અમદાવાદ: ગુજરાતમાં પલટાયેલા વાતાવરણ સાથે જ સુરત ખાતે માવઠાનાં મંડાણ થયાં હતાં. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ દિવસમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. સુરતમાં મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જિલ્લાના કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો.
સુરતના ઓલપાડમાં ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ ઉપરાંત કેટલાક વિસ્તારમાં જોરદાર પવન પણ ફૂંકાતો હતો. કમોસમી વરસાદને પગલે બાગાયતી પાક સહિતના ખેતીના પાકને ભારે નુકસાન જવાની ભીતીના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ, રાજ્યના હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી તા.૧૫, તા.૧૬ અને તા.૧૭મી માર્ચે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે ખેડૂતોને પાક તૈયાર થઈ ચૂક્યા છે તેઓ ઝડપથી પાક ઉતારી લેવા જણાવ્યું હતું.