(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે જ છેલ્લાં એક અઠવાડિયાથી પલટાયેલા વાતાવરણ વચ્ચે શુક્રવારે બનાસકાંઠા જિલ્લાના અંબાજી સહિતના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસ્યા બાદ શનિવારે બનાસકાંઠા ઉપરાંત અરવલ્લી, સુરેન્દ્રનગર, મહેસાણા, મહીસાગર અને અમરેલી જિલ્લામાં માવઠાંનો માહોલ સર્જાયો હતો. અંબાજી સહિતના કેટલાક ઠેકાણે ગાજવીજ સાથે માવઠું વરસ્યું હતું. માવઠાંના લીધે ઉનાળુ વાવેતરને નુકશાનની ભીતિ સર્જાઇ છે.
રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ૩ દિવસ માવઠાંની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં શનિવારે સવારથી જ કમોસમી વરસાદ શરૂ થયો હતો. બનાસકાંઠાના પાલનપુર, અંબાજી, ધાનેરા, ડીસા, કાંકરેજ, દાંતીવાડા, કાંકરેજમાં કમોસમી વરસાદ પડ્યો હતો જ્યારે મહીસાગરમાં વહેલી સવારે માવઠું જોવા મળ્યું હતું. અરવલ્લીના માલપુર સહિત કેટલાક વિસ્તારોમાં હળવા છાંટા વરસ્યા હતા. આ ઉપરાંત હળવદના રણકાંઠા વિસ્તારમાં પણ માવઠાનો માહોલ છવાયો હતો.
હવામાન વિભાગ દ્વારા મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા, સાબરકાંઠા, બનાસકાંઠામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જેમાં પવનની ગતિ પણ ૪૦ કિમિ પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. ૫મી, ૬ઠ્ઠી અને ૭મી માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે. નવસારી, વલસાડ, ડાંગ જિલ્લમાં માવઠાની આગાહી છે. ૫ માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, પોરબંદરમાં માવઠાની આગાહી છે. માવઠાની આગાહીના લીધે યાર્ડમાં પાકની આવક બંધ કરાઈ છે. હાપા અને ભાવનગર યાર્ડમાં જણસીની આવક બંધ કરાઈ છે.