(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્વિક બુલિયન માર્કેટમાં આજે સપ્તાહના અંતિમ સત્રમાં અમેરિકાની ૧૦ વર્ષીય બૉન્ડની યિલ્ડમાં ઘટાડો આવ્યો હોવાથી સોના-ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેવાની સાથે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈ ગયો હોવાથી સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૨નો ઘટાડો આગળ ધપ્યો હતો. તેમ જ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી છૂટીછવાઈ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૭ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં ઊંચી સપાટીએથી સ્ટોકિસ્ટો તથા રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧૨ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૫,૩૬૧ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૫,૫૮૪ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન .૯૯૯ ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૭ના ઘટાડા સાથે રૂ. ૬૭,૫૯૧ના મથાળે રહ્યા હતા.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકા વધીને ઔંસદીઠ ૧૮૩૯.૪૦ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૨ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૪૩.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૮ ટકા વધીને ૨૩.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
એકંદરે આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાનાં નોન ફાર્મ પેરોલ ડેટા પર રોકાણકારોની નજર હોવાને કારણે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું વિશ્લેષકોએ જણાવતાં ઉમેર્યું હતું કે જો રોજગારોની સંખ્યામાં બજારની અપેક્ષા કરતાં વધુ ઉમેરો જોવા મળશે તો સોનાના ભાવ દબાણ હેઠળ આવે તેવી શક્યતા નકારી ન શકાય.