મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારે બુધવારે કહ્યું હતું કે હાલ રાજ્યમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિને કારણે એક લાખ એકરની જમીન પરના પાકમાં નુકસાન થયું હતું. પાકને થયેલા નુકસાનથી અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારે મદદ કરવી જોઈએ, એવું પણ તેમણે જણાવ્યું હતું.
રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અજિત પવારે કહ્યું હતું કે કાંદા, પપૈયું, દ્રાક્ષ અને અન્ય પાકને સૌથી વધારે નુકસાન થયું છે. વિપક્ષવતીથી તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને રાજ્યમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારને માહિતગાર કરવામાં આવશે તથા વહેલામાં વહેલી તકે વળતર આપવાનો અનુરોધ કરવામાં આવશે.
કથિત મહારાષ્ટ્ર રાજ્ય સહકારી બેંક કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર (ઈડી) દ્વારા ક્લિનચીટ આપવાના અહેવાલ મુદ્દે તેમણે કહ્યું હતું કે એ વાત સાચી નથી, કારણ કે હજુ પણ તપાસ ચાલી રહી છે. દરમિયાન મંગળવારે ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ નેતા (એનસીપી)ના પ્રમુખ શરદ પવાર સાથેની બેઠકમાં શું ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે તેમણી વચ્ચેની બેઠકમાં શું થયું હતું એ અંગે મને કોઈ ખબર નથી.