જ્યારે વિશ્વના સૌથી શક્તિશાળી રાષ્ટ્રપતિએ પીએમ મોદીને કહ્યું, હું તમારો ઓટોગ્રાફ લેવા માંગુ છું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના હિરોશિમામાં આયોજિત G7 સમિટમાં ભાગ લઈ રહ્યા છે. હિરોશિમાથી પીએમ મોદીની લોકપ્રિયતાનો સંદેશ આખી દુનિયામાં પહોંચી રહ્યો છે. હાલમાં જ હિરોશિમાથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન તેમની ખુરશી પરથી ઉભા થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગળે લગાવે છે. બાઈડેન અને પીએમ મોદીની મુલાકાતની આ તસવીર ભારત-અમેરિકાની મિત્રતાનો સંદેશ આપી રહી છે અને સાથે જ વિશ્વમાં પીએમ મોદીની લોકપ્રિયતાનો પણ પુરાવો આપી રહી છે.
ક્વાડ મીટિંગ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને વડાપ્રધાન મોદીને એવું કંઈક કહ્યું હતું જે ભારતના પીએમની લોકપ્રિયતા દર્શાવે છે. ક્વાડની બેઠકમાં, યુએસ પ્રમુખ બાઈડેને કહ્યું, “મારે પીએમ મોદીનો ઓટોગ્રાફ લેવો જોઈએ.”
વાત એમ છે કે, ક્વાડ મીટિંગ દરમિયાન પીએમ મોદીની ઓસ્ટ્રેલિયાના પીએમ અને અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાતચીત ચાલી રહી હતી. મીડિયા એજન્સીએ આધારભૂત સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે યુએસ પ્રમુખ બાઈડેને પીએમ મોદીને કહ્યું હતું કે, “તમારા કારણે મુશ્કેલી થઈ રહી છે. તમે આવતા મહિને વોશિંગ્ટનમાં અમારી સાથે ડિનર કરવાના છો. આ ડિનરમાં દેશના તમામ લોકો આવવા માંગે છે. મારી પાસે અત્યારે ટિકિટ બાકી નથી. શું તમને લાગે છે કે હું મજાક કરી રહ્યો છું. તો મારી ટીમને પૂછો. ફિલ્મ કલાકારોથી લઈને સંબંધીઓ સુધી… મને એવા લોકોના ફોન આવી રહ્યા છે જેની સાથે મેં પહેલાં ક્યારેય વાત કરી નથી. તમે ખરેખર ખૂબ લોકપ્રિય છો.”
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે તો ભારતના પીએમની પ્રશંસાના પુષ્પો જ વેર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે પીએમ નરેન્દ્ર મોદી ત્યાં પહોંચ્યા તો 20 હજારની ક્ષમતાવાળો હોલ નાનો બની ગયો હતો. પીએમ એન્થોનીએ યાદ કર્યું હતું કે કેવી રીતે 90,000 લોકોએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું.