નવી દિલ્હી: વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહેલાં કામદારોને આ ખૂબ જ ગરમ હવામાનની વિપરીત અસરમાંથી બચાવવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પગલાં ભરવા જોઇએ એમ કેન્દ્રે જણાવ્યું હતું.
શ્રમ અને રોજગાર ખાતા એ બધાં જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને અત્યારની ‘હિટવેવ’ની અસરમાંથી વિવિધ ક્ષેત્રોના મજદૂરોને બચાવવાની તૈયારી અને યોગ્ય વહીવટ રાખવા જણાવ્યું છે એમ સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
અત્યારે જે ખૂબ જ ગરમી પડી રહી છે તેની કામદારો પર પડનારી અસર ઓછી કરવા યોગ્ય પગલાં ભરવા માટે બાંધકામ કરનારી કંપનીઓ-માલિકો અને ઉદ્યોગોને સૂચના આપવી જરૂરી છે એમ કેન્દ્રના શ્રમ સચિવ આરતી આહુજાએ ભારપૂર્વક જણાવતાં કહ્યું હતું કે આ અંગેના પત્ર દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્યોના મુખ્ય સચિવો અને વહીવટકર્તાઓએ મોકલવામાં આવ્યા છે.
ઇન્ડિયન મિટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી) એ અત્યારની ખૂબ જ ગરમ ઋતુ અંગે આઉટ લુક નોટિસ બહાર પાડી છે, જેમાં સામાન્ય મહત્તમ તાપમાન કરતાં વધુ તાપમાન નોંધાઇ
રહ્યું છે, ત્યારે કર્મચારીઓ-મઝદૂરોના કામનાં કલાકોમાં ફેરબદલ કરવાનાં કામના સ્થળે યોગ્ય પ્રમાણમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે જેવાં બીજાં અનેક વ્યૂહાત્મક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ પત્રમાં ખાણોની દેખરેખ કરનારાઓને પણ સૂચના આપવામાં આવી છે, જેમાં તેમને જણાવવામાં આવ્યું છે કે કામદારો આરામ કરી શકે તેવી જગ્યાનો તાત્કાલિક બંદોબસ્ત કરવામાં આવે, ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને કામના સ્થળ નજીક ઇલેકટ્રો-લાઇટ સપ્લિમેન્ટ પૂરાં પાડવામાં આવે.
જો કર્મચારીને સારું ન લાગતું હોય તો તેને ઓછી ઝડપે કામ કરવાની, આરામનો સમય ફાળવવાની પરવાનગી આપવામાં આવે. એટલું જ નહીં સૌથી મુશ્કેલ કામ હોય એ દિવસનાં ઠંડા પહોરમાં કરવાની અને ભૂગર્ભ ખાણ હોય ત્યાં હવાની યોગ્ય રીતે અવરજવર થતી હોય એ જોવું જરૂરી છે અને એ પ્રકારના પગલાં ભરવાં જોઇએ.
કારખાના અને ખાણોમાં કામ કરનારા કર્મચારીઓની સાથે જ બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મઝદૂરો અને ઇંટ ભઠ્ઠીમાં કામ કરનારા પ્રત્યે ખાસ ધ્યાન આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. (પીટીઆઇ)