નવી દિલ્હી: બૅડમિન્ટન એશિયા જુનિયર ચૅમ્પિયનશિપની અન્ડર-૧૭ની મહિલાઓની સિંગલ્સની ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બનીને ઉન્નતિ હૂડાએ શનિવારે ઈતિહાસ રચ્યો હતો.
અન્ડર-૧૭ની મહિલાઓની સિંગ્લસની સેમિફાઈનલમાં ઉન્નતિએ જાપાની પ્રતિસ્પર્ધી ખેલાડીને ૨૧-૦૮, ૨૧-૧૭થી પરાજય આપી ફાઈનલમાં સ્થાન મેળવી લીધું હતું.
રવિવારે રમાનારી ફાઈનલમાં ઉન્નતિનો મુકાબલો થાઈલૅન્ડની સારુન્રાક વિતિદાશર્ન સાથે થશે.
અન્ડર-૧૫ સિંગલ્સના ખેલાડી અનિસ થોપાની તેમ જ અન્ડર-૧૭ની પુરુષોની ડબલ્સની અર્શ મોહમ્મદ અને સંસ્કાર સારસ્વતની જોડીએ પણ ભવ્ય વિજય મેળવી ટુર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
અન્ડર-૧૫ની સિંગલ્સની સેમિફાઈનલમાં અનિસે ચીનના લી ટૂ જૂને ૧૮-૨૧, ૨૧-૧૨, ૨૧-૧૨થી પરાજય આપ્યો હતો.
ફાઈનલમાં અનિસનો મુકાબલો ચીનના ચૂન્ગ શિયાન્ગ યી સાથે થશે.
અર્શ અને સંસ્કારની જોડીએ ચીનના ચી-રૂયી ચીઉ અને શાઓ હૂઆ ચીઉની જોડીને ૨૧-૧૫, ૨૧-૧૯થી પરાજય આપ્યો હતો.
ફાઈનલમાં આ બંનેનો મુકાબલો ચીનના લાઈ પો યૂ અને ટી હાઓ લિન સાથે થશે.
અગાઉ, અર્જુન એમઆર અને ચિરાગ શેટ્ટીની જોડીએ વર્ષ ૨૦૧૩માં તેમ જ પ્રસાદ ગારગ અને સાત્વિક સાંઈરાજની જોડીએ વર્ષ ૨૦૧૫માં ટુર્નામેન્ટની અન્ડર-૧૭ શ્રેણીમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. (એજન્સી) ઉ