છે.
આ પહેલા 30 નવેમ્બર 2021ના રોજ મિશિગનના ઓકલેન્ડ કાઉન્ટીમાં આવેલી ઓક્સફર્ડ હાઈસ્કૂલમાં પણ ગોળીબારની ઘટના બની હતી. જેમાં 15 વર્ષના વિદ્યાર્થીએ સેમી ઓટોમેટિક પિસ્તોલથી ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા અને અન્ય છ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘાયલ થયા હતા.