હાલમાં જ કેનેડામાં 700 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને નોટિસ મોકલાવવાનો મામલો હજી તાજો જ છે ત્યાં અમેરિકા દ્વારા ભારતીયોને એક ગુડ ન્યૂઝ આપવામાં આવ્યા છે અને આ ગુડ ન્યૂઝ પ્રમાણે આ વર્ષે લાખો લોકો અમેરિકા જવાનું પોતાનું સપનું સાકાર કરી શકશે.
ગયા મહિને જ અમેરિકાએ ભારતીયો માટે વીઝા સ્લોટ ખોલ્યા હતા અને હવે ફરી એક વખત અમેરિકાએ ભારતીયોને એક મોટી ભેટ આપી છે. અમેરિકાએ એવી જાહેરાત કરી છે કે તેઓ 10 લાખ ભારતીય નાગરિકોને આ વર્ષે વીઝા આપશે.
એક મુલાકાત દરમિયાનની વાતચીતમાં અમેરિકી એમ્બેસીના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમેરિકી મિશને પહેલા જ ભારતમાં અમારી એમ્બેસીમાં બે લાખથી વધુ આવેદનોની પ્રોસેસ કરી છે. અમે 2023માં 10 લાખથી વધુ બિન પ્રવાસી વીઝા એપ્લિકેશન પર પ્રોસેસ કરવાના અમારા લક્ષ્યને પ્રાપ્ત કરવાને લઈને ઓન ટ્રેક છીએ.
અમેરિકી એમ્બેસીના પ્રવક્તાએ એવું પણ જણાવ્યું હતું કે, અમારું લક્ષ્ય 10 લાખ વીઝા એપ્લિકેશનને પ્રોસેસ કરવાનું છે, જેમાં તમામ શ્રેણીના બિન પ્રવાસી વીઝાનો સમાવેશ થાય છે. અમેરિકન એમ્બેસી અનુસાર વર્ષ 2022માં યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે આખી દુનિયામાંથી લગભગ 90 લાખ બિનપ્રવાસી વીઝા પર પ્રોસેસ કર્યા હતા. આ વીઝામાં બિઝનેસ, ટ્રાવેલ, સ્ટૂડન્ટ અને ક્રૂ વીઝાનો સમાવેશ થાય છે.