અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટમાં Winter Stormને કારણે મોટા ભાગના શહેરોના રહેવાસી વિસ્તારોમાં વીજળી-પાણીની કટોકટી ઊભી થઈ છે, જેની સ્થાનિક જનજીવન પર અસર પડી છે. વિન્ટર સ્ટોર્મને કારણે દક્ષિણ કેલિફોર્નિયાના લોકોને મોન્ટેસિટોને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જ્યારે રાષ્ટ્રપતિ જો બાઈડેને કેલિફોર્નિયામાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
ચોથી જાન્યુઆરીએ પણ કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂજોમે વિન્ટર સ્ટોર્મને કારણે સમગ્ર રાજ્યમાં ઈમર્જન્સી જાહેર કરી હતી, જ્યાં લગભગ 4 કરોડ જેટલા રહેવાસીઓના ઘર છે. તેમણે રવિવારે વ્હાઈટ હાઉસને ઈમર્જન્સી જાહેર કરીને લોકોને જરુરી મદદ કરવાનો સરકારને અનુરોધ કર્યો હતો. સરકારી અહેવાલમાં જણાવ્યું હતું કે ડિસેમ્બરના અંતથી લઈને અત્યાર સુધીમાં પૂર અને તોફાનને કારણે 12 લોકોનાં મોત થયા છે, જે છેલ્લા બે વર્ષમાં જંગલમાં લાગેલી આગથી મરનારા નાગરિકોના મોતથી વધારે સંખ્યા છે. કેલિફોર્નિયામાં ભારે વરસાદ અને ચક્રવાતને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂર આવ્યા છે, જ્યારે રસ્તાઓ તૂટવાને કારણે વાહનવ્યવહાર પર અસર થઈ છે, જ્યારે ઠેરઠેર વીજળી ખોટકાઈ છે. એક અહેવાલ અનુસાર કેલિફોર્નિયાના એક લાખ ઘર અને કંપનીઓમાં સોમવાર સુધી વીજળી નહોતી, એમ ગર્વનરે જણાવ્યું હતું. યુએસ નેશનલ વેધર સર્વિસ (એનડબલ્યુએસ)એ કહ્યું હતું કે પૂરા કેલિફોર્નિયામાં સરેરાશ કરતા સૌથી વધારે વરસાદ પડ્યો છે, જે સરેરાશ કરતા 400-600 ટકા વધારે છે.