અમેરિકાની ચીનને ચેતવણી
અમેરિકાએ ચીનના કોસ્ટ ગાર્ડને સાઉથ ચાઈના સીમાં ફિલિપાઈન્સના જહાજોને હેરાન કરવાનું બંધ કરવા ચેતવણી આપી છે. શનિવારે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “અમે બેઇજિંગને તેના ઉશ્કેરણીજનક અને અસુરક્ષિત વર્તનથી દૂર રહેવા માટે કહીએ છીએ.”
નોંધનીય છે કે ફિલિપાઇન્સ અને ચીન વચ્ચે ભૌગોલિક રાજકીય તણાવ ચાલી રહ્યો છે. ગયા અઠવાડિયે જ ફિલિપાઇન્સે ચીનના કોસ્ટ ગાર્ડ પર દક્ષિણ ચીન સાગરમાં “આક્રમક રણનીતિ” અને “ખતરનાક દાવપેચ” નો આરોપ મૂક્યો હતો. ફિલિપાઇન્સના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટેરેસિટા દાઝાએ તે સમયે કહ્યું હતું કે ચીને તેમના નિયમિત પેટ્રોલિંગમાં દખલ કરી હતી અને તેમણે “અપ્રિય ઘટનાનું કારણ બને તેવી ક્રિયાઓથી દૂર રહેવું જોઈએ”. જોકે, એઝ યુઝવલ ચીને ફિલિપાઇન્સના દાવાને ફગાવી દીધો હતો. ચીનના વિદેશ મંત્રાલયે આક્ષેપ કર્યો હતો કે ફિલિપાઈન્સના જહાજોએ ચીની જળસીમામાં ઘૂસણખોરી કરી હતી અને જાણી જોઈને ઉશ્કેરણીજનક હરકતો કરી હતી.

ફિલિપાઇનસે ગયા વર્ષથી ચીન સામે 200 થી વધુ રાજદ્વારી વિરોધ નોંધાવ્યા છે. હાલના રાષ્ટ્રપતિ ફર્ડિનાન્ડ માર્કોસ જુનિયરે જૂનમાં પદ સંભાળ્યું ત્યારથી તેમણે ચીનની સામે ઓછામાં ઓછા 77 વાર રાજદ્વારી વિરોધ નોંધાવ્યા છે. અમેરિકા ફિલિપાઇન્સને સપોર્ટ કરે છે જે ચીનને પસંદ નથી. ફિલિપાઇન્સમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં અમેરિકન અને ફિલિપિનો દળો વચ્ચે લશ્કરી કવાયત યોજાઇ હતી, જેને કારણે ચીનના પેટમાં તેલ રેડાયું છે અને તે ફિલિપાઇન્સને છંછેડવાની એક પણ તક જતી કરતું નથી.
આ મહિનાની શરૂઆતમાં ચીને ચેતવણી આપી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ફિલિપાઇન્સ વચ્ચેની ગહન લશ્કરી કવાયતથી ચીનની સુરક્ષા અને પ્રાદેશિક હિતોને નુકસાન પહોંચવાની ભીતિ છે અને અમેરિકાએ દક્ષિણ ચીન સમુદ્રમાં લાંબા સમયથી ઉકળતા પ્રાદેશિક વિવાદોમાં દખલ ન કરવી જોઇએ.