હિન્ડનબર્ગના રીપોર્ટ બાદ અદાણી મુદ્દે સમગ્ર દેશમાં ચર્ચા થઇ રહી છે. સંસદમાં પણ વિપક્ષ અદાણી મુદ્દે આક્રમક વલણ દાખવી રહ્યું છે. શુક્રવાર બાદ આજે સોમાવરે પણ સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો મચ્યો હતો જેને લઈને બંને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
વિપક્ષ સતત ગૃહમાં અદાણી મુદ્દે ચર્ચા કરવા માંગણી કરી રહ્યું છે. વિવિધ વિપક્ષી પાર્ટીના નેતાઓએ લોકસભા અને રાજ્યસભામાં સ્થગન પ્રસ્તાવ મુક્યો હતો. આ મામલાની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવાની માંગ કરવામાં આવી રહી છે.
અદાણી કેસ પર ચર્ચાની માંગ સાથે સંસદ પરિસરમાં ગાંધી પ્રતિમા પાસે વિરોધ પક્ષોના તમામ નેતાઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હોબાળો થતા સંસદના બંને ગૃહોને 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અદાણી કેસ અંગે કહ્યું કે, અમે નિર્ણય કર્યો છે કે આ મુદ્દો ગૃહમાં ચર્ચા માટે ઉઠાવવાનો છે. અમે આ મુદ્દે ચર્ચા કરીને સરકારને ખામીઓ જણાવવા માંગીએ છીએ. પરંતુ સરકાર આ મામલે સંપૂર્ણ મૌન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આ મામલે કંઈ બોલી રહ્યા નથી. દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે.
શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, દેશને ડૂબાડવાનો માટે જે મામલો સામે આવ્યો છે તેના પર તમામ વિરોધ પક્ષો સાથે બેસીને ચર્ચા કરશે. આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની માંગ સ્વીકારાશે નહિ ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.
અદાણી કેસને લઈને કોંગ્રેસ પાર્ટી આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. કોંગ્રેસના તમામ નેતાઓ તમામ જિલ્લાઓમાં એલઆઈસી અને એસબીઆઈની ઓફિસો સામે કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરશે.