જેમને સેવા કરવી જ હોય, કોઈને કોઈને રીતે સમાજને મદદરૂપ થવું જ હોય તેઓ રસ્તો શોધી જ લે છે. મોટા ભાગના સેવાકાર્યો માણસ જીવતો હોય ત્યારે તેની મદદના સ્વરૂપે થાય છે, પરંતુ જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે ત્યારે જુનાગઢના ભેંસાણ તાલુકામાં મૃત વ્યક્તિ ને તેમના સ્વજનોને મદદરૂપ થાય તેવી સેવા કરવામાં આવે છે.
મકરસંક્રાંતિના દિવસે આમ તો આખું ગુજરાત અગાસી એટલે કે ધાબા પર ચડી જઈને પતંગ ઉડાડે છે અને ખાણી-પીણીની મજા માણે છે, પરંતુ ભેંસાણના પુરુષો આ દિવસે અહીંના સ્મશાન માટે લાકડા એકઠા કરવાનું કામ કરે છે. લગભગ ૨૫ વર્ષથી શરૂ થયેલા આ કામમાં સ્થાનિક ધારાસભ્યથી માંડીને યુવાન-વૃદ્ધ તમામ જોડાય છે.
કોઈ સમય કે કામ નક્કી નથી હોતા. આ દિવસે બધા પોતાની રીતે કામે લાગી જાય છે અને લગભગ આખું વર્ષ ન ખૂટે તેટલા લાકડા ભેગા કરે છે. આ સાથે ચોમાસાની ઋતુમાં લાકડા ભિંજાઈ ન જાય તે રીતે તેને વ્યવસ્થિત ગોઠવે પણ છે.
આ સેવાની ક્યારે, શા માટે શરૂઆત થઈ તે અંગે ખાસ કોઈ જાણતું નથી, પરંતુ લાકડા ભેગા કરવાથી માંડી, તેના કટિંગ, તેની ગોઠવણી કરી આ દિવસે શ્રમ દાન કરે છે.
મકરસંક્રાતિના દિવસે દાનનો ભારે મહિમા છે ત્યારે માત્ર વસ્તુઓ જ નહીં, શ્રમનું દાન પણ ઉત્તમ દાન છે. પોતાના સ્વજનના મૃત્યુની વ્યથા સાથે સ્મશાનમાં આવતા સંબંધીઓની સગવડતાનો વિચાર કરવો અને તહેવારના દિવસે આ પ્રકારનું અનેરું સેવાકાર્ય કરવું એ ખરેખર પ્રશંસા માગી લે તેવું છે.