ગુજરાતમાં કમોસમી વરસાદના રાઉન્ડ સમયાંતરે આવતા જ રહે છે. હજુ પણ આવો ડહોળાયેલો માહોલ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. હાલમાં એપ્રિલ મહિનો છે, પરંતુ ગુજરાતના મોટા ભાગના શહેરો જેવી કાળઝાળ ગરમી માટે જાણીતા છે તેવી ગરમી પડી રહી નથી અને મીશ્ર ઋતુને લીધે શુષ્ક જીવન જીવાઈ રહ્યું છે. ગરમી ન પડવાને લીધે જેમ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે તેમ બીજો એક ધંધો છે જે ગરમીમાં વધારે ખિલે છે અને તે છે આઈસક્રીમનો. ગુજરાતમાં આઈસક્રીમનું ખૂબ જ મોટું માર્કેટ છે, પરંતુ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં આઈસક્રીમનો ધંધો 25 ટકા ઓછો થયો હોવાનું જાણવા મળ્યું છે.
ફેબ્રુઆરી મહિનાના બીજા પખવાડિયાથી સૂર્ય તપવાનું શરૂ કરી દે અને માર્ચ મહિનામાં ખરો ઉનાળો શરૂ થઈ જાય. આથી આઈસક્રીમ ખાવાવાળાની સંખ્યા મોટી હોય. ગયા વર્ષે આ બે મહિનામાં આઈસક્રીમનો સેલ રૂ. 400 કરોડ સુધી પહોંચ્યો હતો જે આ વર્ષે રૂ. 300 કરોડે આવીને અટકયો છે. આ સાથે રો મટિરિયલના ભાવ વધ્યા હોવાથી આઈસક્રીમ ઈન્ડસ્ટ્રી ભીંસ અનુભવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આ ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર ખરાબ વાતાવરણને લીધે સેલમાં ઘટાડો જોવા મળ્યો છે.
ગુજરાતમાં રૂ. 2000 કરોડનું આઈસક્રીમ માર્કેટ છે જેમાંથી 30 ટકા અસંગઠીત એકમોનું છે.
દૂધ સહિતના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતા ગ્રાહકો પર પાચેક ટકાથી વધારે ભાવવધારો નાખી શકાય તેમ ન હોવાથી સારું માર્જિન મળતું નથી. આવા સમયે જો વાતાવરણ આવું જ રહે અને લોકો બીમારીના ડરથી ગરમીના અભાવે આઈસક્રીમ ખાવા બહાર જ ન નીકળે તો ઈન્ડસ્ટ્રીને વધારે નુકસાન જાય તેમ છે. હજુ એપ્રિલ,મે અને જૂન તેમ ત્રણ ઉનાળાના મહિના બાકી છે ત્યારે જો ગરમી વધે અને બીમારીઓનું પ્રમાણ ઘટે તો લોકો આઈસક્રીમ ખાવા નીકળે, તેમ સૂત્રો જણાવે છે.
અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં ઉનાળામાં રાત્રે આઈસગોલા, આઈસક્રીમ જેવી ઠંડી વસ્તુઓ કાવા લોકો નીકળી પડતા હોય છે. આ સાથે ગરમીનો ત્રાસ હોય તો કંઈક ખાવાને બદલે ઠંડા પીણાં કે ઠંડી વસ્તુઓ તરફ વધારે મન લલચાતું હોય છે, પરંતુ ગરમી ન હોવાથી હાલમાં તો આ ધંધો મંદો પડી ગયો છે. કમોસમી વરસાદની વાત આવે ત્યારે આપણને તરત ખેતી અને ખેડૂતો યાદ આવે છે, પરંતુ ઋતુના ચક્ર ખોટી દિશામાં ફરે ત્યારે ઘણા ક્ષેત્રોમાં આર્થિક નુકસાન જતું હોય છે, જેનો માર સૌએ સહન કરવો પડે છે.