એવા ઘણા લોકો છે જેમને અવનવા રેકોર્ડ બનાવાવ ઘણા ગમતા હોય છે. રેકોર્ડ બનાવવા માટે થઇને તેઓ કોઇ પણ હદ સુદી જવા તૈયાર હોય છે. આવા જ એક ધૂની ભાઇએ હાલમાં સૌથી વધુ સમય સુધી પાણીની અંદર રહેવાનો વિશ્વ વિક્રમ કર્યો છે.
અમેરિકાના આ ભાઇએ તાજેતરમાં જ 74 દિવસ સુધી પાણીની અંદર રહેવાનો રેકોર્ડ તોડ્યો છે. આ ભાઇનું નામ છે જોસેફ ડિતુરી. જો કે, હજુ સુધી તેનો પ્રયોગ પૂર્ણ થયો નથી. રેકોર્ડ બનાવવા છતાં, તેણે હજી પણ ફ્લોરિડાના કી લાર્ગોમાં લગૂનના તળિયે પાણીની અંદર રહેવાનું ચાલુ રાખ્યું છે.

જોસેફ ડિતુરી નિયમિતપણે ઇન્સ્ટાગ્રામ પર તેના પાણીની અંદરના સાહસના વીડિયો શેર કરે છે. સૌથી વધુ સમય સુધી પાણીની અંદર રહેવાનો વિશ્વ વિક્રમ સર્જયા પછી, તેણે તેના અનુભવ અને ભવિષ્યની યોજનાઓ જણાવતો એક વીડિયો શેર કર્યો હતો.

ડિતૂરી જણાવે છે કે અવનવી શોધ માટેની જિજ્ઞાસા તેને પાણીની અંદર લઇ ગઇ છે. તેનો ઉદેશ આવનારી પેઢીને, પેટાળમાં સંશોધન કરતા અને દરિયાઇ જીવનનો અભ્યાસ કરતા વિશ્વભરના સંશોધકો અને વૈજ્ઞાનિકોને લોકોને પ્રેરણા આપવાનો છે.

વિશ્વ વિક્રમ નોંધાવ્યા બાદ પણ જોસેફ ડિતૂરીનું પાણીની અંદર રહેવાનું મિશન હજી સમાપ્ત નથી થયું. તે સતત 100 દિવસ સુધી પાણીની અંદર રહેવા માગે છે. તેણે શેર કરેલા વીડિયોમાં તેણે પાણીની અંદરની જળસૃષ્ટિના, અવિશ્વસનીય જીવોને પણ દર્શાવ્યા છે.

વીડિયો પોસ્ટ કર્યા બાદ વિશ્વભરના લોકો તેને શુભેચ્છા આપી રહ્યા છે. લોકો એડિતૂરીની દિનચર્યા જાણવા ઉત્સુક છે. ડિતૂરી 73 દિવસ કેવી રીતે સૂઇ ગયો, શૌચાલયનો ઉપયોગ, ખાણીપીણી વગેરે વિશે જાણવામાં લોકોને રસ છે. જોકે ડિતૂરીએ લોકોના સવાલનો જવાબ તો નથી આપ્યો પણ તેણે જણાવ્યું હતું કે પાણીની અંદર જ્યારે મને ફ્રી સમય મળે છે ત્યારે હું મારા અનુભવો વિશે નવલકથા લખું છું.