પ્રયાગરાજ: ઉતર પ્રદેશની પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મળી છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભાજપ (ભાજપ)એ નાગરિક ચૂંટણી લડી હતી અને મોટા ભાગના લોકો આ જીતનો શ્રેય યુપીના સીએમ યોગી આદિત્યનાથને આપી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યુપીમાં માફિયા રાજનો અંત અને સારો કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર લોકોએ મોટી સંખ્યામાં મતદાન કર્યું હતું અને જેના કારણે ભાજપ સૌથી મોટી પાર્ટી બની. આ રાજ્યમાં સૌથી મોટી વાત એ પણ જોવા મળી કે સરકારે માફીયા રાજ પર સંપૂર્ણ અંકુશ મેળવ્યો હતો. માફિયા અતીકની ગયા મહિને જ શૂટર દ્વારા હત્યા કરવામાં આવી હતી, ત્યાર બાદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના જાહેર કરવામાં આવેલા ઉમેદવાર રાજકુમારે અહેમદ બ્રધર્સની કબર પર તિરંગો લગાવ્યો હતો. આ બાબતે વિવાદ પણ થયો હતો અને હવે બધા એ જાણવા માંગે છે કે ચૂંટણીમાં કોંગ્રેસના
ઉમેદવાર રાજકુમારનું પ્રદર્શન કેવું રહ્યું?
જનતાએ કોંગ્રેસના ઉમેદવાર રાજકુમારને નકારી દીધા છે, જેમણે માફિયા અતીક અહેમદ સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને તેની કબર પર ત્રિરંગો ફરકાવ્યો હતો. રાજકુમાર પ્રયાગરાજ નગરના વોર્ડ નંબર ૪૩ આઝાદ સ્ક્વેરથી ચૂંટણી લડી રહ્યા હતા. ચૂંટણીમાં રાજકુમારની હાલત ખૂબ જ ખરાબ હતી. રાજકુમાર તેમના વોર્ડમાં સૌથી છેલ્લે ઊભા હતા. તેમને માત્ર ૭૧ મત મળ્યા હતા. રાજકુમાર જે વોર્ડમાંથી ચૂંટણી લડતા હતા તે વોર્ડમાં ભાજપના ઉમેદવાર રિતેશ મિશ્રાની જીત થઈ છે.
કોંગ્રેસના આ ઉમેદવાર રાજકુમારે અતીક અહેમદની કબર પર ન માત્ર તિરંગો ફરકાવ્યો હતો, પરંતુ માફિયા અતીક અહેમદને ભારત રત્ન આપવાની પણ માંગણી કરી હતી. આ સિવાય રાજકુમારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ પર અતીકની હત્યા કરાવવાનો આરોપ લગાવ્યો હતો. જો કે રાજકુમારને ચૂંટણીમાં મતદારોએ ફગાવી દીધા છે.
ઉલ્લેખનીય છે કે રાજકુમાર અતીક અહેમદની કબર પર તિરંગો ફરકાવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયો હતો ત્યાર બાદ પોલીસે મામલાની ગંભીરતાથી નોંધ લીધી હતી અને તેમને કસ્ટડીમાં લીધા અને પૂછપરછ કરી. આટલું જ નહીં, રાજકુમારે અતીક અહેમદને શહીદ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે એટલા માટે તે અતીકની કબર પર તિરંગો રાખવા ગયો હતો. જોકે જનતાએ આજે તેનો જવાબ આપી દિધો છે.