ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વિરમગામમાં ભારે રાજકીય ડ્રામા સર્જાયો હતો. આમ આદમી પાર્ટીએ અગાઉ કુંવરજી ઠાકોરને ઉમેદવારી આપવાની જાહેરાત કરી હતી, પરંતુ છેલ્લી ઘડીએ મેન્ડેટ અમરસિંહ ઠાકોરને આપતા ભાજપ-કોંગ્રેસ ચિંતામાં મૂકાયા છે. અમરસિંહે યુવાવસ્થામાં રાજકીય કારકિર્દી ભાજપ સાથે શરૂ કરી હતી, પરંતુ છેલ્લા 20 વર્ષથી તેઓ કોંગ્રેસમાં હતા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. વિરમગામમાં ઠાકોર સમાજનું ખૂબ વર્ચસ્વ છે અને તેમના 80,000થી 90, 000 મત નિર્ણાયક ભિમકા ભજવે છે. ચૂંટણી જાહેર થયાના થોડા દિવસો પહેલા ઠાકોર સમાજે ઠાકોર ઉમેદવાને મત આપવા હાકલ કરી હતી. જો અમરસિંહ ઠાકોર સમાજ ઉપરાંત અન્ય સમુદાયોના મત તોડે તો તેમના જીતવાની શક્યતા વધે છે. અહીં કોંગ્રેસના લાખા ભરવાડ અને ભાજપના હાર્દિક પટેલે ઉમેદવારી નોંધાવી છે. હાર્દિક પટેલોના તમામ મત લઈ શકશે નહીં તેમ માનવામાં આવે છે. ભરવાડ પાસે ભરવાડ સમાજ ઉપરાંત કોંગ્રેસનાં વફાદાર એવા કોળી અને મુસ્લીમ સમાજના મત છે, પરંતુ આમાંથી અમુક મતો આપ તરફ વળે તો તેમની જીતની શક્યતા ઘટી જાય છે. આથી કોંગ્રેસ અને ભાજપ માટે તેમની ઉમેદવારી ચિંતાનો વિષય બની ગઈ છે.