(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષના પુસ્તકોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એનસીઈઆરટી દ્વારા દરેક રાજ્યોને વિદ્યાર્થીઓનું ભારણ ઓછું કરવા માટે અભ્યાસક્રમમાં ઘટાડો કરવા માટે સૂચના આપવામાં આવી હતી. શિક્ષણ વિભાગ દ્વારા દરેક જિલ્લા મારફતે શાળાઓને દૂર કરેલા પ્રકરણ અને હટાવી દીધેલા મુદ્દાઓની યાદી મોકલી આપવામાં આવી છે તેમજ શિક્ષકોને પણ નોંધ લેવા સૂચના આપવામાં
આવી છે.
એનસીઈઆરટીના સૂચનો મુજબ ગુજરાતમાં વર્ષ ૨૦૨૩-૨૪ના નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ ૬થી ૧૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના પાઠ્યપુસ્તકોમાંથી અંદાજે ૪૦થી વધુ પ્રકરણ દૂર કરવામાં આવ્યા છે. જેમાં રાજ્યની સ્કૂલોમાં ધોરણ ૬થી ૧૦ના ગણિત અને વિજ્ઞાન તેમજ ધોરણ. ૧૧ અને ૧૨ સાયન્સમાં રસાયણ વિજ્ઞાન, ગણિત, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના પુસ્તકોમાં મોટો ફેરફાર કરાયો છે. ધોરણ ૯ના વિજ્ઞાનમાં બાવન મુદ્દા અને ત્રણ પ્રકરણ રદ કરાયા છે જ્યારે ગણિત વિષયમાં ૩૮ મુદ્દા અને બે પ્રકરણ રદ કરવામાં આવ્યા છે. ધો-૧૦ના વિજ્ઞાનમાં ૨૧ મુદ્દા અને ત્રણ પ્રકરણ જ્યારે ગણિત વિષયમાં ૩૫ મુદ્દા અને એક પ્રકરણ રદ કરવામાં આવ્યા છે. ધોરણ ૧૨માં જીવ વિજ્ઞાનમાં ૩૦ ટકા જેટલો અભ્યાસક્રમ ઘટાડી દેવામાં આવ્યો છે. ગણિત વિષયમાં ધોરણ-૬માં ૩૮ મુદ્દા, ધોરણ-૭માં ૩૬ મુદ્દા, ધોરણ-૮માં ૫૧ મુદ્દા રદ કરવામાં આવ્યા છે. વિજ્ઞાનમાં ધોરણ ૬થી૮માં પાંચ-પાંચ પ્રકરણ રદ કરવામાં આવ્યાં છે. આ યાદી મુજબ જો કોઈ વર્ગમાં કોઈ વિદ્યાર્થી પાસે જૂના ગત વર્ષના પુસ્તકો હોય તો રદ કરેલા પ્રકરણ અને મુદ્દા સિવાયનો અભ્યાસક્રમ જૂના પુસ્તકોમાંથી પણ ભણી શકે છે.